નવી જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે જમીનની ફાળવણી

0
636

ગુજરાતના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણ પુરૂ પાડવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં નવરચિત ત્રણ જિલ્લાઓમાં પણ શિક્ષણને પ્રોત્સાહન પુરૂ પાડવા રાજ્ય સરકારે ત્રણ નવી જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે ૩૬.૪૨ હેકટર જમીન ફાળવવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મહેસૂલ મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યના છેવાડામાં વસવાટ કરતા કુટુંબના બાળકો પણ ગુણવત્તા સભર શિક્ષણ મેળવે તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ ભાર મુક્યો છે. તે માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત જવાહર નવોદય વિદ્યાલયના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા આ જમીન ફાળવવામાં આવશે. જેમાં બોટાદ જિલ્લાના બોટાદ ખાતે, મોરબી જિલ્લાના કોઠારીયા ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધતુરીયા ખાતે નિર્માણ થનાર આ વિદ્યાલયોને પ્રત્યેકને ૧૨.૧૪ હેકટર લેખે કુલ ૩૬.૪૨ હેકટર જમીન રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે ફાળવવામાં આવશે. મહેસૂલ મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય જ્યારે ૧૬૦૦ કિ.મી. જેટલો વિશાળ દરિયા કિનારો ઘરાવે છે અને રાજ્ય સમગ્ર દેશમાં પોર્ટ ઓપરેશનની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે હરીફાઈ કરી રહ્યું છે ત્યારે લોજીસ્ટીક સેકટરને વધુ સુદ્રઢ બનાવવા વધુને વધુ અત્યાધુનિક કન્ટેનર ડેપોની જરૂરીયાતને પુરી કરવા રાજકોટ જિલ્લાના પરાપીપળીયા ખાતે ઈનલેન્ડ કન્ટેનર ડેપોનું નિર્માણ કરાશે. આ ડેપોનો વિકાસ કરવા માટે ભારતીય કન્ટેનર નિગમ લીમિટેડ, અમદાવાદને ૧૨.૫૫ હેકટર જમીન પ્રવર્તમાન નીતિ મુજબ ફાળવવામાં આવશે. માલના વહન માટે જેમાં કન્ટેનરોના લોડીંગ માટે રેલ સાઈડીંગ, કન્ટેનર યાર્ડ, આયાત-નિર્યાત કાર્ગો વેયર હાઉસ, કન્ટેનર એન્ડ કાર્ગો હેન્ડલીંગ, કસ્ટમ ડીપાર્ટમેન્ટ ઓફીસ, કન્ટેનર રીપેયર વર્કશોપ, ટ્રેડ ફેસીલીટેશન ઝોન સહિત વિવિધ આંતર માળખાકીય સવલતો નિર્માણ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here