પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે વિશિષ્ટ પ્રદર્શનનો પ્રારંભ

905

પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને વિકસાવવા તથા આમસમાજનાં લોકો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની વિશિષ્ટ આવડતથી પરિચિત બને તેવા હેતુસર ત્રિ-દિવસીય ‘પ્રજ્ઞાપંથી અવાજનાં અજવાળે’-વિશિષ્ટ પ્રદર્શનનું ગઢડાનાં ધારાસભ્ય પ્રવીણભાઈ મારુંનાં વરદ્‌હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લુ  મુકાયું હતું.

આ વિશિષ્ટ પ્રદર્શનમાં તા. ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા ઉભા કરાયેલ ૧૭ ઝૉનથી પ્રજ્ઞાચક્ષુ બાળકોને અપાતા સ્પેશ્યલ એજ્યુકેશનની વિવિધ પધ્ધતિઓ, સંગીતની તાલીમ, વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, કૉમ્પ્યૂટરનો ઉપયોગ, વિશિષ્ટ આધુનિક ઉપકરણોનો ઉપયોગ, ઈલેક્ટ્રિક મોટર રિવાઈન્ડીંગ, પ્રજ્ઞાચક્ષુ ગૃહિણીઓ માટેની હૉમ સાયન્સની પ્રવૃત્તિઓ, સંપૂર્ણઅંધ અને અલ્પદૃષ્ટિ ધરાવતા વ્યક્તિઓની માનસિક સ્થિતિનો અનુભવ કરાવતો અલ્ટ્રા-વાયોલેટ ઝૉન, વિવિધ ગૃહ-ઉદ્યોગોની બનાવટ અને રમત-ગમત જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ પ્રદર્શિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ સંસ્થા પરિચય અને વિશિષ્ટ પ્રદર્શનની હેતુ સમજાવતા કહ્યું હતું કે, આવા પ્રદર્શનથી વર્તમાન સમયના સામાન્ય વિદ્યાર્થીઓ પ્રજ્ઞાચક્ષુઓની અસીમ શક્તિથી પરિચિત થશે અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે કોઈપણ કાર્ય અશક્ય નથી તેવો આત્મવિશ્વાસ તેમનામાં કેળવાશે-તેમનો દ્રષ્ટિકોણ આ બાબતે બદલાશે. પરિણામે ભવિષ્યમાં જ્યારે આવા વિદ્યાર્થીઓ ઉત્તમ સમાજની રચના માટે અગ્રેસર હશે. ત્યારે તેઓ પ્રજ્ઞાચક્ષુઓને પણ સાથે રાખી તેમની ક્ષમતા પર વિશ્વાસ મૂકવામાં અચકાશે નહીં.  જેથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પણ ઉત્તમ સમાજની રચના માટે પોતાનો ફાળો આપી શકશે. સમાજ શુદ્ધિકરણના આ કાર્યની શરૂઆત અમારા પ્રદર્શનથી થઈ રહી છે. જેની સાબિતી પ્રતિવર્ષ આવા વિશિષ્ટ પ્રદર્શનની મુલાકાત લેતા મુલાકાતીઓની સંખ્યામાં થતો સતત વધારો છે. આમ સમાજમાં પ્રજ્ઞાચક્ષુ વિકલાંગો  પ્રત્યે સંવેદના જાગી રહી છે. સમાજનાં લોકો પ્રજ્ઞાચક્ષુઓની મદદે આવવા હકારાત્મક વલણ ધરાવતા થયા છે.

પ્રદર્શનનાં પ્રથમ દિવસે જ કુલ ૨૫ થી વધુ શાળા-કૉલેજ અને તેના વિદ્યાર્થીઓ સહિત ૧૩૦૦ થી વધુ શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપક અને નગરજનોએ મુલાકાત લીધી હતી. જ્યારે આવતીકાલે સંસ્થાની વેબસાઈટ લોન્ચિંગનો કાર્યક્રમ સાંજે ૪ કલાકે યોજવામાં આવ્યો છે જેમાં આઇટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને નિષ્ણાંતો  બહોળી સંખ્યામાં સંખ્યામાં હાજર રહેશે. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ પ્રવીણભાઈ મારુ અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ સંસારની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે થતા આ કાર્યમાં  સરકાર પણ વધુને વધુ રીતે સહયોગી બનશે તેવી રજૂઆત કરવા ખાતરી આપી હતી. જ્યારે સંસ્થાના પ્રમુખ શશીભાઇ વાધરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.  સ્વાગત સંસ્થાના માનદમંત્રી મહેશભાઈ પાઠકે અને આભાર દર્શન શાળાનાં આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા નીતાબેન રૈયાએ સંભાળ્યું હતું.

Previous article‘લોકસંસાર’ના અહેવાલનો પડઘો : હાઈ-વે પર જીવલેણ ખાડા પુરાયા
Next articleભાવનગર રેલ્વે સ્ટેશનનું ૧૦ કરોડના ખર્ચે આધુનિકરણ કરાશે