વિમાનમાં પ્રવાસીઓના નાક, કાનથી લોહી નિકળવા લાગ્યા

817

જેટ એરવેઝની મુંબઇથી જયપુર જતી ફ્લાઇટના પ્રવાસીઓને આજે ખતરનાક સ્થિતીનો સામનો કરવાની ફરજ પડી હતી. મુંબઇથી ઉડાણ ભર્યા બાદ ફ્લાઇટના કેબિન પ્રેશર મેન્ટેન નહીં હોવાના કારણે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને ફ્લાઇટના યાત્રીઓના કાન અને નાકમાંથી  લોહી નિકળવા લાગી ગયા હતા. ફ્લાઇટમાં રહેલા યાત્રીઓ પૈકીના ૩૦ યાત્રીઓના નાક અને કાનથી લોહી નિકળવા લાગી ગયા હતા. ભારે અફડાતફડી વચ્ચે વિમાનને તરત જ ફરી બોલાવી લેવાની ફરજ પડી હતી. હકીકતમાં ક્રુ મેમ્બર કેબિન પ્રેશર મેન્ટેન કરનાર સ્વીચને દબાવવાનુ ભુલી જતા આ સ્થિતી સર્જાઇ હતી. આના કારણે વિમાન ઉપર પહોંચી ગયા બાદ લોકોને હવાની કમી લાગવા લાગી હતી. જેના કારણે ટુંકા સમયમાં જ કેટલાક યાત્રીઓના કાન અને નાકમાંથી લોહી નિકળવા લાગી ગયા હતા.

જ્યારે બાકીના લોકોના માથામાં દુખાવાની શરૂઆત થઇ ગઇ હતી. વિમાનમાં કુલ ૧૬૬ યાત્રી મુસાફરી કરી રહ્યા હતા. આ બાબતે ધ્યાન દોરતા તરત જ વિમાનને મુંબઇ એરપોર્ટ પર ઉતારી લેવામાં આવ્યુ હતુ. અસરગ્રસ્ત વિમાની યાત્રીઓને એરપોર્ટ પર સારવાર આપવામાં આવી હતી. આ મામલામાં ઉડ્ડયન મહાનિર્દેશાલયનુ કહેવુ છે કે ઘટના સપાટી પર આવ્યા બાદ ક્રુ મેમ્બરને તરત જ ડ્યુટીથી દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મામલામાં તપાસનો આદેશ કરી દેવામાં આવ્યો છે. જેટ એરવેઝની પ્રતિષ્ઠાને આને કારણે મોટો ફટકો પડ્યો છે. કેટલાક વિમાની પ્રવાસીઓ તો આ ઘટનાની માહિતી મળ્યા બાદ ભારે નારાજ દેખાયા હતા.

Previous articleઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં આગામી ૧૨ કલાકમાં વાડાઝોડું ત્રાટકશે
Next articleનવરાત્રિમાં ગરબા સ્થળોએ મહિલા પંચની નજર રહેશે