નેત્રહીનોની વિશીષ્ટ શક્તિઓને લોકો આવકારે છે એટલા તેની શક્તિ પ્રમાણે કામ આપવા તૈયાર નથી

0
637

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું લગભગ કચ્છના નાના રણને સ્પર્શતું એક નાનકડું ગામ. ગામમાં મોટી જાગીર ધરાવતો એક સંવેદનશીલ ખેડૂત હતો. જેમાં આજુબાજુના ગામમાંથી અનેક ખેતમજૂરો કામે આવતા. ખેડૂત ધનસુખ પટેલ ભારે સંવેદનશીલ હોવાથી પ્રત્યેકના સુખ-દુઃખમાં સહભાગી બનવા તત્પર રહેતા. ધનસુખ પટેલનો પરિવાર નાનો પણ સુખી હતો. નાના દીકરાની વહુ લક્ષ્મી ભારે દયાળુ અને માયાળુ હોવાથી મજૂર વર્ગના જે કોઈ લોકો ધનસુખ પટેલને ઘરે મળવા કે કોઈ કામકાજે આવે તેને રોટલો પાણી કે ચા નાસ્તા વિના જવલ્લે જવા દેવા રાજી થતી. આમ તો બીજાને ખવડાવવું તે લક્ષ્મીનો શોખ હતો. અવનવી રસોઈ અને ઘરકામ કરવામાં કુશળ એવી લક્ષ્મી ધનસુખ પટેલની લાડકી દીકરી જેવી વહુ હતી. જો કે લક્ષ્મીને પણ ધનસુખ પટેલના દરેક કામમાં મદદ કરવાનું બહુ ગમતું. તેને ધનસુખ પટેલ પર અનેરી લાગણી હતી. ધનસુખ પટેલ પણ દરેક જીવ પ્રત્યે ભારે સંવેદના દાખવતા. લગભગ બસ્સો-અઢીસો વીઘામાં ઘઉં, જુવાર, બાજરાના ડુંડા ખાવા આવતા પક્ષીઓ પર તે કદી ગોફણ વીંઝતા નહીં. તેના બદલે તે મીઠા સંગીતના વાદ્યો મોટા અવાજે વગાડવાનું પસંદ કરતા. કોઈવાર કોકિલકંઠી લતા મંગેશ્કર, મૂકેશ, મહમદ રફી કે રોમેન્ટિક ગાયક કિશોરકુમારના ગીતો હૉમ થિયેટરમાં બજાવી બેવડો લહાવો લેતા-પક્ષીઓને ઉડાડવાનો અને મનપસંદ સંગીત સાંભળવાનો! તે કોઈવાર પક્ષીઓને ઉડાડ્યા પછી પક્ષીઓની ચણ માટે તેણે બંધાવેલા ચબૂતરા પર પ્રબંધ કરતા. જેથી પક્ષી ઉડાડવાના અફસોસમાંથી મુક્ત થઇ શકાય.જોકે આ બધા કામમાં નાના દીકરાની વહુ કે જે ધનસુખ પટેલની લડકવાઈ વહુ હતી તે હંમેશા તત્પર રહેતી. ગામના દરેક લોકો લક્ષ્મીની સેવા ચાકરી જોઈ વિસ્મય પામતા. કારણકે ગામમાં લગભગ ૧૦ જેટલા ચબૂતરા પક્ષીને ચણ નાખવા માટે ધનસુખ પટેલે બંધાવ્યા હતા. દરેક ચબૂતરા પર લક્ષ્મી  પક્ષીઓને સમયસર ચણ નાખવામાં આવે તેવી અંગત કાળજી રાખતી. તેમની દેખરેખ નીચે એક સેવાભાવી સમિતિની રચના તેમણે કરી હતી. આ સમિતિ મારફતે લક્ષ્મી આ બધા કામ કરાવતી. ધનસુખ પટેલ પણ પોતે લક્ષ્મીની ચાલતી આ કામગીરી પર દેખરેખ રાખતા. જો કે પટેલે માત્ર પક્ષીઓ માટે જ ગામમાં સેવાની પ્રવૃત્તિઓ વિકસાવી હતી તેમ ન કહી શકાય. તેમણે તો મૂંગા ઢોર માટે ઘાસવાડા,  કૂતરાઓ માટે રોટલા, સાધુ-સંતો માટે સદાવ્રત અને યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી સાચી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

સામાન્ય રીતે આપણે સાંભળતા આવ્યા છીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ ખોટું કામ કરે છે ત્યારે બીજી તેનું હિત ઇચ્છનાર વ્યક્તિ તેને કહે છે કે- ‘ભાઈ માણસ થા ને! આ ઉક્તિ એ પુરવાર કરે છે કે -‘હાથ-પગ-માથું અને શરીરના અન્ય ભાગો વ્યક્તિને મળે તો પણ તે માણસ છે તેવું ન કહી શકાય. કદાચ સમજો કે બુદ્ધિ પણ હોય તેમ છતાં જ્યાં સુધી વ્યક્તિ સંવેદના ન પામે ત્યાં સુધી તે માણસ બનતો નથી. ધનસુખ પટેલ સાચી માનવતાને પામનાર એક વિરલ પુરુષ હતા અને એટલા જ માટે ઈશ્વરે તેને લક્ષ્મી જેવી વહુ આપી. દીકરાની ગરજ સારે તેવું પાત્ર બની આવેલી પુત્રવધૂ ખરા અર્થમાં કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ જીતવા મેદાને પડેલા અર્જુનના સારથિ તરીકે ભગવાન શ્રીકૃષ્ણ જે રીતે આવ્યા હતા તેવી જ સંસારરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં વિજય મેળવવા ખરી માનવતાના સામ્રાજ્યને પ્રસ્થાપિત કરવા આવેલા ધનસુખ પટેલને પોતાના સારથિ તરીકે લાડકવાઈ વહુના પાત્રમાં લક્ષ્મી આવી, જે ગીતાગાયક શ્રી કૃષ્ણ ભગવાનના કહ્યા મુજબ પુરવાર થાય છે. ભગવાને કહ્યું હતું કે- ‘જ્યારે જ્યારે આ સંસારમાં ધર્મની હાનિ થશે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરીને આવીશ.’ આજે સંવેદનારૂપી ધર્મની હાનિ થઇ રહી છે ત્યારે લક્ષ્મીના સ્વરૂપમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણી વચ્ચે આવશે, ત્યારે જ સાચી સંવેદનાનું સમાજરૂપી ખેતરમાં બીજ અંકુરિત થશે. અખબારો અને વીજાણુ માધ્યમમાં સનસનાટી ભર્યા સમાચારો પ્રસિદ્ધ કરવા પત્રકારો જેટલા રઝળપાટ કરી રહ્યા છે તેટલા જ સંઘર્ષ કરતા લોકોની વાતો જાણવા અને શોધવા રઝળપાટ કરશે ત્યારે જ ઉત્તમ સમાજનું નિર્માણ થઈ શકશે. જેમણે હાથ-પગ, શ્રવણ શક્તિ, જોવાની શક્તિ ગુમાવી છે એવા લોકોને સમાજમાં સમાન તક મળે, તેમને એક સામાન્ય માણસની જેમ જોવાની દૃષ્ટિ સમાજ કેળવે તેવા ઉદેશ્યથી ભાવનગરની રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા વર્ષ ૨૦૧૨ થી પ્રજ્ઞાચક્ષુઓમાં છુપાયેલી સુષુપ્ત વિશિષ્ટ શક્તિઓને પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્યથી જુદાં- જુદાં શીર્ષક તળે વિશિષ્ટ પ્રદર્શનનું આયોજન કરે છે. આ પ્રદર્શનમાં ખાસ કરીને શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને ખાસ નિમંત્રિત કરવામાં આવે છે. કારણ કે કોઠારી કમિશનના કહ્યા મુજબઃ ‘દેશના સાચા ભાવિનું નિર્માણ શાળા કૉલેજના વર્ગખંડની ચાર દીવાલો વચ્ચે થતું હોય છે.’ તેથી સંવેદનશીલ વ્યવસ્થાતંત્રના નિર્માણ માટે, ભાવિ નાગરિકોના ઘડતરના હેતુથી ખરી સંવેદના જગાડવા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પ્રતિવર્ષે કરવામાં આવે છે. એક સમય હતો ત્યારે સામાન્ય લોકો કહેતા હતાઃ ‘આંધળો ગાય કાં દળે.’ કાં તો અંધ વ્યક્તિ દળવાનો વ્યવસાય કરી શકે અથવા બહુ બહુ તો તે ગીત-સંગીત દ્વારા પોતાનું ભરણપોષણ કરી શકે. બાકી બીજું શું કરી શકે? લગભાગ ૨૦૦ વર્ષના ઇતિહાસમાં અનેક વિભૂતિઓનાં સંઘર્ષોનો અભ્યાસ કરીએ તો ખબર પડે કે અંધ વ્યક્તિઓ આ સિવાય પણ બીજું ઘણું કરી શકે. ૧૮૦૯માં ફ્રાંસમાં જન્મેલા લૂઈ બ્રેઈલે અંધજનો ભણી શકે તેવી લિપિ ૧૮૩૨મા શોધી અને તેને વિકસાવી. ત્યાર પછી દુનિયાભરમાં તેના પર અનેક પરિસંવાદો થયા. લગભગ સો વર્ષ સુધી આના પર વિચારણા થતી રહી. દરમ્યાન ૧૯૫૨માં લૂઈ બ્રેઇલે શોધેલી લિપિના આધારે ભારતીય બ્રેઇલની રચના કરવામાં આવી. આ લિપિના આધારે વિકસેલી ટેકનોલોજીના સહારે કૉમ્પ્યૂટરની મદદથી આજે અંધજનો સામાન્ય વ્યક્તિની જેમ જ કૉમ્પ્યૂટર પર ટાઈપિંગ, સર્ચિંગ, ડેટાની આપ-લે, અપલોડિંગ અને ડાઉનલોડ આ બધું જ કરી શકે છે. દેશની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ મહિલા પ્રાંજાલ પાટિલ આઇ.એ.એસ અધિકારી બની સામાન્ય વ્યક્તિને જે સફળતા ન મળે તેવી સફળતા મેળવી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. હાલ તેઓ અર્નાકુલમ્‌ માં કલેક્ટર તરીકે કાર્યરત છે.

સંસ્થા દ્વારા ચાલતો આ કર્મયજ્ઞ પ્રજ્વલિત રાખવા સમાજના પ્રત્યેક વર્ગના લોકો આગળ આવી પોતાની સેવા, આર્થિક સહાય અને માનસિક રીતે ટેકો આપશે ત્યારે જ તેમણે યજ્ઞમાં સાચી આહુતિ આપી ગણાશે. ઋષિમુનિના સમયમાં અનેક યજ્ઞો કરવામાં આવતા, તે વખતે ધર્મને ટકાવવાના હેતુથી યજ્ઞ પ્રયોજવામાં આવતા. આજે આ પ્રકારના કર્મયજ્ઞો સમાજને ટકાવવા અને ઉત્તમ સમાજની રચના કરવા માટે કરવામાં આવે છે. તેમાં સમાજના પ્રત્યેક વર્ગના લોકો જોડાઈ તો જ ઉત્તમ સમાજનું નિર્માણ થઈ શકે. નેત્રહીનોની અનેક વિશિષ્ટ શક્તિઓને લોકો જેટલા આવકારે છે એટલા તેમની શક્તિને અનુરૂપ કામ આપવા તૈયાર થતા નથી. જેઓ સત્તાના ઉચ્ચ સિંહાસન પર બેઠા છે કે જેમના અભિપ્રાયથી આવા અનેક લોકોના ઉજ્જવળ ભાવિ માટેનો માર્ગ પ્રસ્થાપિત થઈ શકે તેમ છે તેવા લોકોની સાચી સંવેદના જાગે, તેઓ આવા લોકોની સુષુપ્ત શક્તિઓથી વાકેફ બને તેવા હેતુથી યોજાતા આ વિશિષ્ટ પ્રદર્શનની મુલાકાત લેવા લોકો આગળ આવશે ત્યારે આવી પ્રવૃત્તિઓને વેગ મળશે. જે રીતે લંકા પર ચડાઈ કરવા નીકળેલા રામને સમુદ્ર પર સેતુબંધ બાંધવાનો હતો ત્યારે નાનકડી ખિસકોલીએ પણ ગોઠવાયેલા પથ્થર વચ્ચે માટીમાં આળોટી પોતાના શરીર પર લાગેલી માટી પૂરી, ખાઈ ઓછી કરવા જે  પ્રયત્ન કર્યો હતો તેવો જ પ્રયત્ન સમાજના નાનામાં નાના વ્યક્તિથી માંડીને ઉચ્ચ સિંહાસન પર બિરાજમાન વ્યક્તિઓએ કરવાનો છે ત્યારે જ સાચી સંવેદનાનું આ આઠમું પુષ્પ ખીલશે અને મહેકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here