સંવેદના આમ તો ખરીદી શકાય તેવી સંપતિ નથી તેથી તેનું મુલ્ય આર્થિક રીતે આંકી શકાય નહી…

1428

સૌરાષ્ટ્રનું જેને પાટનગર કહી શકાય એવા રાજકોટ શહેરની સૌ કોઈના હૃદયને સ્પર્શી જાય એવી આ વાત છે. રાજકોટના નર્સિંગહૉમમાં ૨૩ ફેબ્રુઆરી ૨૦૦૨ ના રોજ એક પડકારરૂપ બાળકનો જન્મ થાય છે. જોકે પ્રારંભમાં પુત્રજન્મની ખુશી પરિવાર અનુભવે છે પરંતુ તબીબી અભિપ્રાય, બાળકના ઝીણવટપૂર્વકના નિરીક્ષણ બાદ સૌ કોઈને ખ્યાલ આવે છે કે આ બાળક તદ્દન અસામાન્ય છે. હોઠ, તાળવું, નાક અને દૃષ્ટિશક્તિથી વિમુખ એવું આ બાળક સાવ વિકલાંગ અને  કુટુંબને બોજારૂપ છે તેવું જોનારને લાગવા માંડે છે. પ્રસૂતાની સારસંભાળ અને બાળકની દેખભાળ માટે આવેલી બાળકની દાદીમા ફોન કરી પોતાના પતિ અને બાળકના દાદા કુંવરજીભાઈને નર્સિંગહૉમ તાબડતોબ બોલાવે છે. ડૉક્ટર સાથે પરિવારના સભ્યોનો સંવાદ અને પરામર્શ થાય છે. કોઈ ડૉક્ટર બોલી પણ ઊઠે છેઃ ‘આ બાળક તમારા પરિવાર માટે બોજારૂપ થશે તેથી તેને અત્યારથી જ પૉઇઝનનું ઇન્જેક્શન આપી કાયમના માટે શાંત કરી દેવું સલાહ ભર્યું છે’

કુંવરજીભાઇ કે જે આ બાળકના દાદા અને પરિવારના મોભી હતા, બોલી ઊઠે છેઃ ‘બાળક જેવું છે તેવું ઈશ્વરે આપેલું નજરાણું છે. તેને સાચવવાની યોગ્યતા અમારા પરિવારના સભ્યોમાં છે તેમ સમજી ઈશ્વરે આ પડકારરૂપ બાળકને અમારા ઘરે મોકલ્યું છે. જેનો ઉછેર કરવાની અમારી નૈતિક જવાબદારી છે અને અમે તે જવાબદારી નિભાવીશું. કુંવરજીભાઈ આ બાળકના ઉછેરના કામમાં તે જ દિવસથી લાગી જાય છે બાળકના દાદી અને કુંવરજીભાઈના પત્ની પણ તે કામમાં સાથ આપવા લાગે છે. તેના મમ્મી-પપ્પા અને કાકા-કાકી પણ આ ઉમદા કાર્યમાં હોંશે હોંશે જોડાય છે. સમયના વહેતા પ્રવાહ સાથે બાળકનો બૌદ્ધિક વિકાસ દિન-પ્રતિદિન થતો રહે છે. મહામહેનતે કોઈ એક શાળામાં ભણવા માટે પ્રવેશ પણ મળી જાય છે, પરંતુ કહેવાય છે ને કે મુસીબત આવે છે તે કોઈવાર બેવડાતી રહે છે. થોડા જ સમયમાં આ બાળક ભણતો હતો તે શાળા બંધ થઈ જાય છે. હવે નવી શાળાની શોધ કરવી કુંવરજીભાઇ માટે એટલા માટે અઘરી હતી કે આ પડકારરૂપ બાળકને જોઈને જ કોઈ શાળાના શિક્ષકો પ્રવેશ આપવા તૈયાર થાય તેમ ન હતા. શારીરિક રીતે અક્ષમ દેખાતું આ બાળક પહેલી જ નજરે બોજારૂપ હોવાની ચાડી કરતું હતું; તેથી કુંવરજીભાઇ માટે આ પ્રશ્ન પેચીદો બની ગયો હતો.

દરમિયાન એક શાળાના સંચાલક દિલીપ સિંહારનો ભેટો આ બાળક અને કુંવરજીભાઇ સાથે થાય છે. કુવરજીભાઈ પોતે આ બાળકના એક ઉત્તમ શિક્ષક હતા. તેમણે બાળકને વાર્તા, ઉપનિષદ, શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા અને ગીત સંગીત જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં મદદ કરી બાળકનું ઉત્તમ ઘડતર કરવા પ્રયત્ન શરૂ કર્યા હતા. તેથી દિલીપ સિંહાર સાથેની મુલાકાત સમયે બાળકને તેમના તરફથી પુછાયેલા સો જેટલા પ્રશ્નોના ઉત્તર પ્રશ્ન પૂર્ણ થાય તે પહેલાં જ બાળકે આપી સંચાલકનું દિલ જીતી લીધું અને એ રીતે તેમણે નવી શાળામાં પ્રવેશ મેળવ્યો. દરેક ધોરણમાં સામાન્ય બાળક કરતાં વધુ માર્ક મેળવી આ વિકલાંગ બાળક હંમેશા પ્રથમ ક્રમે રહેતું. તેથી શિક્ષકો અને સંચાલક માટે આ બાળક પ્રિય થઇ ગયું હતું. તેણે ઉત્તમ સંગીતની તાલીમ મેળવી ખ્યાતનામ કલાકારોને પાછળ છોડી દે તેવા અનેક કાર્યક્રમો આપ્યા. આ બધી અસાધારણ સિદ્ધિના કારણે ‘ઉત્તમ મારુ’ સૌ કોઈના માટે ઉત્તમ બાળક બની ગયો છે. ઉત્તમને ખ્યાતનામ કલાકારો, રાજકીય નેતાઓ મુલાકાત આપી ચૂક્યા છે. આ બધી સફળતા કુંવરજીભાઈ મારુની સાચી સંવેદનાના કારણે શક્ય બની છે.

આવી જ સંવેદના જગાડવા ‘પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે’ શીર્ષક તળે યોજાયેલા ત્રિદિવસીય વિશિષ્ટ પ્રદર્શનમાં મુલાકાતે આવેલી શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ પૈકી મુલાકાત લેનાર ભાવનગર શહેરની ચિત્રા જી.આઇ.ડી.સી ગુરુકુળ વિશે આ અંકમાં વાત કરવી છે. સંવેદના આમ તો ખરીદી શકાય તેવી સંપત્તિ નથી, તેથી તેનું મૂલ્ય આર્થિક રીતે આંકી શકાય નહીં. જેઓ વેદનાના પારખું અને સંસ્કારવિદ્યાના માહિર હોય છે તે જ આ સંપત્તિના માલિક બની શકે છે. આવા જ એક માલિક કે જેઓ ચિત્રા જી.આઇ.ડી.સી ગુરુકુળ પ્રાથમિક વિભાગના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા ઘનશ્યામભાઈ મેતલિયા કે જેઓ માત્ર શિક્ષણકાર્ય કરતાં નથી પરંતુ ઉત્તમ સમાજરચનાના સાચા રાહબર પણ છે. તા. ૨૭/૦૯/૨૦૧૮ નો આ દિવસ હતો. શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના કેમ્પસમાં યોજાયેલ વિશિષ્ટ પ્રદર્શનમાં શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઊમટી રહ્યા હતા. બપોરના લગભગ ૧૨ઃ૩૦ કલાકે ડાર્કકૉફી પેન્ટ અને આઇવરી બિસ્કિટ કલરમાં લાઈનવાળું શર્ટ પહેરેલા લગભગ ૬૦૦ વિદ્યાર્થીઓ એક પછી એક બસમાંથી ઊતરે છે. સ્વયમ શિસ્તમાં ચાલતા આ વિદ્યાર્થીઓમાં જાણે ભારોભાર સંવેદના અગાઉથી જ ધરબી દીધી હોય તે રીતે મક્કમ પગલે આગળ વધતા આ વિદ્યાર્થીઓને જોઈને સૌ કોઈ ને અનેરો આનંદ થાય. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા ઊભા કરાયેલ આ સત્તરેસત્તર ઝૉનની વિદ્યાર્થીઓ ક્રમબદ્ધ રીતે મુલાકાત લેતા આગળ વધતા જોવા એક મિનિટ પણ ગુમાવવી પરવડે નહીં તેવી આ ક્ષણ હતી. શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ મેતલિયા ધીરગંભીર રીતે તેનું નેતૃત્વ લઇ રહ્યા હતા અને વિદ્યાર્થીઓને કહેતા હતાઃ ‘તમારી પાસે બધા જ અંગો છે તેમ છતાં તમે લોકો એવું કરી શકતા નથી જ્યારે આમાના કેટલાય લોકો પાસે સૂર્યનો પ્રકાશ જોવાની પણ દ્રષ્ટિ નથી તેવા તમામ લોકો પોતપોતાની કેટલી સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે. કૉમ્પ્યૂટર, વિજ્ઞાનનાં પ્રયોગો, મોટર રિવાઈન્ડિંગ અને હૉમ સાયન્સ જેવી પ્રવૃત્તિઓ તો તમે જુઓ.’ અને હા ઉદ્યોગમાં પણ બાળકો કેવી સુંદર મજાની જુદી-જુદી ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે! તમને બધાને મજા આવે છે ને? આપણી શાળાનાં હજી ઘણા વિદ્યાર્થીઓ આ બધું જોવાથી વંચિત રહ્યા છે તે બધાને આવતી કાલે ફરી લાવવા છે ને? છસ્સોએ છસ્સો વિદ્યાર્થીઓ ગગનભેદી અવાજે બોલી ઊઠે છેઃ ‘હા-હા સર લાવવા જ જોઈએ.’ વિદ્યાર્થીઓના મળેલા ઉત્તર મુજબ તા. ૨૮/૦૯/૨૦૧૮ ના રોજ ફરી આ જ શાળાના બાકીના બીજા છસ્સો વિદ્યાર્થીઓ ગઈકાલની જેમ બરાબર ૧૨ઃ૩૦ કલાકે આવી પહોંચે છે. અગાઉનાં વિદ્યાર્થીઓની જેમ જ પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા ઊભા કરાયેલા તમામ ઝૉનની મુલાકાત વિદ્યાર્થીઓ લઇ સંગીતઝોનની સામે આવી બેસી જાય છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક રજૂ થતા ગીતો વિદ્યાર્થીઓ શાંત બેસી સાંભળવા લાગે છે. કોકિલકંઠી જ્યોતીષા પરમાર હાર્મોનિયમ, ઓર્ગન અને તબલાંના સંગાથે – ઓ મા તૂ કીતની પ્યારી હૈ… ગીત લલકારી બાળકોને મંત્રમુગ્ધ કરે છે. ટ્રેક પર પણ ફિલ્મી ગીતો સંભળાવી લતાજીની પ્રતીતિ કરાવી વાતાવરણ આહલાદક બનાવી દે છે. દરમિયાન સંસ્થાના સંચાલક સાથે ફોટોગ્રાફી કરવામાં આવે છે. ગીત-સંગીત શમતા અંધ ઉદ્યોગ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયા બાળકોને આવકારે છે. આવકાર પ્રવચન પૂર્ણ થતા ગુરુકુળ જી.આ.ઇ.ડી.સી. પ્રાથમિક વિભાગના આચાર્ય ઘનશ્યામભાઈ મેતલિયા બાળકોને સંબોધન કરતા કહે છે કે : ‘વિદ્યાર્થીમિત્રો, તમે આ શાળાના બાળકોની વિશિષ્ટ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓ જોઈ ને? તમને તે કેવી લાગી? આ બાળકો પણ તમારી જેમ વિજ્ઞાનના પ્રયોગો, કૉમ્પ્યૂટર અને બ્રેઇલલિપિની મદદથી પુસ્તકો વાંચે છે ને? બાળકો તમને કદાચ ખબર નહીં હોય આ શાળામાં ૧૫૦ થી વધુ બાળકો ભણે છે અને તેમાય ૧૦૦ બાળકોની વિદ્યાર્થી દીઠ રૂ. ૧૦૦૦ ની મર્યાદામાં રાજ્યના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત આપણી જેવી જુદી જુદી શાળાઓમાં જુદી-જુદી ખામી ધરાવતા ૩૦૦ થી વધુ બાળકો ભણી રહ્યા છે. તેના માટે લગભગ ૫૦ જેટલા શિક્ષકો શાળાએ રોક્યા છે. તેના શૈક્ષણિક સાધનો, શિક્ષકોની મીટિંગો, જરૂરી સ્ટેશનરી, પુસ્તકો આ બધો ખર્ચ સંસ્થા ઉઠાવે છે. અંધ ધ્વજદિન સપ્તાહ નિમિત્તે આપણી શાળાએ આવા બાળકોના વિકાસ માટે લગભગ ૧૨,૫૦૦/- જેવી રકમ એકત્રિત કરી આજે શાળામાં જમા કરાવી .છે જે આપણી શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ઘણી ઓછી ગણાય બરોબર ને બાળકો! બાળકો એકી અવાજે સૂર પુરાવે છે. ઘનશ્યામભાઈ આગળ ઉમેરે છેઃ ‘તો આપણે વધુ રકમ ભેગી કરીશું ને? તેમાં પણ વિદ્યાર્થીઓ હકારમાં સૂર પુરાવે છે. ખરેખર, ઘનશ્યામભાઈની સાચી  સંવેદના અને ઉત્તમ સમાજ રચના માટે તે વિદ્યાર્થીઓમાં વૈચારિક ક્રાંતિ લાવવા સાચી કેળવણીનું સિંચન થઈ રહ્યું છે તે અન્ય કોઈ વિદ્યાપીઠમાં થતું હશે કે કેમ? તે શોધવું રહ્યું. તેમણે માનવમંદિરને માન આપી વિદ્યાર્થીઓને ઉદાર હાથે ફાળો આપવા જે અપીલ કરી તે સૂચવે છે કે એક શિક્ષક શું કરી શકે છે! શિક્ષક ધારે તો સમાજને ધરમૂળથી પરિવર્તિત કરી શકે. સમાજને જોડવાનું સંવેદના જ કામ કરે છે. માટે જ આવી સંવેદના વિદ્યાર્થીકાળમાં જાગે તેવા ઉમદા હેતુસર વર્ષ ૨૦૧૨ થી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખાના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષે આ પ્રકારના વિશિષ્ટ પ્રદર્શનો જુદાં જુદાં શીર્ષક તળે યોજવામાં આવે છે. આ વખતના ‘પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે’ શીર્ષક તળે યોજાયેલ વિશિષ્ટ પ્રદર્શનમાં લગભગ ૧૨૦ થી વધુ શાળા-કૉલેજો અને સંસ્થાઓએ મુલાકાત લઈ અનેરો ઉત્સાહ વધાર્યો છે. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા વિદ્યાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુઓની સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓને બિરદાવી છે. વોટ્‌સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી તેને વિસ્તરી છે. જો આ રીતે આવી પ્રવૃત્તિને ટેકો મળતો રહેશે તો આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે પ્રજ્ઞાચક્ષુઓને નોકરી-ધંધા અને સામાજિક ક્ષેત્રે યોગ્ય તક મળશે અને તેઓ પણ સામાન્ય વ્યક્તિની જેમ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઆરક્ષણ પ્રથા સમાજના મૂળભૂત માળખા માટે યોગ્ય નથી : શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી