અંધ ઉદ્યોગ શાળાના શિક્ષક રમેશભાઈ બારડને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

996

અંતરના અવાજ અને સમાજસેવા કરવાની મનની ઈચ્છાને સંતોષવા ભાવનગર શહેરની પ્રતિષ્ઠિત કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં વર્ષ ૧૯૮૭થી સમાજ સુરક્ષા ખાતાના નેજા હેઠળ ઉદ્યોગ શિક્ષક તરીકે જોડાયેલ રમેશભાઈ બારડને રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮ નો શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય પારિતોષિક તા.૦૫/૦૯/૨૦૧૮ ના રોજ રાજ્યપાલ કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો છે. જેથી સંસ્થા પરિવારમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સંસ્થા પરિવાર વતી સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતા રમેશભાઈનો ટૂંકો પરિચય આપતા જણાવ્યું હતું કે- તેમને બહુ કપરી પરિસ્થિતિમાં પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ ધોરણ ૯ સુધી પૂર્ણ કરી ઘર ચલાવવા માટે  સુથારી કામ  શીખ્યા હતા.  તેઓ સૌ પ્રથમવાર  ૧૯૮૩-૮૪ માં  અંધ ઉદ્યોગ શાળામા  સુથારી કામ અર્થે આવવાનું થયું હતું. જેમાં અંધ બાળકોને કેન, નાયલોન એન્ડ કોયર વર્ક, પ્લાસ્ટિક મોલ્ડિંગ જેવા કામો કરતા જોયા હતા.  પણ એ વખતે ગૃહ ઉદ્યોગનાં સાધનો તો હતા પણ કોઈ યોગ્ય ઉદ્યોગ તજજ્ઞ ન હોવાના કારણે સાધનોની સમયસર મરામત થતી ન હતી તેથી બધા સાધનો બંધ હાલતમાં હતા. તે સમયનાં તત્કાલિન ટ્રસ્ટી-મેનેજમેન્ટે તેમની યોગ્યતા અને પ્રજ્ઞાચક્ષુ બાળકોનાં હિતાર્થે કાર્ય કરવાની ચાહનાને ઓળખી આ શાળાના ઉદ્યોગ વિભાગ માટે બાળકોને શિક્ષણ આપવા અને ઉદ્યોગ વિભાગ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી અને રમેશભાઈને પણ આ સેવામાં રસ હોવાથી આવા દૃષ્ટિહીન બાળકોના હિતમાં ઓછા પગારમાં નોકરી સ્વીકારી સમાજ સેવાના આ કાર્યને પ્રારંભ કર્યું.

વર્ષ ૨૦૧૧ થી પ્રજ્ઞાચક્ષુઓ માટે ખેલમહાકુંભ શરૂ થતાં ભાવનગર જિલ્લા તેમજ બોટાદ જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધકો માટે જિલ્લા કન્વીનર તરીકેની ફરજ પણ બજાવી રહયા છે.  ઉદ્યોગ ક્ષેત્રે પણ જૂના ઉદ્યોગોનાં સ્થાને નવા ઉદ્યોગનું શિક્ષણ પ્રજ્ઞાચક્ષુ પ્રાપ્ત કરી શકે તે બદલ દાતાઓને અપીલ કરી રૂપિયા ૧૦ લાખ થી વધુ દાન મેળવવામાં સફળ રહી નવા સાધનો સંસ્થાને અપાવી અગરબત્તી, મીણબત્તી, પેપરબેગ, પેપર ડિસ, રાખડી, ગરબા, આર્ટિફિશિયલ ફૂલોના હાર અને તોરણ, મોતીના હાર અને તોરણ જેવી હસ્તકલાને લગતા ગૃહ ઉદ્યોગો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને વિશેષ શૈલીથી શીખવી સંસ્થાને ખરા ખરા અર્થમાં ગૌરવવંતી બનાવી છે.

Previous articleઉપવાસ મડાગાંઠ : નરેશ પટેલ મધ્યસ્થી માટે તૈેયાર
Next articleઆંતર કોલેજ સેપેકટેકરાવ ગેઈમ્સમાં ચેમ્પિયન બનતી તક્ષશીલા કોલેજ