આ વર્ષે શ્રાવણમાં સોમનાથદાદાના ૨૦ લાખ ભક્તોએ કર્યાં દર્શન

1151

સોમનાથ- ભક્તિની હેલી ચડાવતો પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થઈ ગયો છે. સમગ્ર માસ દરમિયાન ગુજરાતના તીર્થક્ષેત્રોમાં ભક્તોનો લગાતાર તાંતણો દર્શનાર્થે બંધાયેલો રહ્યો હતો. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથદાદાના દર્શને આ શ્રાવણ માસમાં કુલ ૨૦ લાખ ભક્તોના દર્શનનો લહાવો લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ૧૨ ઓગસ્ટથી લઈ ૯ સપ્ટેમ્બરે થયેલી શ્રાવણ પૂર્ણાહૂતિ દરમિયાન ડોનેશન, પૂજાવિધિ પ્રસાદી, સાહિત્ય વગેરે દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને અંદાજિત પાંચ કરોડ, તેર લાખ જેટલી આવક પણ નોંધાઈ છે.

શ્રાવણ માસ અંતર્ગત રવિવાર, સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી , અમાસ જેવા તમામ તહેવારો સહિત અંદાજિત ૨૦ લાખ જેટલા ભક્તોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો  લાભ લીધેલ હતો. તેમ જ સોશિઅલ મીડીયાના માધ્યમથી જુદાજુદા  ચાલીસ દેશોમાં કરોડો લોકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધેલો  જેમાં ફેસબૂક દ્વારા દોઢ કરોડ, ઇન્સ્ટાગ્રામ દ્વારા છ લાખ ચાલીસ હજાર અને ટ્‌વીટર દ્વારા તેર લાખ પચાસ હજાર  લોકો દ્વારા  શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયાં જેમાં નામાંકિત કલાકારો દ્વારા લોકસાહિત્ય, લોકગીત,રાસગરબા, નાટકો વગેરે રજૂ કરાયાં હતાં. જેમાં કુમાર સંભવ મહાકાવ્ય આધારિત શિવપાર્વતી નૃત્ય નાટિકાએ ખૂબ આકર્ષણ જમાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ સમગ્ર દિવસોના કાર્યક્રમનો સ્થાનિક લોકો સહિત બહારથી દર્શનાર્થે પધારેલા યાત્રિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

શ્રાવણ માસ દરમિયાન ભક્તો દ્વારા કુલ ૯૪- સવાલક્ષ બિલ્વપૂજા, ૨૩૧- ધ્વજારોહણ, ૨૧૧- તત્કાલ મહાપૂજા, કરવામાં આવી અને ૭,૦૦૦ વધુ ભક્તોએ મહામૃત્યુંજય જાપનો લાભ લીધો હતો.

Previous articleખેલ મહાકુંભ-૨૦૧૮માં રાજ્ય ભરમાંથી ૪૨ લાખથી વધુ રજીસ્ટ્રેશન
Next articleશ્રમ-રોજગાર વિભાગના નવનિયુક્ત ૩૪૦ને નિમણૂંક પત્રો એનાયત કરાયા