પાલનપુર ખાતે નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મેડીકલ કોલેજનો શુભારંભ

0
556

પાલનપુર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને બનાસ મેડીકલ કોલેજ અને ખાધ તેલ પેકીંગનો શુભારંભ કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ તથા બાદરપુરા ખાતે ખાધ તેલ પેકીંગનો શુભારંભ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતની ગણના પછાત વિસ્તારમાં થતી હતી. રોજગારીનું કોઇ સાધન નહોતું તેવા સમયે બનાસ ડેરીની સ્થાપના કરી સ્વ.ગલબાભાઇ પટેલે શૂન્યમાંથી સર્જન કર્યુ હતું. તેમણે કહ્યું કે બનાસ ડેરીએ મબલખ દૂધ ઉત્પાદન કરીને સમગ્ર દુનિયામાં આપણને ગૌરવ અપાવ્યું છે. તેમણે જણાવ્યું કે ઘણા વર્ષોથી મેડીકલ કોલેજ મેળવવાની રાહ જોતા લાખો બનાસવાસીઓનું સપનું આ સરકારે સાકાર કર્યુ છે. તેમણે કહ્યું કે મેડીકલ કોલેજ સાથે અતિ આધુનિક સુવિધાઓ ધરાવતી અધતન હોસ્પિટલ પણ બનશે જેનો લાભ સમગ્ર ઉત્તર ગુજરાત ઉપરાંત પાડોશી રાજય રાજસ્થાનને પણ મળશે. જેનાથી આરોગ્ય ક્ષેત્રે ખુબ સારી સેવાઓ મળી શકાશે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં મેડીકલ કોલેજ શરૂ થવાથી જિલ્લાના વિકાસ અને સુખ-સમૃધ્ધિ ક્ષેત્રે એક નવા પરોઢનો ઉદય થયો છે એમ જણાવતાં તેમણે કહ્યું કે આ મેડીકલ કોલેજ અને તે સાથેના રિસર્ચ સેન્ટરથી બનાસકાંઠા જિલ્લાનો ઝડપી સર્વાંગી વિકાસ થશે તે સાથે બનાસકાંઠા જિલ્લાનું નામ તબીબી ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ચમકશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતે મેડીકલ ક્ષેત્રમાં નવા આયામો સર કર્યા છે. તેમણે કહ્યું કે ૧૯૯૫ પહેલાં રાજયમાં માત્ર ૬ મેડીકલ કોલેજો અને ૯૦૦ મેડીકલની સીટો હતી. જયારે આજે ૨૬ મેડીકલ કોલેજો અને ૫૦૦૦ મેડીકલની સીટો છે. જેથી હવે ઘર આંગણે મેડીકલ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બની છે. તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાત તેલીબીયા ઉત્પાદનમાં પણ અગ્રેસર છે ત્યારે ખેડુતોને પુરતા ભાવ મળે અને લોકોને આરોગ્યપ્રદ શુધ્ધ તેલ મળે તે માટે તેલ બનાવતી રીફાઇનરી મીલ સહકારી ધોરણે શરૂ કરવામાં આવી છે. અમારી સરકારે પ્રજા કલ્યાણના જે કાર્યો કર્યા છે તેના માટે અમને ગૌરવ છે. આવનારી પેઢીઓ મેડીકલ શિક્ષણ માટે આ સરકારના કાર્યોને કાયમ યાદ રાખશે. તેમણે રાજયની પ્રજાનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતની શાણી અને સંસ્કારી પ્રજાએ અમારામાં વિશ્વાસ મુક્યો છે. તેમણે જણાવ્યું કે ખેડુત અકસ્માત વીમાની રકમ બમણી કરીને રૂ. ૨ લાખ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજયની ૬ કરોડમાંથી ૪ કરોડની વસતીને મા વાત્સલ્ય યોજનાના લાભ માટે આવરી લેવામાં આવી છે. આમ આરોગ્ય ક્ષેત્રે લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી છે.

કેન્દ્રીય ખાણ અને કોલસા રાજય મંત્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. જિલ્લામાં પુરતી સંખ્યામાં શાળાઓ અને કોલેજો છે અને હવે મેડીકલ કોલેજ પણ બનાસકાંઠા જિલ્લામાં શરૂ થતાં આપણને સુવર્ણતક મળી છે. તેમણે પોતાની સાંસદ તરીકેની ગ્રાન્ટમાંથી ૨૦ લાખની ગ્રાન્ટ મેડીકલ કોલેજ માટે આપવાની જાહેરાત કરી હતી. તેમણે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરીના પ્રયાસોને બિરદાવતાં કહ્યું કે મેડીકલ કોલેજ અને તે સાથે અધતન હોસ્?પિટલથી બનાસકાંઠા જિલ્લાને સારી તબીબી સુવિધાનો લાભ મળશે.

જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે દાતરડાના હાથા પર વિધવા બહેન પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે તે માટે સ્વ. ગલાબાભાઇ પટેલે બનાસ ડેરીની સ્થાપના કરી હતી. જેને સાર્થક કરી આજે બનાસ ડેરી દ્વારા બનાસ મેડીકલ કોલેજની શરૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here