એશિયન ગેમ્સ-૨૦૧૮ઃ  ૮૦૦ મીટર દોડમાં મંજીત સિંહને ગોલ્ડ મેડલ

0
676

એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. ૮૦૦ મીટર દોડમાં મંજીત સિંહે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મંજિત સિંહે ૧.૪૬.૧૫ સેકન્ડમાં રેસ પુરી કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભારતના જ જિન્સન જોન્સને ૧.૪૬.૩૫ સેકન્ડમાં રેસ પુરી કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતે અત્યાર સુધી ૯ ગોલ્ડ, ૧૮ સિલ્વર અને ૨૨ બ્રોન્ઝ સાથે ૪૯ મેડલ મેળવ્યા છે.

એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારતીય હોકી ટીમે શાનદાર લય જાળવી રાખતા શ્રીલંકા સામે ૨૦-૦થી વિજય મેળવ્યો હતો. ભારતીય હોકી ટીમ આ એશિયન ગેમ્સમાં ૫ મેચમાં ૭૬ ગોલ ફટકારી ચૂકી છે. જ્યારે તેની સામે હરીફ ટીમે ફક્ત ત્રણ જ ગોલ કર્યા છે. ભારતે આ પહેલા દક્ષિણ કોરિયા સામે ૫-૩થી, જાપાન સામે ૮-૦થી, હોંગકોંગ સામે ૨૬-૦થી અને ઇન્ડોનેશિયા સામે ૧૭-૦થી વિજય મેળવ્યો હતો. ભારત તરફથી રુપિંદર પાલ સિંહે અત્યાર સુધી ૧૨ ગોલ ફટકાર્યા છે.

ટેબલ ટેનિસમાં ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. સેમિફાઇનલ મુકાબલામાં ભારતનો કોરિયા સામે ૩-૦થી પરાજય થયો હતો. આ પરાજય છતા એશિયન ગેમ્સમાં ભારતે એક મોટી સિદ્ધિ મેળવી છે. ભારત પ્રથમ વખત ટેબલ ટેનિસમાં અહીં બ્રોન્ઝ મેડલ જીતવા સફળ રહ્યું છે. કોરિયાના લી સંગસુએ સાથિયાનને ૯-૧૧, ૧૧-૯, ૧૧-૩, ૧૧-૩થી હરાવ્યો હતો. જ્યારે યોંદ સિકે શરત કમલને ૧૧-૯, ૧૧-૯, ૬-૧૧, ૭-૧૧, ૧૧-૮થી અને જેંગ વુજિને અમલરાજમે ૧૧-૫, ૧૧-૭, ૪-૧૧, ૧૧-૭થી હરાવ્યો હતો.

ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ ૧૮મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાથી ચૂકી ગઈ છે. બેડમિન્ટન ફાઈનલમાં પી વી સિંધૂનો પરાજય થયો હતો. વર્લ્ડ નંબર – ૩ સિંધૂને ફાઈનલ મુકાબલામાં ચીની તાઈપેની સ્ટાર અને વર્લ્ડ નંબર વન ખેલાડી તાઈ જુ યિંગે સીધા સેટમાં ૨૧-૧૩, ૨૧-૧૬થી હરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here