લોકોને રાહત : પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલો નોંધપાત્ર ઘટાડો

829

પેટ્રોલ ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવાની નાણામંત્રી અરુણ જેટલીએ જાહેરાત કર્યા બાદ તરત જ ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં તેમના દ્વારા પણ ઘટાડાની શરૂઆત કરી દેવામાં આવી હતી. નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્ય સરકારોને પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવા માટે કહ્યું હતું. નાણામંત્રીએ રાજ્યોને પણ આટલી જ કિંમતમાં ઘટાડો કરવા અપીલ કર્યા બાદ ભાજપ શાસિત રાજ્યોમાં તાત્કાલિક ઘટાડાનો દોર શરૂ થયો હતો. સામાન્ય લોકોને તીવ્ર મોંઘવારી વચ્ચે પાંચ રૂપિયાની રાહ મળે તે હેતુસર આ અપીલ કરવામાં આવી હતી. નાણામંત્રીએ કાપ મુક્યા બાદ એક્સાઇઝ રેવન્યુમાં આ વર્ષે ૧૦૫૦૦ કરોડ રૂપિયાની અસર પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પણ એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેટલીએ આજે આંતર મંત્રાલયની બેઠક બાદ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેટલીએ કહ્યું હતું કે, અમેરિકાએ વ્યાજદરમાં વધારો કર્યો છે જેની સીધી અસર જોવા મળી રહી છે. બજાર અને કરન્સી બજારમાં ઉથલપાથલ ચાલી રહી છે. કેટલાક પગલા પહેલાથી જ લેવામાં આવી ચુક્યા છે. આઈએલએન્ડએફએસના બોર્ડમાં ફેરફાર કર્યા છે. આયાત પર અંકુશ મુકવા માટે પણ અનેક પગલા લેવામાં આવ્યા છે. મોંઘવારી અંકુશમાં છે. મોંઘવારી ચાર ટકાથી પણ નીચી સપાટીએ પહોંચી છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીડીપી ૮.૨ ટકાના દરે વધ્યો છે. આ પહેલા નાણામંત્રી અરુણ જેટલીએ પેટ્રોલિયમ સચિવ સાથે વાતચીત કરી હતી. પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોથી ચિંતાતુર બનેલી સરકારે અર્થવ્યવસ્થા પર પડનાર પ્રતિકુળ અસરને રોકવા માટે વિચારણા હાથ ધરી છે. આજે સાંજે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે જેટલીએ વાતચીત કરી હતી. પેટ્રોલ ડીઝલની કિંમતમાં અગાઉ આજે સવારે વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ સવારે ૧૫ અને ૨૦ પૈસાનો વધારો કરાયો હતો.
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલમાં અવિરત વધારાના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બનેલી હતી. રવિ પાક ઉપર આની સીધી અસર પડવાની શક્યતા દેખાઈ રહી છે. ડીઝલ હજુ પણ રેકોર્ડ સ્તર પર છે. કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે ઉપયોગ ડિઝલનો કરવામાં આવે છે. ટ્રેક્ટરથી લઇને પંપસેટ તમામમાં ડીઝલનો ઉપયોગ કરવામાં આવે છે. ડીઝલની કિંમત વધવાથી આ તમામ ઉપર સીધી અસર થાય તેમ છે. ખેડૂતો ઉપર તેની માઠી અસર થઇ શકે છે. આજે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો કર્યા બાદ અને રાજ્યોને પણ અપીલ કર્યા બાદ ભાજપ શાસિત રાજ્યોએ ઘટાડાની શરૂઆત કરી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત છત્તીસગઢ, ત્રિપુરા અને ઝારખંડ, આસામ અને અન્ય રાજ્યોએ પણ ઘટાડો કરવાની શરૂઆત કરી હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે પણ તાત્કાલિક ઘટાડો કર્યો હતો. મહારાષ્ટ્રમાં પણ તરત ઘટાડો કરાયો હતો. અત્રે નોંધનીય છે કે, ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ હતું. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ દેખાઈ રહ્યા હતા. અર્થશાસ્ત્રીઓ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ માની રહ્યા હતા કે, આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજોની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આનાકારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે.

Previous articleશેરબજાર કડડભુસ : સેંસેક્સમાં ૮૦૬ પોઇન્ટનો વિક્રમી ઘટાડો
Next articleધારાસભ્ય મારૂ દ્વારા ખેડુતોના પ્રશ્ને કાનપર ગામે રસ્તા રોકો આંદોલન