કર્ણાટકમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો

1049

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે જાહેરાત કરી હતી કે, તેમની સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયા સુધીનો ઘટાડો કરી રહી છે જ્યારે કેન્દ્ર સરકાર પર વિરોધ પક્ષો તરફથી ભાવ વધારાને લઇને પ્રહારો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ નવી ઉંચી સપાટીએ પહોંચી રહી છે ત્યારે એચડી કુમારસ્વામીએ કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. એકબાજુ મહારાષ્ટ્રમાં ૧૧ શેરોમાં પેટ્રોલની કિંમતો ૯૦ રૂપિયાથી પણ ઉપર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલની કિંમત સૌથી ઉંચી છે જ્યારે આંદામાન અને નિકોબારમાં સૌથી ઓછી છે. દરરોજ ફ્યુઅલની કિંમત વધી રહી છે. કાલબુર્ગીમાં મુખ્યમંત્રી સ્વામીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર લોકોને રાહત આપવા નિર્ણય કરી ચુકી છે.

આજ કારણસર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગઠબંધન સરકારે બે રૂપિયા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામ સ્વરુપે કર્ણાટક સરકારના લોકોને કેટલાક અંશે રાહત મળશે. રાજસ્થાનમાં વસુંધરા રાજે સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ટેક્સમાં કાપ મુકી ચુકી છે જેના પરિણામ સ્વરુપે કિંમતમાં બે રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પણ ટેક્સમાં ઘટાડો કર્યો છે જેના પરિણામ સ્વરુપે અહીં પણ અહીં પણ કિંમતમાં બે રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. જેના લીધે તિજોરી પર ૧૧૨૦ કરોડ રૂપિયાનો બોજ આવ્યો છે. મમતા બેનર્જી દ્વારા પણ પશ્ચિમ બંગાળમાં કિંમતોમાં લીટરદીઠ એક રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.  હાલમાં જ કોંગ્રેસના નેતૃત્વમાં ૨૨ પક્ષોએ ભારત બંધની જાહેરાત પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારા સામે કરી હતી. ત્યારબાદથી પણ કિંમતોમાં કોઇ રાહત મળી નથી. તેલ કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇરાક ઉપર અમેરિકી પ્રતિબંધ બાદ તેલ કિંમતો વધી રહી છે. ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. ટેક્સમાં ઘટાડો કરવાની માંગ ઉઠી રહી છે. દેશમાં તેલ કિંમતો ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય કિંમત ઉપર આધારિત બની છે. ભારત પોતાની તેલની જરૂરિયાત પૈકી ૮૦ ટકાથી વધુ જરૂરિયાત આયાત મારફતે પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં ક્રૂડની કિંમતમાં વધારાથી માઠી અસર પેટ્રોલિયમ પેદાશો ઉપર થઇ રહી છે.

Previous articleનાબાર્ડે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ૬૩ હજાર કરોડ ફાળવ્યા
Next articleભારતનો આર્થિક વિકાસ આતંકવાદના જોખમને ઓછું કરશે : બિપીન રાવત