પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા જામીન પર મુકત થયા

1095

ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર અને મેસર્સ આલ્કોક અને એસડાઉન(ગુજરાત)લિ.ના ૨૦૦૭-૦૮ના મેનેજીંગ ડિરેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન જહાજોના રીપેરીંગનો કોન્ટ્રાકટ શ્રી સહાયરાજ સાવરીમથ્થુ નામની ખાનગી શીપીંગ કંપનીને આપ્યા બાદ આ એજન્સીને ચૂકવવાના થતાં નાણાં મંજૂર કરવાના બદલામાં રૂ.૨૫ લાખની લાંચ મેળવવાના ચકચારભર્યા કેસમાં પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને ગુજરાત હાઇકોર્ટે આખરે શરતી જામીન ઉપર આજે મુકત કર્યા હતા.

આ કેસમાં ડાયરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ(ઇડી) દ્વારા ગત તા.૨૭-૯-૨૦૧૬ના રોજ પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ (પીએમએલએ)એકટ-૨૦૦૨ની કલમ-૩ અને ૪ હેઠળ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સ્પેશ્યલ પીએમએલએ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

જેમાં અરજદાર પ્રદીપ શર્માની તા.૩૧-૭-૨૦૧૬ના રોજ ધરપકડ થઇ હતી અને ત્યારથી તેઓ જેલમાં ગત તા.૮-૩-૨૦૧૮ના રોજ હાઇકોર્ટે આ કેસમાં જામીન આપ્યા તેના બીજા જ દિવસે એસીબી દ્વારા ભાવનગરના ઉપરોકત કેસમાં અરજદાર પ્રદીપ શર્માની બિલકુલ ખોટી અને ગેરકાયદે રીતે ધરપકડ કરી લેવાઇ હતી. કારણ કે, સમગ્ર ઘટના દસ વર્ષ જૂની હતી, ત્યારે તેમને માત્ર જેલમાં રાખવાના બદઇરાદાથી જ આ કેસમાં સંડોવી દેવાયા છે. વાસ્તવમાં અગાઉ પણ વેલસ્પન કંપનીના કેસમાં પણ લાંચ અને ભ્રષ્ટાચારના આક્ષેપોના પ્રકરણમાં પણ અરજદાર વિરૂધ્ધ એકથી વધુ ફરિયાદો નોંધાયેલી છે અને આવા જ આક્ષેપોને આધાર બનાવી એક પછી એક નવી ફરિયાદ નોંધી સરકાર અરજદારને જેલમાં રાખવાના ઇરાદાથી કિન્નાખોરી રાખી કાર્યવાહી કરી રહી છે.

શર્મા તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, સમગ્ર કેસમાં નાણાં ટ્રાન્સફર અંગેનો અંતિમ સ્ત્રોત જ સ્પષ્ટ થતો નથી. ત્યારે કેસના તમામ સંજોગો અને હકીકતો ધ્યાને લેતાં અરજદાર જામીન મેળવવા હકદાર ઠરે છે. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે પ્રદીપ શર્માના જામીન મંજૂર કર્યા હતા. હાઇકોર્ટે જામીન આપતાં પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને બહુ મોટી રાહત મળી હતી.

Previous articleજીએસપીસી મામલે કોંગ્રેસના આક્ષેપ બિલકુલ પાયાવિહોણા : ઉર્જાપ્રધાન
Next articleઅનામતને લઇને કોંગ્રેસની નિયત સાફ નથી : વાઘાણી