જમ્મુ કાશ્મીર : આતંકવાદી સામે ઓપરેશન, ૭૦૦ જવાનો તૈનાત

1082

દક્ષિણ કાશ્મીરના સોપિયા જિલ્લામાં હિઝબુલ અને લશ્કરના ત્રાસવાદીઓ દ્વારા ત્રણ પોલીસ કર્મીઓની હત્યા કરવામાં આવ્યા બાદ સેના હવે દક્ષિણ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ખીણમાં ત્રણ પોલીસ કર્મીઓની હત્યા બાદ સાવધાન થયેલી પોલીસ ટુકડીએ સુરક્ષા સંસ્થાઓની સાથે મળીને આજે સવારે જુદા જુદા વિસ્તારમાં કામગીરી હાથ ધરી હતી. સેનાને પુલવામાં અને સોપિયાના કેટલાક જિલ્લામાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળી હતી. આ માહિતીના આધાર પર સેનાએ અન્ય સુરક્ષા દળોની સાથે મળીને સોપિયન અને પુલવામાના અડધા ડઝનથી વધુ ગામોમાં ઘેરાબંધી કરીને તપાસ હાથ ધરી હતી. સેનાને ૫૩, ૫૫ રાષ્ટ્રીય રાયફલ, ૨૩ પેરામેડિકલ, કેન્દ્રીય પોલીસની ૧૮૨ અને ૧૮૪ બટાલિયન અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાન પુલવામાં અને સોપિયાના અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ તલાશી અભિયાનમાં પુલવામામાં લસ્સીપોરા, અલાઈપોરા, હજદારપોરા સહિતના કેટલાક ગામોને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સર્ચ ઓપરેશન માટે ૭૦૦ જવાનોની તૈનાતી કરવામાં આવી છે.

સેનાના આ મોટા અભિયાન દરમિયાન પુલવામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘેરી લેવામાં આવેલા તમામ ગામોમાં કોઇપણ બહારની વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, શુક્રવારના દિવસે સોપિયન જિલ્લામાં ત્રાસવાદીઓએ ત્રણ પોલીસ કર્મચારીઓનું અપહરણ કરી લીધું હતું અને ત્યારબાદ તેમની ઘાતકી હત્યા કરી દીધી હતી. આ બનાવ બાદ છ પોલીસ જવાનોએ તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ વિડિયો સોશિયલ મિડિયા પર વાઇલર કરવામાં આવ્યા હતા. અલબત્ત સોશિયલ મિડિયા પર એસપીઓ દ્વારા રાજીનામાની જાહેરાત સાથે સંબંધિત વિડિયોને યોગ્ય ગણાવ્યા હતા. ડીજીપી દિલબાગસિંહ અને ગૃહમંત્રી રાજનાથસિંહ, ગૃહસચિવ રાજીવ ગોબાએ માહિતી આપતા કહ્યું છે કે, આ સામૂહિક રાજીનામા નથી. આ ઉપરાંત આ રાજીનામાઓને ત્રણ એસપીઓની હત્યા સાથે કોઇ લેવા દેવા નથી. એસપીઓની હત્યા બાદ ત્રાસવાદીઓ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જે હજુ યથાવતરીતે જારી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. હાલમાં બીએસએફ જવાનની બર્બરતાપૂર્વક હત્યા અને ત્યારબાદ ત્રણ પોલીસ જવાનોની ઘાતકી હત્યાથી એકબાજુ સુરક્ષા દળો પણ સાવધાન થઇ ગયા છે ત્યારે બીજી બાજુ પોલીસ જવાનો સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત બન્યા છે.

Previous articleચૂંટણી પહેલા જ માયાવતીના નવા પેંતરાથી ભાજપને રાહત
Next articleમોદી કેર સ્કીમની આજથી દેશમાં શરૂઆત : કરોડોને મફત સારવાર