જિલ્લામાં સ્વાઈન ફલુનો એક કેસ સામે આવ્યો

0
611

ગાંધીનગર જીલ્લામાં બે વર્ષ પુર્વે ચોમાસાની સિઝન દરમિયાન સ્વાઇન ફ્‌લુનાં કાળાકેર બાદ સદભાગ્યે ચાલુ ચોમાસાની સિઝન સ્વસ્થ રીતે પસાર થઇ છે. ત્યારે જ ગાંધીનગર તાલુકાનાં ભાટ ગામનાં ૫૪ વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્‌લુ રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે. અમદાવાદની હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા મહિલાની તબીયત સારી હોવાનું જણાવાઇ રહ્યુ છે. જયારે બીજી તરફ તકેદારીનાં તમામ પગલા લેવાનું પણ શરૂ કરી દેવાયુ છે.

ગાંધીનગર જિલ્લામાં પણ ચાલુ વર્ષમાં પ્રથમ કેસ નોંધાયો છે. જેમાં ભાટમાં રહેતાં પ૪ વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમને અમદાવાદ સિવિલમાં આપવામાં આવી રહેલી સારવાર સઘન કરી દેવામાં આવી છે. જ્યારે દર્દીના સંપર્કમાં આવેલા અન્ય સભ્યોનું પણ સ્ક્રિનીંગ કરાઈ રહયું છે.

પરદેશથી આવેલા સ્વાઈનફ્‌લૂના રોગે સમગ્ર ભારતની સાથેસાથે ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો હતો. અગાઉના વર્ષમાં સ્વાઈનફ્‌લૂના કારણે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા. તેમ છતાં ઘણા વખતથી નિષ્ક્રિય રહેલા એચવનએનવનના વાઈરસ ફરી સક્રિય થયા છે અને રાજયમાં છુટાછવાયાં કેસ સામે આવી રહયા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ સ્વાઈનફ્‌લૂએ આ વખતે પગપેસારો કર્યો છે અને ચાલુ વર્ષનો પ્રથમ કેસ નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ભાટમાં રહેતાં પ૪ વર્ષીય મહિલાને ઘણા વખતથી તાવ અને ગળામાં તકલીફ હતી. જેને લઈને તેમને પહેલા ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા આ દર્દીના સેમ્પલ લઈને ટેસ્ટ કરાવતાં તેણીનો એચવનએનવન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એટલે કે આ મહિલાને સ્વાઈનફ્‌લૂ હોવાનું સામે આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here