મહુવાના કૈલાસ ગુરૂકુળમાં કાલથી ત્રિદિવસીય સંસ્કૃત સત્રનો થશે પ્રારંભ

0
540

દેવભાષા સંસ્કૃતના ત્રિદિવસીય સંસ્કૃત સત્રનો મહુવાના કૈલાસ ગુરૂકુળમાં આગામી ૧ર તારીખને બુધવારે સવારે ૯-૩૦ કલાકે પ્રારંભ થશે. પ્રતિ વર્ષની જેમ કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી અને ઋષિપાંચમ એમ સતત ત્રણ દિવસ માટે પૂ.મોરારિબાપુની સન્નિધિમાં આ વર્ષનું સળંગ અને સતત અઢારમું સંસ્કૃત સત્ર યોજાશે.

ઋષિ-વિજ્ઞાનના મુખ્ય કેન્દ્રિત વિષય સાથે જૈમિની, કૌટિલ્ય, પાણિનિ, કપિલ, બાદરાયણ, ચરક, ભરત, આર્યભટ્ટ, વાત્સ્યાયન, કણાદ, વિશ્વામિત્ર અને પતંજલી એમ અગિયાર ઋષિઓ અને પ્રદાન વિશે વિદ્વાન વક્તાઓના મહુવા (જિ.ભાવનગર) ખાતેના કૈલાસ ગુરૂકુળમાં આવેલા જગદગુરૂ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહમાં વક્તવ્યો થશે.

પ્રારંભે તા.૧રને બુધવારે સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ના સમયે વિજય પંડયાના સંચાલન તળે જૈમિની ઋષિના યજ્ઞ વિજ્ઞાન વિષય માટે દેવેશ મહેતા જ્યારે સુદર્શન આયંગર કૌટિલ્યના અર્થ વિજ્ઞાન અને પાણિનીના ભાષા વિજ્ઞાન માટે બલદેવાનંદ સાગર પોતાના વિચારો રજૂ કરશે. બપોરના ૩.૩૦ થી ૬-૩૦ની સંગોષ્ઠિમાં ઓમ પ્રકાશ પાંડે, કપિલ (સૃષ્ટિ વિજ્ઞાન), વિજય પંડયા બાદરાયણ (અધ્યાત્મ વિજ્ઞાન) અને અર્કનાથ ચૌધરી ચરક (આયુર્વિજ્ઞાન) માટે વક્તવ્યો આપશે. બીજા દિવસે તા.૧૩ને ગુરૂવારે સત્રની ત્રીજી સંગોષ્ઠિમાં સવારના ભાગે ૯-૩૦ કલાકે બલદેવાનંદ સાગરના સંકલન તળે મહેશ ચંપકલાલ, ભરત (નાટ્ય વિજ્ઞાન) તેમજ ગુલામ દસ્તગીર બિરાજદાર આર્યભટ્ટ (ખગોળ વિજ્ઞાન) જ્યારે નવનતી જોશી વાત્સ્યાયન (કામ વિજ્ઞાન) વિષય તળે વક્તવ્ય આપશે. બપોરની સંગોષ્ઠિમાં ૩-૩૦ કલાકથી વસંત પરીખ કણાદ (અણુવિજ્ઞાન) અને રવિન્દ્ર ખાંડવાલા વિશ્વામિત્ર (ગાયત્રી વિજ્ઞાન) તેમજ ભાણદેવ પતંજલીના યોગ વિજ્ઞાન વિશે રજૂઆત કરશે. આ ચોથી સંગોષ્ઠિનું સંચાલન નવનીત જોશી સંભાળશે.

તા.૧૪ને શુક્રવાર (ઋષિ પંચમી)ના સમાપન દિને સવારે ૯-૩૦ થી ૧ર દરમિયાન સંસ્કૃત સાહિત્યના વિદ્વાન મણીભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ (મહેસાણા)ને આ વર્ષનો વાચસ્પતિ પુરસ્કાર તેમજ સંસ્કૃતના વિવિધ ક્ષેત્રના વિદુષી ભારતીબેન કિર્તીભાઈ શેલત (અમદાવાદ)ને આ વર્ષથી શરૂ થયેલો ભામતી પુરસ્કાર અર્પણ કરીને વંદના કરવામાં આવશે. સમગ્ર સત્રનું ટીવી ચેનલ અને વેબસાઈટ પરથી વિશ્વના ૧૭૦ દેશોમાં જીવંત પ્રસારણ થશે. સમગ્ર સંસ્કૃત સત્રનું સંકલન કવિ/ગાયક પ્રા.હરિશચંદ્ર જોશી સંભાળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here