આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ગાંધીનગરમાં પ્રારંભ

0
715

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું દીપ પ્રગટાવી ઉદઘાટન કર્યા બાદ જળ સંપતિ અને પાણી પુરવઠા તથા ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતુ કે આયુષ્યમાન ભારત યોજના દ્વારા ૪૪ લાખથી વધુ પરિવારનાં ૨.૨૫ કરોડ નાગરિકોને સામાન્યથી માંડીને ગંભીર બિમારી સહિત તમામ પ્રકારની સારવાર ૧૦૦ ટકા સરકારી ખર્ચે ઉપલબ્ધ થશે. દેશનાં ગરીબ અને મધ્યમ વર્ગનાં નાગરીકો માટે પરિવાર દીઠ વાર્ષક રૂ. પાંચ લાખ સુધીની  તબીબી સારવાર સુવીધા આ યોજનાથી ઉપલબ્ધ થઇ છે.

ગાંધીનગર જિલ્લાનાં શહેરી વિસ્તારો સહિત કુલ ૮૨૪૧૦ લાભાર્થી પરિવારોને રૂ. પાંચ લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા છત્ર પૂરૂ પાડનારી દેશની મહત્વપૂર્ણ જન આરોગ્ય સુવિધાનો આજથી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઝારખંડનાં રાંચીથી પ્રારંભ કર્યો છે.

તેનો ઉલ્લેખ કરી મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતુ કે રાજય સરકારે મા અમૃતમ વાતસલ્ય યોજનાના રૂ. ત્રણ લાખ સુધીનાં આરોગ્ય કવચ માટે અમલી કરી છે. માર્ગ અકસ્માતનાં કિસ્સામાં કોઇ પણ નાગરિકને તાત્કાલિક સારવાર મળે તે માટે રૂ. ૫૦ હજારની સહાય રાજય સરકાર આપે છે.  રાજયમાં પી.એચ.સી. અને સી.એચ.સી. માં સુવીધાઓ વધારીને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓમાં વધારો કર્યો છે.

ઝારખંડ રાજયનાં રાંચીથી વડા પ્રધાન નરેન્દ્રભાઇ  મોદી દ્વારા  આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું લોકાર્પણ અને પ્રસારણ ગાંધીનગર જિલ્લાની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ સાંભળયું હતુ. મંત્રી પરબતભાઇ પટેલનાં હસ્તે આયુષ્માન ભારતનાં દસ લાભાર્થીઓને પ્રતીક રૂપે ગોલ્ડન કાર્ડ આપવામાં આવ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી હિતેશભાઇ કોયાએ ગાંધીનગર જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓના અપગ્રેડેશન અંગે માહીતી આપી માતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડા અંગે માહિતી આપી હતી.

ગાંધીનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી એમ. એસ. સોલંકીએ આયુષ્યમાન ભારત દ્વારા નાગરિકોને આરોગ્ય સુરક્ષા છત્ર પુરુ પાડનારી દેશની મહત્વની જન આરોગ્ય સુવિધા ગણાવી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધીકારી ડો. પિયુષ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનુભાઈ પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર એસ.એલ. અમરાણી સહિત વિશાળ સંખ્યામાં ગાંધીનગર જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here