ભાવનગરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકનો થશે પ્રારંભ

1300

ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ડિજિટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા, પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકની શરૂઆત કરી રહ્યું છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક માત્ર ભારત સરકારના દરેક નાગરીકને આર્થિક રીતે સાંકળવાના ધ્યેયને જ આગળ વધારશે એમ નહીં, પરંતુ ડીજીટલ સેવાઓનો ઉપયોગ કરવા માટે ભારતીય નાગરીકોની ક્ષમતામાં પણ વધારો કરશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકની ૬પ૦ શાખાઓ કાર્યરત થશે અને વિવિધ પોસ્ટ ઓફિસમાં લગભગ ૧.પપ લાખ એક્સેસ પોઈન્ટ હશે. ગુજરાતમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ૩ર શાખાઓ અને પોસ્ટ ઓફિસમાં લગભગ ૮૯૦૦ એકસેસ પોઈન્ટ મારફતે કાર્યરત થશે. ૭૦૦૦થી વધુ ગ્રામીણ ડાકસેવક (જીડીએસ) અને ૪૦૦૦ પોસ્ટમેન પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારના નાગરિકોને આ સેવાઓ ઘર આંગણે સુધી પ્રદાન કરશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) ટેકનોલોજીના સઘન મુલ્યો ઉમેરેલી બેંકિંગ સેવાઓ જેવી કે એસએમએસ બેંકિંગ, આરટીજીએસ, આઈએમપીએસ, ઈ-કેવાયસી, ડિજિટલ ખાતાઓ વગેરે ન્યુનતમ ખર્ચે પુરી પાડશે. આ સેવાઓ ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સ્થળાંતર કામદારો, વરિષ્ઠ નાગરિકો અને અનેક કુટુંબોને આવરી લઈને શરૂ કરેલ છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી)ની શરૂઆતમાં નાગરિકો અને નાના વેપારીઓના લાભાર્થે બચત ખાતુ તેમજ ચાલુ ખાતાની સેવાઓ ઉપલબ્ધ કરાવશે. આઈપીપીબી દ્વારા ડિજિટલ ચુકવણીની નાણાકિય સાક્ષરતા અને નાણાકિય જાગૃતતાને પ્રોત્સાહન અપાશે.

ભારતના વડાપ્રધાન ૧લી સપ્ટેમ્બરના રોજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકની સેવાની સેવાઓનું લોકાર્પણ કરશે. ભાવનગરમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા ધારાસભ્યો તેમજ સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓની ઉપસ્થિતિમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકનો શુભારંભ તેમજ ભાવનગર આઈપીપીબીની સેવાઓનું લોકાર્પણ કરાશે. આ પ્રસંગ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી મીની થિયેટર, સરદારનગર ખાતે ૧લી સપ્ટેમ્બરે ર-૩૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો, સામાજીક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ટપાલ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ સાથે સાથે રાજ્યની ૩ર વિવિધ શાખાઓમાં અને ૧ર૮ એકસેસ પોઈન્ટથી આઈપીપીબીની સેવાઓનું એક સાથે શુભારંભ થશે. આ પ્રસંગે નાગરિકોને આઈપીપીબીની સેવાઓના ફાયદાઓથી માહિતગાર કરાશે અને પોસ્ટલ સ્ટાફ દ્વારા રસ ધરાવતા નાગરિકોને ખાતા ખોલવાની તત્કાલીન સુવિધા પ્રદાન કરવામાં આવશે.

આ કાર્યક્રમને સમાંતર અધિક્ષક ડાકઘર, ભાવનગરની રાહબરી નીચે ભાવનગર તખ્તેશ્વર શાખાનો શુભારંભ કાર્યક્રમ ભાવનગર પબ્લીક સ્કુલ, વાઘાવાડી રોડ, ભાવનગર શિવાજીસર્કલ પોસ્ટ ઓફિસ શાખાનો શુભારંભ લાકડી પ્લે હાઉસ, ઘોઘારોડ, અકવાડા શાખાનો શુભારંભ કાર્યક્રમ સહજાનંદ ગુરૂકુળ ખાતે અને અવાણિયા શાખાનો અવાણિયાની સરકારી પ્રાથમિક શાળા ખાતે રાજકિય, સામાજીક અને પોસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની સેવાઓનું લોકાર્પણ કરવામાં આવશે.

Previous articleપ્રફુલ પટેલ મુદ્દે એનસીપી દ્વારા કેલકટરને આવેદન
Next articleકેરળના પુરપીડીતો માટે સહાય કીટ રવાના કરતું શહેર ભાજપ