રોહિત શર્મા વન ડે રેન્કિંગમાં બીજા નંબર પર

928

ટીમ ઈન્ડિયાને સાતમી વખત એશિયા કપ વિજેતા બનાવવામાં બંને ઓપનર્સ શિખર ધવન અને કેપ્ટન રોહિત શર્માનો મહત્વનો ફાળો હતો. એશિયા કપમાં આ બંનેએ શાનદાર બેટિંગ કરી હોવા છતાં તેમનો વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ એશિયા કપના પ્રદર્શનના કારણે બંનેના આઈસીસી વનડે રેન્કિંગમાં સુધારો થયો છે.

રોહિત શર્માએ એશિયા કપની ૫ મેચમાં ૧૦૫.૬૬ની સરેરાશથી ૩૧૭ રન ફટકાર્યા હતા. જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થતો હતો. રોહિત શર્માના આ પ્રદર્શનની અસર આઈસીસી વન ડે રેન્કિંગમાં પણ જોવા મળી. રોહિત શર્મા ૮૪૨ પોઇન્ટ સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. એશિયા કપ પહેલા તે ચોથા નંબર પર હતો.

રોહિત શર્માની સાથે શિખર ધવનના રેન્કિંગમાં પણ ૪ ક્રમનો સુધારો થયો છે. એશિયા કપ પહેલા ધવન ૯માં નંબર પર હતો, જે નવા રેન્કિંગ મુજબ પાંચમાં નંબર પર આવી ગયો છે. શિખર ધવને એશિયા કપની ૫ ઈનિંગમાં બે સદીની મદદથી ૩૪૨ રન બનાવ્યા હતા.

એશિયા કપની છ મેચમાં ૧૦ વિકેટ ઝડપનારો સ્પિનર કુલદીપ યાદવ ૭૦૦ પોઈન્ટ સાથે વન ડે કરિયરના સર્વશ્રેષ્ઠ ક્રમાંક ૩ પર પહોંચી ગયો છે. બુમરાહે બોલર્સન યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. એશિયા કપમાં ન રમ્યો હોવા છતાં ભારતનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ૮૮૪ પોઇન્ટ સાથે પ્રથમ નંબર પર છે.

Previous articleબ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટેનાં શૂટમાં ટૉપલેસ થઇ સેરેના
Next articleગાંધીનગર જિલ્લાનાં પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું