વિજય માલ્યા સાથે ગાંધી પરિવારના સંબંધ મુદ્દે રાહુલ જવાબ આપે : પાત્રા

827

શરાબ કારોબારી વિજય માલ્યાના દેશ છોડવાને લઇને હવે જોરદાર રાજકીય લડાઈ છેડાઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. રાહુલ ગાંધીના ગંભીર પ્રકારના આક્ષેપો બાદ ભાજપે પણ નબળીરીતે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આક્ષેપોને રદિયો આપતા કહ્યું હતું કે, યુપીએની સરકારના ગાળામાં માલ્યાને ઘણી બધી રાહતો આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ પણ કેટલાક પ્રશ્નોના જવાબ આપવા જોઇએ. પાત્રાએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, માલ્યા અને કિંગફિશર એરલાઈન્સ સાથે ગાંધી પરિવારના કેવા પ્રકારના સંબંધો રહેલા છે. ગઇકાલે ફરાર શરાબ કારોબારી વિજય માલ્યાએ એમ કહીને વિવાદ છેડી દીધો હતો કે, તેઓ લંડન ફરાર થતાં પહેલા નાણામંત્રી અરુણ જેટલીને મળ્યા હતા. અલબત્ત આ વાતચીતને અનૌપચારિક તરીકે ગણાવી હતી પરંતુ આ વાતચીતને લઇને જોરદાર વિવાદ છેડાઈ ગયો હતો અને ભાજપની મુશ્કેલી વધી ગઈ હતી. કોંગ્રેસના નેતા પીએલ પુણિયાએ ગઇકાલે જ કહ્યું હતું કે, તેઓએ જેટલી અને માલ્યાને સંસદના સેન્ટ્રલ હોલમાં ચર્ચા કરતા જોયા હતા.

સેન્ટ્રલ હોલમાં આ બંને ચર્ચા કરી રહ્યા હતા. એ દિવસના સીસીટીવી ફુટેજથી આ બાબતની ખાતરી પણ કરી શકાય છે. પુણિયાએ દાવો કર્યો હતો કે, પહેલી માર્ચ ૨૦૧૬ના દિવસે જ્યારે તેઓ સંસદમાં સેન્ટ્રલ હોલમાં હતા ત્યારે જેટલી અને માલ્યા વાત કરી રહ્યા હતા. ત્રીજી માર્ચના દિવસે તેઓએ સાંભળ્યું હતું કે, માલ્યા બીજી માર્ચના દિવસે દેશમાંથી ફરાર થઇ ગયા છે. એજ વખતે તેઓએ કોઇ વાતચીત આ સંદર્ભમાં કરી હશે.

ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે, કોંગ્રેસની અગાઉની સરકાર અને ગાંધી પરિવારના વિજય માલ્યા અને કિંગફિશર સાથે ખુબ નજીકના સંબંધ હતા. માલ્યા પ્રત્યે ગાંધી પરિવારની નરમી તમામ લોકો જાણે છે. પાત્રાએ કહ્યું હતું કે, કોલકાતાના આવકવેરા વિભાગે માહિતી મેળવી હતી કે, ડોટેક્સ કંપની પાસેથી રાહુલ ગાંધીએ એક કરોડની લોન લીધી હતી. ડોટેક્સ કંપનીના પ્રમોટર ઉદયશંકર મહાવરે પુછપરછમાં કબૂલાત કરી હતી કે, તેની ૨૦૦થી વધારે સેલ કંપનીઓ છે. ૧૯૪ના નંબર પર ડોટેક્સ કંપનીનું નામ છે. સંબિત પાત્રાએ કહ્યું હતું કે, નોટબંધીના ગાળા દરમિયાન રાહુલ ગાંધી બિનજરૂરી હોબાળો મચાવી રહ્યા હતા. કારણ કે, હવાલા મારફતે કાળા નાણા સફેદ કરવામાં આવી રહ્યા હતા. રાહુલ ગાંધી હવાલા મારફતે કેટલા પૈસા સફેદ કર્યા છે. ગાંધી પરિવારના કેટલા પૈસા આવી કંપનીમાં લાગેલા છે.

Previous articleવિજય માલ્યાના મામલે જેટલીના રાજીનામાની રાહુલ દ્વારા માંગણી
Next articleસિહોર ન.પા.નાં નવા બિલ્ડીંગનું ખાતમુર્હુત કરાયું