નેત્રહીન વિદ્યાર્થીઓના પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે વિશિષ્ટ પ્રદર્શનની ૭પ૦૦ લોકોએ મુલાકાત લીધી

821

કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પ્રજ્ઞાપંથી અવાજનાં અજવાળે- વિશિષ્ટ પ્રદર્શન’નું આયોજન તા. ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન કરવામાં આવેલ. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરતા આ પ્રદર્શનમાં ૧૨૨ થી વધુ શાળા-કૉલેજોનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો અને સેંકડોની સંખ્યામાં નગરજનોએ મુલાકાત લઇ અવાજની દુનિયામાં ડોક્યું કરી નેત્રહીનોનાં જીવન વિષે જાણ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે  આ ત્રણ દિવસો દરમિયાન કુલ  શાળાઓ-કોલેજો, શિક્ષકો, નાગરિકો,  ઉદ્યોગપતિઓ,  અને શહેરના અગ્રણી નામાંકિત વ્યક્તિઓ સહિત કોલ ૭૫૦૦થી વધારે મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.  જે વર્ષ ૨૦૧૨થી  અલગ-અલગ શીર્ષક હેઠળ યોજાતા આવા પ્રદર્શનોની સફળતા દર્શાવે છે. આવા પ્રદર્શનથી સામાન્ય લોકોમાં સામાજિક વૈચારિક ક્રાંતિ આવી છે તેઓ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની ક્ષમતા પર વિશ્વાસ મૂકી કોઈપણ કાર્યમાં સહયોગ આપવા તૈયાર રહે છે તેમજ  તેમને આગળ આવવા પ્રોત્સાહિત કરે છે. પ્રદર્શનમાં મુલાકાતે આવેલ નાના-નાના ભૂલકાઓ પણ પ્રદર્શન નિહાળી ખૂબ જ આશ્ચર્યચકિત થયા હતા. આવા ભૂલકાઓમાં બાળપણથી જ સંવેદનાના સંસ્કાર આ પ્રદર્શન દ્વારા સિંચાયા છે. લાભુભાઈએ પ્રદર્શનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવનાર તમામ વિશિષ્ટ શિક્ષકો, કાર્યકરો, મુલાકાતીઓ, સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વિશિષ્ટ પ્રદર્શનમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા વિવિધ ૧૭ ઝોન ઊભા કરી પ્રજ્ઞાચક્ષુ બાળકોને અપાતા સ્પેશ્યલ એજ્યુકેશનની વિવિધ પધ્ધતિઓ, સંગીતની તાલીમ, વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, કૉમ્પ્યૂટરનો ઉપયોગ, વિશિષ્ટ આધુનિક ઉપકરણોનો ઉપયોગ, ઇલેક્ટ્રિક મોટર રિવાઈન્ડીંગ, પ્રજ્ઞાચક્ષુ ગૃહિણીઓ માટેની હૉમ સાયન્સની પ્રવૃત્તિઓ, સંપૂર્ણ અંધ અને અલ્પ દૃષ્ટિ ધરાવતા વ્યક્તિઓની માનસિક સ્થિતિનો અનુભવ કરાવતો અલ્ટ્રા-વાયોલેટ ઝૉન, વિવિધ ગૃહ ઉદ્યોગોની બનાવટ અને રમત-ગમત જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ મુલાકાતીઓએ નિહાળી હતી.

Previous articleઆજરોજ ભાવનગર પધારતા પરમ પૂજય મહંતસ્વામી મહારાજ
Next articleસરદાર પટેલનું અપમાન કરનાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરૂધ્ધ શહેર ભાજપના સુત્રોચ્ચાર