લોકસંસ્કૃતિનો સાચો વારસો એટલે ‘ડાયરો’ : ગીતા રબારી

0
678

નાની ઉંમરે સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડની ભાતીગળ સંસ્કૃતિને વિશ્વભરમાં મહેક પ્રસરાવનારી અને કચ્છી કલાકારોનું જાજરમાન ઘરેણુ એવા લોકલાડીલા ગીતાબેન રબારીની ‘લોકસંસાર’ સાથે ખાસ વાતચીત થઈ હતી.

વર્ષોથી ભારતીય સંસ્કૃતિમાં ગુજરાતની કલા લોકકલાનો શાહી ઠાઠ રહ્યો છે. સેંકડો વર્ષોથી સામાજીર રીત રીવાજ અને વ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન પ્રદાન કર્યુ છે. લોકસાહિત્ય સહિત અનેક બાબતો આજે પણ પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં રાજ કરે છે. સમય સમયાંતરે લોક સંસ્કૃતિને પિરસવાની પધ્ધતિમાં ચોક્કસપણે ફેરફારો થયા છે. લોકડાયરા રાજાશાહીના જમાનામાં પણ યોજાતા હતા. એ કાળથી લઈને આજદિન સુધી ગરવા ગુજરાતની ભૂમિ પર અનેક લોકગાયકો, ગાયીકાઓએ કલાનો વરસાો જીવંત રાખ્યો છે. જેમાં સેંકડો રચનાકારો, કવિદાદ, ઝવેરચંદ મેઘાણી, લોકકવિ દુલા ભાયા કાગ, નારાયણ સ્વામી સહિત અનેક મહાન હસ્તીઓનો સમાવેશ થાય છે. આજે પણ આ દુર્લભ વિરાસતને દુનિયાના ખુણે વસેલા લોકો સુધી ટેકનોલોજીના માધ્યમ વડે પહોંચાડી રહ્યાં છે.

આવા જ અનેક લોક કલાકારો પૈકી એક અને છેલ્લા બે વર્ષથી માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં વસતા આબાલવૃધ્ધોને પોતાના કંઠના સુરીલા જાદુથી મંત્રમુગ્ધ કરનારી લોકગાયીકાનો જન્મ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ગામે થયો હતો. પ્રકૃતિ પરમેશ્વર એક ખાસ બક્ષીસ પ્રદાન કરી છે. બાલા વયથી જ ગાવાનો અનહદ શોખ ધરાવતા ગીતાબેનનું મુળ નામ ગીતાબેન કાનાભાઈ આલ (રબારી) છે. બાળપણમાં પોતાના નામ તથા શાળાઓમાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કળા પ્રસ્તુત કરતા પરંતુ વર્ષ ર૦૧૪ની સાલમાં એક બાદ એક ગુજરાતી ગીતો રજૂ કરી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો ગીતાબેનએ ગાયેલુ ‘રોણા શેરમાં’ સોંગએ બાળકોથી લઈને વૃધ્ધો સુધીનાઓને રીતસર ઘેલુ લગાડયું છે. ગુજરાતી ગાયન ક્ષેત્રમાં આ ગીતએ જુના તમામ રેકોર્ડ તોડ્યા છે. યુટ્યુબ આ ગીત ૧૬ કરોડથી વધુ વ્યક્તિઓએ નિહાળ્યું સાંભળ્યું છે. વર્ષ ર૦૧૪ની સાલમાં પ્રથમ પ્રોગ્રામ કચ્છના ભીમાસર ગામે આવ્યો હતો. અત્યાર સુધીમાં તેમણે ૩૦૦થી વધુ સ્ટેજ પ્રોગ્રામ સફળતાપૂર્વક આપ્યા છે. તેમના ૧રથી વધુ આલ્બમ રજૂ કર્યો છે. તેમની લોકપ્રિયતા હાલ ચરમસીમા પર છે.

ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ગીતાબેનની લોકપ્રિયતાનો ગ્રાફ સૌથી ઉંચો છે. તેમને રબારી સમાજ પ્રત્યે ખૂબ જ ગર્વ છે. રબારી સમાજ દ્વારા તેમને ખૂબ સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. સૌથી વધુ પ્રોગ્રામ પણ વડવાળા ધામ દુધરેજ તથા ગૌશાળાના લાભાર્થે આપ્યા છે. મહિનાના ત્રીસ દિવસ પૈકી રપ દિવસ તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત રહે છે. તેમની ટીમમાં ભાઈ મહેશભાઈ હસબન્ડ પૃથ્વીભાઈ સહિત ૧૭ થી વધુ વ્યક્તિઓ છે. સામાન્ય રીતે પ્રત્યેક ફિલ્ડમાં સ્પર્ધા હોય જ છે ત્યારે આ ક્ષેત્રમાં તેમના કોઈ હરીફ છે કે કેમ આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે, મારે કોઈ વ્યક્તિ સાથે સ્પર્ધા નથી. પ્રત્યેક લોકપ્રિય કલાકારો સાથે પારિવારીક લાગણી ધરાવું છું. આજ ક્ષેત્રે ઉભરતી કલાકારા કિંજલ દવે તેની ખાસ સહેલી છે. તેમની સાથે અનેક કાર્યક્રમો આપ્યા છે અને સતત તેમના સંપર્કમાં રહે છે. પ્રસિધ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારો સાથે અનેક પ્રોગ્રામો આપ્યા છે. તેમના નામ માત્રથી પ્રોગ્રામમાં લાખ્ખોની જનમેદની એકઠી થાય છે. ગીતાબેનએ ગાયકી ક્ષેત્રે ક્યાંયથી પ્રશિક્ષણ લીધુ નથી. ભગવાન વડવાળા દેવની બક્ષીસ છે. ગીતાબેનએ પ્રથમ વિદેશ પ્રવાસ આફ્રિકામાં પ્રોગ્રામ કર્યો હતો. જ્યારે બીજો પ્રવાસ તા.૧ર-૯-ર૦૧૮થી ઓસ્ટ્રેલીયામાં આયોજીત નવરાત્રિ પર્વ માટે છે. જ્યાં તેઓ ૩૦ દિવસ સુધી અલગ-અલગ શહેરોમાં આ કાર્યક્રમ આપી ભારતનું ગૌરવ વધારશે. આ વિદેશ યાત્રા સંદર્ભે ગીતાબેનના પરિવાર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા તળાજાના દાંત્રડ ગામના લોક કલાકાર કિશોરભાઈ આલએ ખાસ શુભેચ્છા પણ પાઠવી છે અને અંતમાં ગીતાબેનએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ જે સન્માન આપ્યું છે તે માટે તે હંમેશા ઋણી રહેશે. શ્રોતાઓનો આવો જ પ્રેમ કાયમ તેના પર રહે એવા આશિર્વાદની યાચના કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here