સાયબર લો અને ઈલેક્ટ્રોનિક એવિડન્સ વિષયક બે દિવસીય કાર્યશાળાનો પ્રારંભ

1126

અખિલ ભારતીય અધિવકતા પરિષદ તથા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા સાયબર લૉ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સ વિષયક બે દિવસીય કાર્યશાળાનું પ્રથમવાર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળાને હેતુ ફોરેન્સિક સાયન્સની દ્રષ્ટીએ ન્યાયિક પ્રક્રિયા તથા ન્યાયિક તપાસમાં વૈજ્ઞાનિક ૫દ્ધતિની સમજણ આપવાનો છે. રાજ્યનાં કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આજે ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ  યુનિવર્સિટી ખાતે બે દિવસીય કાર્યશાળાનો શુભારંભ કરાયો હતો.

કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી વિશ્વની એક માત્ર ફોરેન્સિક યુનિવર્સિટી છે જે સમયની માગને અનુરૂપ નિર્માણ કરવામાં આવી છે. આ યુનિવર્સિટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાનું ઉત્તમ ઉદાહરણ છે. મંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે સમાજમાં વિવિધ પ્રકારનાં સાયબર ક્રાઈમ થઈ રહ્યા છે. તેમજ અન્ય ગુનાઓને ડામવા તેમજ અસલી ગુનેગારોને સજા અપાવવામાં ફોરેન્સિક સાયન્સની મદદ જરૂરી બની ગઈ છે. ગુનાઓનો ઝડપથી ઉકેલ લાવવા તેમજ નિર્દોષ નાગરિકને સજા ન થાય તે માટે ગુજરાતની ફોરેન્સિક સાયન્સીસ  યુનિવર્સિટી મહત્વની સંસ્થા બની ગઈ છે. આ પ્રસંગે મંત્રી જાડેજાએ સહભાગી થનાર તમામ વકીલ-અધિવક્તાઓ તથા આયોજકોને  કાર્યશાળાની સફળતા માટે શુભકામના પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે આ કાર્યશાળામાં ક્રિમીનલ જસ્ટીસ સિસ્ટમ, સાંપ્રત સમયમાં આર્થિક-દસ્તાવેજી ગુનાઓ, સોશ્યલ મીડિયા દ્વારા અયોગ્ય અને ગેરકાયદેસર ગુનાહિત કૃત્ય અંગેના કાયદાઓ,  પોલીસ તેમજ અન્ય ન્યાયિક પ્રક્રિયા અંગેના વિષયો ૫ર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાશે. જેમાં ફોરેન્સિક સાયન્સીસ  યુનિ.ના  અધ્યાપકો તથા વકીલો માર્ગદર્શન પુરૂ પાડશે.

આ કાર્યશાળાના પ્રથમ દિવસે ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ડાયરેક્ટ જનરલ ડૉ. જે. એમ. વ્યાસનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય અધિવકતા ૫રિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કિશોરભાઇ કોટક, મહામંત્રી ભરતકુમારજી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ શેઠ તેમજ ગુજરાત સહિત ૨૦ રાજયોમાંથી વિશાળ સંખ્યામાં અધિવક્તાઓ ઉ૫સ્થિત રહ્યાં હતા.

Previous articleભાદરવામાં ઉકળાટ વચ્ચે અચાનક ગાંધીનગરમાં ધોધમાર વરસાદ
Next articleગણપતિબાપ્પા મોરીયાના જયઘોષ વચ્ચે આજે સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન