રાહુલ ગાંધી અને સૂરજેવાલા સામે બદનક્ષી ફરિયાદ કરાઇ

995

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા વિરૂધ્ધ આજે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષી અને માનહાનિ અંગેની એક ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડીસી બેંકના ચેરમેન તરફથી દાખલ કરાયેલી ફરિયાદને લઇ ગુજરાતના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે, ખાસ કરીને કોંગ્રેસ પક્ષની મુશ્કેલી વધી છે. કોર્ટે પણ ફરિયાદની ગંભીરતા ધ્યાને લઇ કલમ-૨૦૨ હેઠળ કોર્ટ ઇન્કવાયરીનો હુકમ કર્યો હતો.

અને આગામી તા.૧૭મી સપ્ટેમ્બરના રોજ જરૂરી પુરાવા અને સાક્ષી સાથે હાજર રહેવા ફરિયાદપક્ષને હુકમ કર્યો હતો. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા બદનક્ષી અને માનહાનિ અંગેની દાખલ કરાયેલી ગંભીર ફરિયાદમાં ઘણા મહત્વના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે. ખાસ કરીને નોટબંધી દરમ્યાન રણદીપ સૂરજેવાલા અને રાહુલ ગાંધી દ્વારા કરાયેલા કેટલાક વિવાદીત ટવીટ અને ટિપ્પણીઓને લઇ એડીસીના બેંકના ચેરમેન દ્વારા બદનક્ષીનો દાવો દાખલ કરાયો છે, જેમાં એડીસી બેંકના ચેરમેન તરફથી એડવોકેટ અજીતસિંહ જાડેજાએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલાના આ પ્રકારના વિવાદીત નિવેદનોને લઇ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકની છબી ખરડાઇ છે અને વર્ષો જૂની તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. કોંગ્રેસના આ બંને રાષ્ટ્રીય નેતાઓએ નોટબંધી દરમ્યાન પાંચ જ દિવસમાં રૂ.૭૪૫ કરોડ બદલાયા હોવાના ગંભીર આક્ષેપ કરી વિવાદીત નિવેદનો કરાયા હતા અને તેને લઇ બેંકની પ્રતિષ્ઠાને અવળી અસરો થઇ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના બેજવાબદાર અને પાયાવિહોણા નિવેદનો અને વાતોને લઇ એડીસી બેંકને ભારે નુકસાન થયુ હતું. આ સંજોગોમાં કોર્ટે કોંગ્રેસના બંને રાષ્ટ્રીય નેતાઓ વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરી બદનક્ષીની કાર્યવાહી કરવી જોઇએ અને અરજદારની દાદ મુજબ તેઓને યોગ્ય રાહત આપવી જોઇએ. ફરિયાદપક્ષની આ રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટે ઉપરમુજબ હુકમ કર્યો હતો.

Previous articleચાર વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા ઘણા બધા દેશોથી આગળ : જેટલી
Next articleસમગ્ર દેશમાં ઉડાડી શકશો ડ્રોન, ઉડ્ડયન મંત્રાલયે આપી પરવાનગી