ડમ્પિંગ સાઇટનો વિવાદ થવાથી મનપાએ ચોખ્ખી જમીન માગી

0
609

ગાંધીનગર શહેરમાંથી દરરોજ ઉપાડવામાં આવતાં કચરાનું સુપ્રિમકોર્ટની આદેશાત્મક માર્ગદર્શિકા પ્રમાણે વૈજ્ઞાનિક ઢબથી અને પર્યાવરણિય ધોરણો મુજબ વ્યવસ્થાપન થતું નથી. કેમકે તેના માટે જરૂરી વિવિધ સુવિધા સાથેની ડમ્પિંગ સાઇટનો મેળ પડતો નથી. લેકાવાડા ગામ પાસેની સાઇટ કચરાથી ઉભરાઇ રહી છે અને કોલવડા ગામ પાસે સાઇટ માટે જમીન પસંદ કરી લેવાયા પછી ગામવાસીઓ તરફથી પ્રચંડ વિરોધ કરવામાં આવતાં આ સ્થળ છોડી દેવાયા બાદ લેકાવાડા, સાદરા પાસેના માધવગઢ ગામ અને પેથાપુર પાસેની જમીન મુદ્દે પણ આ વાતનું પુનરાવર્તન થતાં હવે મહાપાલિકાએ કોઇ વિવાદ વગરની ચોખ્ખી જમીન ફાળવવા માગણી કરી છે.

મહાપાલિકા વિસ્તારમાંથી દરરોજ નીકળતા ૬૫થી ૭૦ ટન જેટલા કચરાના મોટા જથ્થાનો નિકાલ હલમાં લેકાવાડા ગામ નજીકની સાઇટ પર કરવામાં આવે છે. પરંતુ આ ડમ્પિંગ સાઇટની ક્ષેત્રફળ ક્ષમતા હવે પૂર્ણ થઇ ગઇ છે. ચાલુ ચોમાસા દરમિયાન ભારે વરસાદના દિવસોમાં તો આ સાઇટ પર ઉભરાતો કચરો પુરમાં તણાઇને નદીમાં વહેતો થઇ જાય તેમ હતો.

આવી પ્રદુષણકારી જોખમી સ્થિતિને ધ્યાને રાખીને ડમ્પિંગ સાઇટનો મામલો આખરે ખુબ ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરથી નજીકના વિસ્તારમાં ૧૦ એકર જેવી વિશાળ જમીન મેળવવા સરકારમાં વિગતવારની દરખાસ્ત કરી દેવામાં આવી છે. પેથાપુરની સીમમાં સરકારે જમીન ફાળવતા ભાજપ શાશિત નગરપાલિકાએ જ વિરોધનો ઠરાવ કર્યો હતો. આમ છતાં સરકારે ફાળવણીનો હુકમ રદ નહીં કર્યાના પગલે પ્રમુખ સહિત તમામ ભાજપી સભ્યોએ રાજીનામા ધરી દેતા એક તબક્કે પાલિકા ગુમાવવાનો વખત આવ્યા પછી હજુ સુધી અહીં સાઇટ કાર્યરત કરવામાં આવી નથી. સરકારે કોલવડા ગામ પાસે ફાળવેલી જમીન પર તંત્રે ચુપચાપ જ કચરો ઠલવવાનું શરૂ કર્યુ હતું. આ મામલે ગામવાસીઓએ પ્રચંડ વિરોધ કરતાં વસાહતીઓ રસ્તા પર આવી ગયા અને કચરાના વાહનો માટે પ્રવેશબંધી કરતા મામલો ગરમાયો હતો અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here