સમાજમાં હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવાશે ત્યારે જ ઉત્તમ સમાજનું નિર્માણ થઈ શકશે

0
791

એક કૉલેજમાં પ્રાધ્યાપક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. આજે વર્ગખંડમાં પ્રાધ્યાપક એક નવા સંદેશ સાથે, નવી વાત સાથે આગવા સમાજની રચના માટે વિદ્યાર્થીઓને પોતાની ભૂમિકા સમજાવવા માટે-તદ્દન જુદી રીતે ઓતપ્રોત કરી, તેના હૃદય સુધી પહોંચવા માગતા હતા. પ્રાધ્યાપકે સમાજરચનાના નિયત પાઠ્યક્રમમાં મુકાયેલા એકમને પ્રસ્તુત કરવા આગવી શૈલી સાથે વિષયનો પ્રારંભ કરતા કહ્યુંઃ ’જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉત્તમ સમાજ રચનાના સમાજના પ્રત્યેક અંગોને વિકસાવવા સમાજ અને સત્તાધીશોએ ભેગા મળી કેવી રીતે કામ કરવું જોઈએ તે વિષય પર વિસ્તૃત ચર્ચા કરવી છે પરંતુ તે પહેલા હું તમારી સમક્ષ એક પ્રયોગ રજૂ કરવા માગુ છું. જેને ઝીણવટપૂર્વક નિહાળી હું જે પ્રશ્ન પૂછું તેના ક્રમશઃ આંગળી ઊંચી કરી હું જણાવું તે મુજબ તમારે સૌએ ઉત્તર આપવાના છે. ટેબલ પર પ્રાધ્યાપક એક બરણી મૂકે છે. બરણીમાં સૌ પ્રથમ નાના નાના દડા નાખવામાં આવે છે અને પછી પ્રાધ્યાપક સામે બેઠેલા વિદ્યાર્થીઓને પૂછે છેઃ ’વિદ્યાર્થીમિત્રો, આ બરણી ભરેલી છે કે ખાલી? બધા કહે છેઃ ‘સાહેબ, બરણી ભરાઈ ગઈ છે.’ હવે પ્રાધ્યાપક થોડી લખોટીઓ ઉપાડે છે અને તે જ લખોટીઓ પેલી બરણીમાં બરણીને ધીમે ધીમે હલાવતાં-હલાવતાં નાખતા જાય છે. બરણી ઠસોઠસ ભરાઈ જતા પ્રાધ્યાપક ફરી વિદ્યાર્થીઓને પૂછે છેઃ ‘જુઓ, હવે બરણી બરાબર ભરાઈ ગઈ ને!’ વિદ્યાર્થીઓ એકી અવાજે બોલી ઊઠે છેઃ ‘સાહેબ, હવે તો બરણી પૂરી ભરાઈ ગઈ. હવે તો તેમા જગ્યા રહી જ નથી. પ્રાધ્યાપક થોડી રેતી હાથમાં લે છે અને તે પણ પેલી બરણીમાં નાખે છે. દડા અને લખોટીઓ વચ્ચે આ રેતીના કણો ગોઠવાઈ જાય છે. ફરી પ્રાધ્યાપક વિદ્યાર્થીઓને પૂછે છેઃ જુઓ બરણી… વિદ્યાર્થી પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ બોલી ઊઠે છેઃ ‘અરે! વાહ સર, હવે તો તેમાં જગ્યા જ નથી એટલે કે બરણી પૂરેપૂરી ભરાઈ ગઈ છે. પ્રાધ્યાપક ટેબલ પર પડેલી પાણીની બોટલ ઉઠાવે છે અને તેમાંથી પાણી બરણીમાં ઠાલવવા લાગે છે. બોટલ આખી ખાલી થઈ જાય છે. વિદ્યાર્થીઓ આ ઘટનાને તાળીઓના ગડગડાટથી વધાવે છે. બધા વિચારમાં પડી જાય છે. ગુરુજીએ પ્રથમ નાના દડા બરણીમાં ભર્યા ત્યારે પણ આપણે કહ્યું હતું કેઃ ’બરણી સંપૂર્ણ ભરાઈ ગઈ છે.’ તેમ છતાં ગુરુજીએ તેમાં કેટલીક લખોટીઓ સમાવી. આપણને પૂછ્યું હતું કે ‘હવે કેમ લાગે છે ?’ ત્યારે પણ આપણે કહ્યું હતું કેઃ ’બરણીમાં હવે તો જગ્યા જ નથી.’ તેમ છતાં ગુરુજીએ તેમાં રેતી સમાવી ફરી આપણને પૂછ્યું કે, ‘હવે બરણી ભરાઈ ગઈ છે તેવું તમને લાગે છે?’ આપણે સૌએ એકી અવાજે કહ્યું હતું કેઃ ‘હવે તો સર, બરણીમાં બિલકુલ જગ્યા જ નથી.’ તેમ છતાં ગુરુજીએ તેમા પાણીની આખી બોટલ ખાલી કરી બરણીમાં હજુ જગ્યા છે તે પુરવાર કર્યું તે ખરેખર અચરજ કહેવાય!
મિત્રો, મારું તમારું પણ આ વિદ્યાર્થી જેવું જ છે. આપણે જેને દૃષ્ટિહીન, શ્રવણમંદ, માનસિક પછાત, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, શારીરિક વિકલાંગ કહીએ છીએ તે પણ પેલી બોટલના પાણી જેવા સમાજમાં ભળી જઈ શકે તેવા જ માનવ છે. જેને સમાજનું અભિન્ન અંગ ગણી શકાય તેવા મૂલ્યવાન વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજ અને સરકાર દ્વારા જાણ્યે-અજાણ્યે કોઈ ને કોઈ પ્રકારનો દુર્લક્ષ સેવાય છે. ખરેખર, પ્રાધ્યાપકની વાતને સમજવાની જરૂર છે. બરણીરૂપી સમાજમાં જ્યારે પ્રત્યેક વર્ગનો પ્રાધ્યાપકની જેમ સમાવવા હકારાત્મક દૃષ્ટિકોણ કેળવાશે ત્યારે જ ઉત્તમ સમાજનું નિર્માણ થઇ શકશે. જે રીતે મજબૂત મકાન બાંધવા રેતી અને સિમેન્ટમાં પાણી ભેળવવું જરૂરી હોય છે તેવી જ રીતે ઉત્તમ સમાજની રચના માટે સંવેદનાની જરૂર પડે છે. આવું ઉપયોગી સમાજલક્ષી શિક્ષણ આપનાર પ્રાધ્યાપકની પત્ની પ્રાધ્યાપક નિવૃત્ત થતાં જ જીવલેણ બીમારીમાં પટકાય છે. પ્રામાણિકતાથી જીવનપર્યંત નોકરી કરનાર આ પ્રાધ્યાપક પાસે મૂડીમાં રહેવાના મકાન સિવાય ખાસ કશું હોતું નથી. નિવૃત્તિ સમયે આવેલ થોડીઘણી રકમ પુત્રના લગ્ન પ્રસંગે કરેલ કરજ ચૂકવવામાં વપરાય જાય છે. આવક માત્ર માસિક પેન્શન હતું, તેથી પત્નીની સારવાર અને બીજા મેડિકલ રિપોર્ટ માટે રકમ ભેગી કરવી પ્રાધ્યાપક માટે મુશ્કેલ હતું. તેમ છતાં જેટલી પણ રકમ મિત્રવર્તુળમાંથી મળી તે રકમ એકઠી કરી પ્રાધ્યાપક બીમાર પત્ની સાથે અમદાવાદ પહોંચી જાય છે. હૉસ્પિટલમાં જતા જ નિદાન માટે જુદાં-જુદાં રિપોર્ટ કરવામાં આવે છે. રિપોર્ટમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થાય છે. તેથી તેનું ઓપરેશન કરવું જરૂરી છે તેવું ડૉક્ટર દ્વારા તેમને જાણવા મળે છે. જેમાં બેથી અઢી લાખ જેવો ખર્ચ થશે તેમ પ્રાધ્યાપકને કહેવામાં આવે છે. ૨૪ કલાકની અંદર ઓપરેશન નહીં થાય તો કેન્સરની ગાંઠ ફાટવાથી દર્દીનું મૃત્યુ થવાની સંભાવના છે. પ્રાધ્યાપક ચોધાર આંસુએ રડી પડે છે. હૉસ્પિટલનાં ડૉક્ટર દ્વારા કહ્યા મુજબની ઓપરેશન વગેરેની વિધિ સમયસર કરવામાં આવે છે. બીજા દિવસે બરાબર ચોવીસ કલાક પૂરા થાય તે પહેલા પ્રાધ્યાપકને ડૉક્ટરમિત્રો દ્વારા બોલાવી કહેવામાં આવે છે કેઃ ‘હવે દર્દી એટલે કે તમારા પત્ની ભયમુક્ત છે તેથી તમે ચિંતા કરશો નહીં.’ પ્રાધ્યાપક બોલી ઊઠે છેઃ ‘સાહેબ, ચિંતા હવે જ મારી શરુ થાય છે. અઢી લાખ રૂપિયા ભેગા કરવા મેં મારા તમામ સગા-સંબંધીઓને મદદ કરવા મોબાઇલ કરી થોડા સમય પહેલા જ પૈસા ઉછીના આપવા માંગણી કરી છે પરંતુ કોઈના તરફથી રકમ મળવાનું આશ્વાસન મળ્યું નથી. એક વ્યાજવટાવ કરતા પેઢીદારને પણ રકમ મોકલવા કહ્યું છે હજુ તે પણ આવ્યા નથી. જોકે તે બેએક કલાકમાં જરૂર આવશે પણ વ્યાજ સાથે રકમ તેને શી રીતે પરત કરીશ તેની ચિંતાએ મને ઘેરી લીધો છે.’ સાંભળતાં જ એક ડૉક્ટર મહાશય બોલી ઊઠે છેઃ ‘સાહેબ, ક્યા પૈસાની વાત કરો છો? તમારા પત્નીના ઓપરેશનના પૈસા તો ગઈકાલે જ ભરાઈ ગયા છે.’ પ્રાધ્યાપક વિચારમાં પડી જાય છે. તે બોલે છેઃ ‘કોણ આવ્યું હતું? કોણે પૈસા ભર્યા? ડૉક્ટર મહાશય બોલે છેઃ ‘સાહેબ, પૈસા મેં જ ભર્યા છે. તમે જ તો અમને કોલેજના વર્ગખંડમાં શીખવ્યું હતું, એક બરણીનું ઉદાહરણ આપીને. ઠસોઠસ ભરેલી બરણીમાં પણ પાણી સમાય જાય છે. વળી કહ્યું હતું કેઃ ઉત્તમ સમાજની રચના માટે દરેક વ્યક્તિએ આ રીતે સમાજનો જ્યાં ખાલીપો લાગે ત્યાં સમાજની પૂર્તતા માટે તેને ટેકો કરવો, તેને મજબૂતાઈ આપવા અને ઉત્તમ સમાજના નિર્માણ માટે આગળ આવવું જોઈએ. તમે પણ જીવનપર્યંત પ્રામાણિકતાથી નોકરી કરી જે રકમ મળે તેમાંથી ગુજરાન ચલાવી ઉત્તમ સમાજ રચના માટે શિક્ષણકાર્ય સાથે જોડાઈ નિષ્ઠાથી કામ કર્યું છે ત્યારે તમારી પત્નીના ઇલાજ માટે સમાજે પણ યોગદાન આપવું જોઇએ. હું પણ તે જ કૉલેજના વર્ગખંડનો વિદ્યાર્થી છું. મેં તમારી પાસેથી ઘણું મેળવ્યું છે. તેમાંથી થોડુંક આપવાનો આજે મને સંતોષ પ્રાપ્ત થયો છે. તમારે હવે કોઈ વ્યાજવટાવ પેઢીનું કરજ લેવાની જરૂર નથી કે તેની ચિંતામાં પડવાની જરૂર નથી. જે રીતે ખેડૂત અનાજનો એક દાણો જમીનમાં વાવે છે, બદલામાં ભગવાન તેને સેંકડો અનાજના દાણા પાછા આપે છે. તે જ રીતે સમાજ માટે ખરા દિલથી પોતાની વેદના જે વાવે છે તેને તંદુરસ્ત સમાજના સભ્યો પોતાની સંવેદનાથી ભરી દે છે. આજે મારા માટે સોનાનો સૂરજ ઊગ્યો છે. ગુરુના દર્શન અને ગુરુને નાનકડી દક્ષિણા આપવાનો અવસર- આ બંને ભગવાને મને આપ્યા છે. ગુરુજી આ સંભાળીને અવાક્‌ બની જાય છે. કોઈવાર તે વિચારતા હતા કે, ‘ખરી પ્રામાણિકતાનો બદલો શું આવો જ હશે? પત્નીની જીવલેણ બીમારી મોકલી ભગવાને મારી સાથે અન્યાય શા માટે કર્યો હશે? ટ્યુશન ક્લાસથી જિંદગીભર દૂર રહી જીવનપર્યંત વિદ્યાનું દાન કરનાર પ્રામાણિક માણસને કોઈ થોડા સમય માટે પણ પૈસા ઉછીના આપવા તૈયાર ન થાય તેવા સમાજ અને પરિવારને શું કરવાનો ? આ બધી વાતોને પોતાના જ વિદ્યાર્થીની ઉદારતાએ મનમાં ધરબી દીધી. એટલે જ કદાચ કહેવાયું હશે કે- ‘કરેલું કોઈનું જતું નથી.’આપણે પણ આ સંદેશને યાદ રાખીએ. જરૂરિયાતમંદ વિકલાંગોને મદદ કરતા રહીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here