સ્વાઈન ફ્લુના રોગચાળા સંદર્ભે મૃત્યુનું પ્રમાણ ઘટ્યું પરંતુ નવા દર્દીઓની સંખ્યામાં વધારો

1435

ગંભીર રોગ સ્વાઈન ફ્લુને લઈને મોતને ભેટનારાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે પરંતુ દરરોજ નવા દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત પાડોશી જિલ્લા બોટાદ પંથકમાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરાની તલવાર તોળાઈ રહી છે. સ્વાઈન ફ્લુ નામનો ગંભીર અને જીવલેણ વ્યાધીને લઈને આ સિઝનમાં પ વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાઈ ચુક્યા છે તથા ર૦થી વધુ વ્યક્તિઓ આ રોગની ઝપટે ચડ્યા હતા. જે પૈકી ૧પ વ્યક્તિઓ આજે પણ સઘન સારવાર લઈ રહ્યાં છે તથા થોડા દિવસ પૂર્વે ર વ્યક્તિઓ તથા ગઈકાલે ૩ વ્યક્તિઓ અદ્યતન સારવારના અંતે સ્વસ્થ તથા ભયમુક્ત જાહેર કરવામાં આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આયુર્વેદ-દેશી નુસ્ખાની ડીમાંડ વધી

સ્વાઈન ફ્લુથી બચવા માટે તથા પોતાના આરોગ્યને લઈને લોકો સ્વયંભુ સભાન બની રહ્યાં છે. સામાન્ય ફ્લુ તથા શારીરિક નાદુરસ્તી સંદર્ભે લોકો દેશી ઓસડીયા, ઉકાળો તથા સૂંઠ, પીપરીમુળ, કપુર, કપુર કાચલી, કરીયાતુ, મરી, તઝ, લવીંગનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. આ ઓસડીયા અકસીર ઈલાજ સાબીત થઈ રહ્યાં છે. એક સમયે લોક માનસ પટ પરથી વિસરાઈ જવાની અણીએ આવેલ આયુર્વેદ હાલ લોકો માટે હાથવગુ ઉપચાર માધ્યમ બની રહ્યું છે.

આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું

સર્વત્ર સ્વાઈન ફ્લુનો વ્યાપ વધતા સાથે શહેર-જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર સ્વાસ્થ્ય અને સ્વાઈન ફ્લુનો પેસારો અટકાવવા માટે વિશેષ પગલાઓ લીધા છે. ગ્રામ્ય કક્ષાએ લોકજાગૃતિ તથા સ્વચ્છતા સહિતની બાબતો અંગે ભાર મુકવામાં આવી રહ્યો છે તેમજ ગામડાઓમાં મેડીકલ વિભાગની ટીમો દ્વારા સર્વે હાથ ધરી લોકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.

Previous articleઘોઘાની દંગાપરા પ્રા.શાળામાં જિલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લુ મુકાયું
Next articleસગીરા પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ