શેરબજાર કડડભુસ : સેંસેક્સમાં ૮૦૬ પોઇન્ટનો વિક્રમી ઘટાડો

846

શેરબજાર આજે સતત બીજા દિવસે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. દલાલ સ્ટ્રીટ જુદા જુદા પરિબળોના કારણે હચમચી ઉઠતા કોર્પોરેટ જગતમાં પણ તેની ચર્ચા જોવા મળી હતી. આજે કારોબારની શરૂઆત થયા બાદથી સેંસેક્સ ૮૦૬ પોઇન્ટનો રેકોર્ડ કડાકો બોલી ગયો હતો. જેથી તેની સપાટી ૩૫૧૬૯ રહી હી. નિફ્ટી ૨૫૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૯૯ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં છેલ્લા બે દિવસના ગાળામાં ૧૩૫૭ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. જ્યારે નિફ્ટીમાં છેલ્લા બે દિવસના ગાળામાં જ ૪૦૯ પોઇન્ટનો મોટો ઘટાડો થઇ ચુક્યો છે.  બજારમાં કોહરામની અસરનો અંદાજ એ બાબતથી લગાવી શકાય છે કે સેંસેક્સના ૩૧ શેર પૈકી છ શેર જ તેજીમાં રહ્યા હતા. બાકીના ૨૫ શેર નબળાઇમાં રહ્યા હતા. બીજી બાજુ નિફ્ટી પર પણ ૩૯ શેરમાં ઘટાડો રહ્યો હતો. જ્યારે ૧૧ શેરમાં તેજી રહી હતી. નાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ૨.૫૦ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો જાહેર કરતા તેની અસર બજારમાં જોવા મળી હતી. નિફ્ટી પર હિન્દુસ્તાન પેટ્રોલિયમની કિંમતમાં ૨૨.૪૪ ટકાનો ઘટાડો થયો હતો. બીપીસીએલના શેરમાં ૧૮.૮૮ ટકા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના શેરમાં ૧૮.૨૪ ટકાનો ઘટાડો થયો હતો. આવી જ રીતે ઓએનજીસીના શેરમાં ૯.૯૮ ટકા અને રિલાયન્સના શેરમાં ૮.૦૨ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો.

સેંસેક્સના જે શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો તેમાં રિલાયન્સમાં ૭.૦૩ ટકા, હિરો મોટો કોર્પમાં ૫.૪૫ ટકાનો , ટીસીએસના શેરમાં ૪.૫૪ ટકાનો ઘટાડો થયો હતો. આજે કારોબારની શરૂઆત થયા બાદથી તરત જ અફડાતફડી જોવા મળી હતી. કારોબારની શરૂઆત થયા બાદ મિનિટોના ગાળામાં જ સેંસેક્સમાં ૬૦૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો. બજાર સાથે જોડાયેલા નિષ્ણાંતો માની રહ્યા છે કે આવતીકાલે આરબીઆઇની પોલીસી સમીક્ષાના બેઠકના પરિણામ આવ્યા બાદ દલાલ સ્ટ્રીટની દિશા નક્કી થશે.શેરબજાર આજે સતત બીજા દિવસે પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. શેરબજારમાં ગઇકાલે બુધવારના દિવસે પણ આવી જ અભૂતપૂર્વ અફડાતફડી જોવા મળી હતી. ઇરાન ઉપર અમેરિકાએ પ્રતિબંધ મુક્યા બાદ ક્રૂડની કિંમતના ભાવ ઝડપથી વધી રહ્યા છે. શેરબજારમાં આજે ફરી એકવાર હાહાકારની સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ બુધવારના દિવસે  ૫૫૧ પોઇન્ટ ઘટીને ૩૫૯૭૬ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૧૫૦ પોઇન્ટ ઘટીને ૧૦૮૫૮ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટીએ ૧૧ હજારની સપાટી કુદાવી દીધી હતી.ફેબ્રુઆરી ૨૦૧૬ બાદથી દલાલસ્ટ્રીટ માટે સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સૌથી ખરાબ રહી હતી. આ ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૪૧૮ પોઇન્ટનો ઘટાડો થયો હતો. અથવા તો ૬.૨૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો. નિફ્ટીમાં ૭૫૦ પોઇન્ટ અથવા તો ૬.૪૨ ટકાનો ઘટાડો થયો હતો. ભારતની સર્વિસ સેક્ટરની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં જુલાઈની સરખામણીમાં ધીમી રહી છે. જુલાઈ મહિનામાં ૨૧ મહિનાની ઉંચી સપાટી જોવા મળી હતી. આજે ભારે અફડાતફડીનો દોર જારી રહ્યો હતો. ઓઇલ કંપનીઓના શેરમાં પણ ૨૨ ટકા સુધીનો ઘટાડો થયો હતો. આઈટી, હેલ્થકેર, એફએમસીજી, ટેલિકોમ ઇન્ડેક્સમાં ૧.૫૦ અને ૩.૫૦ ટકાનો ઘટાડો રહ્યો હતો. અન્ય સેક્ટરલ ઇન્ડેક્સમાં પણ મંદી રહી હતી. જો કે, પવનની બિલકુલ વિરુદ્ધમાં આજે જે શેરમાં તેજી રહી હતી તેમાં ભારતી ઇન્ફ્રાટેલ, અલ્ટ્રા સિમેન્ટ, એક્સિસ બેંક, એલએન્ડટીનો સમાવેશ થાય છે. આ તમામમાં ૧થી ૪ ટકા વચ્ચેનો ઉછાળો નોંધાયો હતો.

Previous articleશિવભક્તિ બાદ દુર્ગાપૂજાના કાર્યક્રમમાં રાહુલ ભાગ લેશે
Next articleલોકોને રાહત : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલો નોંધપાત્ર ઘટાડો