ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે સૌથી મોટો વિજય મેળવ્યો

1195

ભુવનેશ્વર કુમાર અને કેદાર જાધવના તરખાટ બાદ રોહિત શર્માની અડધી સદી (૫૧) અને શિખર ધવન (૪૬)ની ઉપયોગી બેટિંગની મદદથી ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે ૮ વિકેટે વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન ૪૩.૧ ઓવરમાં ૧૬૨ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે ૨૯ ઓવરમાં ૨ વિકેટે ૧૬૪ રન બનાવી લીધા હતા. દિનેશ કાર્તિક અને અંબાતી રાયડુ ૩૧-૩૧ રને અણનમ રહ્યા હતા. ભારતના રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી નોંધાવી જીતનો પાયો નાખ્યો હતો. રોહિત શર્મા ૫૧ રને શાદાબ ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો. શિખર ધવન ૪૬ રન બનાવી કેચ આઉટ થયો હતો.પાકિસ્તાન તરફથી શાદાબ ખાન અને અશરફે ૧-૧ વિકેટ ઝડપી હતી. ભારત હવે સુપર ફોરમાં ૨૧ સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે, ૨૩ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે અને ૨૫ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન સામે રમશે.
ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે સૌથી મોટો વિજય મેળવ્યો છે. ભારતે જ્યારે જીત મેળવી ત્યારે ૧૨૬ બોલ ફેંકવાના બાકી હતી. આમ બોલ પ્રમાણે પાકિસ્તાન સામે સૌથી મોટો વિજય છે. આ પહેલા ૨૦૦૬માં પાકિસ્તાન સામે ૧૦૫ બોલ બાકી રાખતા જીત મેળવી હતી.
પાકિસ્તાનની ટીમ ૪૩.૧ ઓવરમાં ૧૬૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધારે ૪૭ રન બનાવ્યા હતા. આ સિવાય શોએબ મલિકે ૪૩, ફહીમ અશરફે ૨૧ અને મોહમ્મદ આમિરે અણનમ ૧૮ રન બનાવ્યા હતા. મલિક અને બાબરે ત્રીજી વિકેટ માટે ૮૩ રનની ભાગીદારી નોંધાવી હતી. આ બંનેના આઉટ થયા પછી ટીમનો ધબડકો થયો હતો. ભારત તરફથી કેદાર જાધવ અને ભુવનેશ્વરે ૩-૩ વિકેટ ઝડપી. બુમરાહને ૨ વિકેટ અને કુલદીપ યાદવને ૧ વિકેટ મળી.
પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહમદે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની ટીમમાં હાર્દિક પંડ્‌યા અને જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. ભારત બે ફાસ્ટર અને બે સ્પિનર સાથે મેદાનમાં ઉતર્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleફ્લાઇટના ક્રૂની એક ભૂલથી યાત્રીઓને નાક-કાનમાંથી નીકળવાં લાગ્યું લોહી