ગુસ્તાખી માફ

1189

દલા કરતાં વધુ સારી કલાઈમેકસવાળી વાર્તા ભાજપ-કોંગ્રેસે ભજવી ના કહેવાય ?

દલો બિચારો વર્ષોથી સાલોથી બદનામ થતો આવ્યો છે અને તે પણ માલિકની ગેરહાજરીમાં બે-ચાર રીંગણાં માટે અને બિચારો પૂછવાની હિંમત કરે છે કે રીંગણા લઉ કે નહીં ત્યારે તેનો અંતરાત્મા કહે છે લો ને દસ-બાર પરંતુ તેના બાદ માલિક તેને કુવામાં ઉતારીને એટલો પાઠ શીખવે છે કે ફરી દલો તલવાડી એવું કરે નહીં..

ભાજપ – કોંગ્રેસના હવે સેવકો નહીં પરંતુ પગારદાર ધારાસભ્યોએ દલા તલવાડી ને પણ આંટી ખવડાવે તેવા કલાઈમેકસ વાળી વાર્તા સર્જી. જેમાં ૧૮ર જેટલા દલા તલવાડી એક સાથે રીંગણાં નહીં પરંતુ હજારો કિલો રીંગણાની નવી સ્ટોરી કરી. પ્રજા એટલે કે માલિકની ગેરહાજરીમાં પણ અહીં હતી નહીં કે ખેતર રેઢુ પણ મુકેલું નહીં. ખુલ્લેઆમ પ્રજાના દેખતા તેના જ ખેતરમાંથી પ્રજાએ આપેલા વોટની પણ પરવા કર્યા વગર તેમણે દલા તલવાડીને પણ ખૂબ સારો કહેવડાવે તેવી સ્ટોરી રચી ઈતિહાસ સર્જયો છે. ગૃહમાં એક પણ રાજકારણી સેવા માટે નથી આવ્યો તે સાબિત કરી દીધું ગણાય. પરંતુ પ્રજાએ હવે માલિકની જેમ બુધ્ધિ વાપરીને કુવામાં ડુબકીઓ ખવડાવી હતી તેવો કોઈ ઉપાય આ ધારાસભ્યો માટે કાઢવો રહ્યો. જેથી કરી આવી રીતે રીંગણાં લઈ લેવાની હિંમત ન કરે. પ્રજાને ખબર ન પડે તે માટે કહેવાતા આ લોકોએ મીલીભગત કરી વિધાનસભાના કામકાજની યાદીમાં પણ વિષયને મુકવા દીધો નહી. સીધે સીધો ગૃહમાં રજુ કરી પુરવણી બનાવી પ્રજાને કેવી રીતે છેતરી ! બાપરે બાપ!! દલાને બદલવો રહ્યો આને ઈતિહાસમાં સ્થાન આપી શકાય.

પ્રજાનો દ્રોહ – ટ્રસ્ટીશીપનો દૂરઉપયોગ કરી પ્રજાની પીઠમાં ખંજર ભોકતા રાજકારણીઓ

સામાન્ય રીતે સરકાર પાસે કોઈ રૂપિયા હોતા નથી તે પ્રજાના હોય છે. તિજોરીમાં આવતા નાણાં પ્રજાની પરસેવાની કમાણી હોય છે. તેનો વહીવટ કરવા પ્રજા વોટ આપીને લોકશાહી વ્યવસ્થામાં રાજકારણીને ચૂંટીને મોકલે છે અને આશા રાખે છે કે તેમના નાણાંનો સારો ઉપયોગ થશે. પરંતુ પગાર વધારાના એપીસોડ પછી સ્પષ્ટ થઈ ગયું કે જેમના પર વિશ્વાસ પ્રજાએ મુકયો તેમણે જ પોતાના અંગત લાભ માટે ખુલ્લેઆમ પ્રજાની પીઠમાં ખંજર ભોંકી દીધુ જાહેરમાં જો પોતાના માટે આટલા નીચે ઉતરી જતાં રાજકારણી માટે પડદા પાછળ તો શું પારદર્શકતાની આશા રાખી શકાય. જો કે દરેકે પોતે પોતાનું સર્ટીફિકેટ પ્રજાને આપી દીધુ ગણાય કે પોતે કેવા છે?

જો તેમનામાં નૈતિકતા હોય તો પ્રજાને રાઈટ ટુ રીકોલ આપી જુએ અથવા પોતાના પર ભ્રષ્ટાચારી રીતરસમ બદલ કમિટી નીમી શકે. જેમ કર્મચારીને દરેક નિયમો લાગુ પડે છે તેમ પોતાના પર લાગુ પાડવાના નિયમો ઘડી બનાવે તો કહેવાય કે તે કેટલામાં છે.

લગભગ ૯ સહાયકો જેટલો પગાર વધારો કરી કુલ રાજકારણીઓ દ્વારા લેવાતા પગારના નાણાં પ હજારથી વધુ સહાયકો અથવા યુવાન બે રોજગારોનો હક ખાઈ જાય છે. હવે બદલાવની ચોકકસ જરુર લાગે છે. પ્રજા એક વાર જાગે તો ચોર ભાગે જેવી વાત છે.

કોંગ્રેસે ફરી એકવાર પોતાની નબળાઈ દેખાડી પ્રજાનો રહ્યો સહ્યો વિશ્વાસ ખોયો

ભૂતકાળમાં ભાજપના ખરા અર્થમાં સેવક એવા જૂનાગઢના ધારાસભ્યએ ધારાસભ્યોના પગારનો વિરોધ કર્યો હતો કે સેવક અને સમાજસેવા કરવા આપણે આવીએ છીએ. સ્વેચ્છિક પસંદગી કરીને આવીએ છીએ. તેથી જાહેર સેવકોનો પગાર હોઈ શકે નહીં આ કહ્યા પછી બહુમતીના જોરે પગાર દાખલ કરાયો પરંતુ મહેન્દ્રભાઈ મશરૂ એક ખરા સેવકની છાપ સાથે અમર થયા.

કોંગ્રેસે આવી મીલીભગત કરવાને બદલે ભાજપના આ પગલાંનો વિરોધ કર્યો હોત તો કદાચ પ્રજાનો થોડો ઘણો વિશ્વાસ તેના પર રહ્યો હોત. પરંતુ જે થોડો ઘણો વિશ્વાસ પ્રજાનો હતો જે આશા હતી તે હવે પ્રજાના મનમાંથી નીકળી ગઈ છે. ફરી એકવાર કોંગ્રેસે દિશાહિનતા બતાવી પ્રજાના માટે વિરોધ નહીં કરી શકવાની પોતાની ક્ષમતા કે નબળાઈ પ્રજાને બતાવતા પ્રજા તેનાથી ખૂબ જ નારાજ થઈ ગઈ છે તે નકકી.

વાજપેયીને શ્રધ્ધાંજલી અપાઈ પરંતુ તેના ગુણોની જાહેરમાં હોળી કરવી એ કયાંથી ગળે ઉતરે વાજપેયીએ પંચાયતની ગાડીમાં નહીં બેસીને નાથાલાલની ફિયાટમાં જવાનું પસંદ કર્યું તેને ગાતા નેતાઓ પોતાના માટે આ કૃત્ય કરે તે તો વાજપેયીનો આત્મા પણ કકળી ઉઠે તેવી વાત થઈ ગણાય..

Previous articleઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ : ભિલોડામાં ૭ ઈંચથી વધુ
Next articleકોળી સમાજનો પસંદગી મેળો