ભૂમાફીયા પરષોતમ ચીમનાણીને ૭ વર્ષની કેદ ફરમાવતી ગાંધીનગર કોર્ટ

1344

ગાંધીનગર અદાલતમાં આજે ભુમાફીયા પરષોતમ છીણકુમલ ચીમનાણીને ૧૧ વીઘા જમીન બોગસ, બનાવટી અને ફ્રોડ પાવર ઓફ એટર્ની બનાવી મૃત વ્યક્તિના નામે ખોટું પાવર ઓફ એટર્ની બનાવવાના કેસમાં જુદી જુદી કુલ મળી ૭ વર્ષ જેટલી જેલની સજાનો હુકમ ગાંધીનગર કોર્ટ દ્વારા કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી.

ચીમનાણી વિરુધ્ધ રામાજી છોટાજી ઠાકોરે વકીલ કરણસિંહ બી. વાઘેલા મારફતે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં એડી. ચીફ. જયુ. મેજી.(ફ.ક.) આર. ડી. મહેતાની કોર્ટમાં ક્રિમીનલ કેસ ચાલતાં આરોપી પરસોતમદાસ છીણકુમલ ચીમનાણીને આઈપીસી ૪૦૬ હેઠળ એક વર્ષથી, ૪૬પ હેેઠળ ૧ વર્ષની, ૪૬૭ હેઠળ ૭ વર્ષની, ૪૬૮ હેઠળ ર.પ વર્ષની, ૪૭૧ હેઠળ ર.પ વર્ષની તેમજ રૂ. પ,૦૦૦/- નો દંડ આમ વધુમાં વધુ સાત વર્ષની સજા કરવામાં આવી છે.

આમ અદાલત દ્વારા કરવામાં આવેલી સજા દ્વારા ગરીબ ખેડુતોની જમીનો પચાવી પાડનાર ભૂમાફીયાઓને સબક સીખે એવો દાખલો બેસાડવામાં આવ્યો છે. ઉપરોકત આરોપી ચીમનાણી દ્વારા ગાંધીનગર-અમદાવાદ જિલ્લાના ગામડાના અભણ અને કાયદાના અજ્ઞાન ખેડુતોને લલચાવી, ફોસલાવી, છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી બોગસ દસ્તાવેજો ઉભા કરી તેનો ખરા તરીકે સરકારી કચેરીઓમાં તથા તમામ જગ્યાએ ઉપયોગ કરી ખેડુતોની કીંમતી જમીનો સસ્તામાં છીનવી લેવાનો અને ખેડુતો તથા તેમના વકીલો તથા કોર્ટ કચેરીના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને પણ અવાર-નવાર ધમકીઓ આપી ખોટા કેસો કરી ફસાવવાના પ્રયત્નો કરતા હોય છે. જેથી આવા માથાભારે ભુમાફીયા ખોટી રીતે ખેડૂત બની ગરીબ ખેડુતોની જમીનો ગેરકાયદેસર રીતે બળજબરી પૂર્વક પચાવી પાડવા ખોટા દસ્તાવેજો ઉભા કરી આર્થિક ગેરલાભ મેળવવાના પ્રયત્નો કરે છે. ઉપરોકત આરોપી વિરૂધ્ધ રાયસણની જમીનમાં પણ બોગસ ખેડુત ખાતેદાર થવા રેકર્ડ સાથે ચેડા કરતાં તેમની વિરૂધ્ધ કેસ થયેલ અને ધરપકડ થયેલ. જે કેસ હાલમાં પણ કોર્ટમાં પેન્ડિંગ છે. તે સિવાય અસંખ્ય ગુન્હાઓની ફરીયાદો પણ નોંધાયેલ છે. વારંવાર આવા ગુના આચરતા આરોપીને તડીપાર કરવા માટે કલેકટરને રજુઆત કરવાનું ખેડુતોએ નકકી કરેલ છે.

Previous articleડમ્પીંગ સાઈટ પર ઠેરઠેર કચરાના ઢગ વ્યવસ્થાપનના અભાવે રોગચાળાની ભિતી
Next articleતંત્રને ભેદભાવ વિના કામ કરવા સ્થાયી સમીતિની અપીલ