મહેસાણામાં સ્પા સેન્ટરમાંથી ત્રણ થાઇલેન્ડની યુવતી સહિત ૫ ઝડપાયા

0
458

મહેસાણા શહેરના હાઈવે પર આવેલા નાગલપુર પાટીયા સામે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ શનિવારે પોલીસે કરતાં ચકચાર ફેલાઈ ગઈ હતી. આ સ્થળે કામ કરતી ત્રણ વિદેશી યુવતિઓ સહિત પાંચ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. આ અંગે મહેસાણા બીડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મહેસાણા શહેરના હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી બ્લ્યુ ઓશિયન સ્પા એન્ડ બ્યુટી નામનું મસાજ પાર્લર શરૃ થયું હતું. દરમિયાન આ મસાજ પાર્લરની આડમાં દેહવિક્રયનો ગોરખધંધો ચાલી રહ્યો હોવાની મહેસાણા પોલીસને બાતમી મળી હતી.

જેના આધારે શનિવારે ડીવાયએસપી મંજિતા વણઝારા,બીડિવિઝનના પીએસઆઈ રીના ચૌધરી સહિતના સ્ટાફે હાઈવે સ્થિત બ્લ્યુ ઓશિયન સ્પા સેન્ટરમાં ઓચિંતો દરોડો પાડયો હતો અને આ સ્થળેથી પોલીસે મસાજ પાર્લરમાંથી થાઈલેન્ડની ત્રણ વિદેશી યુવતિઓ અને બે સંચાલકો  ગૌતમ સોલંકી અને અરવિંદ પંચાલ નામના બે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે આ કેસમાં કુલ પાંચ વ્યક્તિઓને ઝડપી લઈ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે મહેસાણા બિડિવિઝનમાં ગુનો નોંધવા કાર્યવાહી આરંભાઈ છે. આ મસાજ પાર્લર અમદાવાદના સંચાલક જૈનીશ શાહ ચલાવી રહ્યો હતો.નોંધપાત્ર છે કે, મહેસાણા શહેરમાં અન્ય સ્થળોએ પણ મસાજ પાર્લર ચાલી રહ્યા છે. જેમાં સરપ્રાઈઝ ચેકિંગકરવામાં આવે તો ચોંકાવનારી વિગતો ખુલે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

સ્પાની આડમાં ચાલી રહેલા ગોરખધંધાની હકીકત ખૂલતાં આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ મસાજ પાર્લરમાંથી ગર્ભ નિરોધક સાધનો પણ મળી આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

પોલીસને મળેલી બાતમીના આધારે શનિવારે બપોરના સુમાર ેબ્લ્યુ ઓશિયન સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ, પોલીસે અહીં ઓચિંતી રેડ કરી હતી. જેના કારણે મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલા ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો.

મહેસાણા સ્થિત બ્લ્યુ ઓશિયન સ્પા એન્ડ બ્યુટી સેન્ટરમાંથી ઝડપાયેલી ત્રણ વિદેશી યુવતિઓ થાઈલેન્ડની હોવાનું ખુલ્યું હતું. આ યુવતિઓ વર્ક પરમીટ ઉપર મહેસાણામાં રહેતી હતી અને મસાજ પાર્લરમાં કામ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બ્લ્યુ ઓશિયન સ્પા સેન્ટરમાં ગ્રાહકો માટે પેકેજ ઓફર કરવામાં આવતી હતી. જેમાં રૃ.૧૦ હજારમાં ત્રણ મહિનાની મુદ્દતમાં ૮ મસાજ, રૃ.૨૦ હજારમાં ૬ માસ માટે ૧૮ મસાજ અને રૃ.૩૦ હજારમાં ૧ વર્ષના સમયગાળામાં ૨૮ વખત મસાજ કરી આપવામાં આવતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here