દહેગામમાં હાઉસિંગ વસાહત તેમજ આરોગ્ય કચેરી નજીક ગંદકીના ઢગ

897

દહેગામમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ અંતર્ગત શહેરમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. પરંતુ શહેરના વોર્ડ નંબર ૫માં આવેલો ગુજરાત હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી ગંદકીમાં ખદબદી રહ્યો છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા યોગ્ય સફાઇ ન કરાતાં દિન પ્રતિદિન ગંદકીમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ શહેરના વોર્ડ નંબર ૩માં આવેલી તાલુકા આરોગ્ય કચેરી પાસે પણ ગંદકીનું સામ્રાજ્ય છવાયુ છે જેના કારણે ભારે રોષ ફેલાઈ જવા પામ્યો છે.

હાઉસિંગ બોર્ડના રહિશો અને ગ્રામગૃહ નિર્માણ બોર્ડની શાળાના આચાર્ય દ્વારા ગંદકી દૂર કરવા પાલિકાને રજૂઆત કરવા છતાં ગંદકી દૂર કરાઇ નથી. જેના કારણે રહિશોમાં નારાજગી પ્રવર્તિ રહી છે. દહેગામના વોર્ડ નં.૫માં સમાવિષ્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયુ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચારસો મકાનો છે. તે સ્થળે ગ્રામગૃહ નિર્માણ બોર્ડની એક શાળા તેમજ તેની બાજુમાં જ આંગણવાડી આવેલી છે.

આ વિસ્તારમાં સફાઇ કામગીરી કરવામાં આવતી હોવાનું સ્થાનિક રહિશ ધવલ પંડયાએ જણાવ્યુ હતુ. ગુજરાત હાઉસિંગ બોર્ડની શાળા પાસે ગંદકી હોઈ શાળામાં અભ્યાસ કરતા બાળકોને તેમાં થઇને જ આવવા જવાની ફરજ પડે છે. મચ્છરોના ઉપદ્રવના કારણે ડેંગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ વિસ્તારની સફાઇ માટે શાળાના આચાર્ય દ્વારા પાલિકાને રજૂઆત થઈ હોવા છતાં પરિણામ ન મળ્યુ હોવાનું જણાવ્યુ હતુ. શહેરના વોર્ડ નંબર ૩ની તાલુકા આરોગ્ય કચેરી પાસે પણ કચરા અને ગંદકી ફેલાઈ છે. તેની સફાઇ માટે પાલિકા વિપક્ષના નેતા અબ્દુલ રજ્જાક પઠાણે રજૂઆત કરી છે.

Previous articleકિન્નરો વચ્ચે મારા-મારીનો વિડિયો વાયરલ
Next articleભારતીય જનતા પાર્ટી ગાંધીનગરની કારોબારી યોજાઇ