રાજ્યમાં ૧૧૫૧ પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા ખાલી : મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

2144

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેતી તથા પશુપાલન પર નભતા દેશનાં ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનાં બણગા ફુંકી રહ્યા છે. પરંતુ પીએમનાં મોડેલ ગુજરાતમાં પશુ ચિકિત્સાની સેવામાં રાજય સરકાર ગંભીર રીતે બેદરકારી સેવી રહી છે. પશુ ચિકિત્સકની ડીગ્રી લઇને નોકરીની રાહ જોતા ઉમેદવારો દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયથી માંડીને સંબંધીત વિભાગોમાં કરવામાં આવેલી રજુઆત પ્રમાણે રાજયમાં ૪૩ ટકા એટલે કે ૧૧૫૧ પશુચિકિત્સા અધિકારીઓની જગ્યા ખાલી છે. જ્યારે પશુ દવાખાનાની પણ મોટી ઘટ છે.

સરકારે ૨૮૦ ચિકિત્સકો માટે ભરતી બહાર પાડી હતી. પરંતુ તે પણ ઘટાડીને ૪૦ કરી નાંખતા રોષ જોવા મળ્યો છે.

મુખ્યમંત્રી કાર્યાલયે આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યાનુસાર રાજયમાં પશુચિકિત્સા અધિકારીઓની ૪૩ ટકા જગ્યા ખાલી છે. ભારત સરકારનાં પશુપાલન વિભાગ, ડેરી અને મત્સ્ય વિભાગ દ્વારા રચવામાં આવેલા ડો સ્વામીનાથનનાં કમિશને નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે દર ૫ હજાર પશુએ એક પશુ દવાખાનું જરૂરી છે. ગુજરાત રાજયનાં પશુપાલન વિભાગનાં લેખમાં જણાવ્યાનુંસાર દર ૨૭ હજાર પશુએ ૧ દવાખાનું છે! ગત ૨૨મી મેનાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સરકારે ૧૧૫૧ની ઘટ સામે ૨૮૦ પશુચિકિત્સા અધિકારીઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. આટલી સંખ્યામાં ભરતી છેક ૧૦ વર્ષ બાદ આવતા પશુચિકિત્સા તથા પશુપાલન સાથે સંકળાયેલા લોકો માટે ખુશીનાં સમાચાર હતા. પરંતુ સ્વતંત્રતા દિવસે બીજી જાહેરાત બહાર પાડવામાં આવી. જેમાં ભરતીની આ જગ્યાઓ ૨૮૦માંથી ઘટાડીને ૪૦ની જ કરી દેવાઇ ! મતલબ ૯૫ ટકા જગ્યા કાપી નાંખી. કૃષિ અને પશુપાલનમાં અગ્રેસર થવાની વાતો કરતી રાજય સરકારનું આ વલણ વિચિત્ર લાગી રહ્યુ છે. ત્યારે ભરતીની બેઠકો ઘટાડવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી છે. ૧૦ વર્ષે પશુ ચિકીત્ચકોની ભરતીની જગ્યાઓ ઘટાડવા મુદ્દે મુખ્યમંત્રી કચેરી ખાતે તેમની માંગણીઓ રજુ કરી હતી.

Previous articleદહેગામ હાઇવે પર દબાણો દૂર કરવા નોટિસો અપાઇ
Next articleમોડાસા કલેક્ટર કચેરીમાં ભેંમપુરના ખેડૂતનો આત્મ વિલોપનનો પ્રયાસ