તલાટીઓએ કાળી પટ્ટી લગાવીને વિરોધ વ્યક્ત કર્યો

0
341

તલાટી કમ મંત્રીઓ (પંચાયત) દ્વારા પડતર પ્રશ્ને આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. આ તલાટીઓ પોતાના વિવિધ પ્રશ્નના ઉકેલ માટે માંગણી કરી રહ્યા છે. પરંતુ સરકારમાંથી યોગ્ય પ્રતિસાદ નહી મળતા રાજ્યભરના તલાટીઓએ હવે લડતને ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

આજે ગાંધીનગર તલાટી કમ મંત્રી એસો દ્વારા તાલુકા પંચાયત ખાતે વિરોધ  પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પંચાયત તલાટીઓ પ્રમોશન, પગારની વિસંગતાઓ તેમજ એચઆરએ સહિતના વિવિધ મુદ્દે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. આ મામલે અગાઉ સરકારમાં રજુઆતો પણ કરવામા આવી હતી. પરંતુ સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો.

બીજીતરફ આજે ગાંધીનગર તાલુકાના ૨૦ જેટલા તલાટી કમ મંત્રીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમટી પડયા હતા. જ્યાં તેઓએ કાળીપટ્ટી ધારણ કરી પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રદર્શન કર્યુ હતું. આ મામલે તાલુકા તલાટી કમ મંત્રી સંગઠનના પ્રમુખ ગાભાજી ઠાકોરે જણાવ્યુકે, પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આગામી ૧૭મી સપ્ટેમ્બરના રોજ પેનડાઉન સ્ટ્રાઇક કરવામાં આવશે અને ત્યારબાદ આગામી ૨ જી ઓક્ટોબરના રોજ ગાંધીનગરમાં તલાટીઓ દ્વારા ધરણા કરવામાં આવશે.

કલોલ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓએ સોમવારે તેમની માંગણી સરકાર સ્વીકારતી ના હોઇ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તલાટીઓ સફેદ શર્ટ અને કાળા પેન્ટ પહેરીને આવ્યા હતા. તેમજ કાળી પટ્ટી બાંધીને પોતાની માંગણીઓ સંદર્ભે દેખાવો કર્યા હતા. આગામી સમયમાં પણ આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે, તેમ તલાટીઓએ જણાવ્યુ હતુ. તલાટી મહામંડળ દ્વારા સરકારમા પોતાની ૪૬ માંગણીઓ રજુ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here