માતા વૈષ્ણોદેવી સર્વાધિક સ્વચ્છ ધાર્મિક સ્થળ જાહેર

970

જમ્મુ નજીક કટરા સ્થિત વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી માતા વૈષ્ણોદેવીને સૌથી સ્વચ્છ ધાર્મિક સ્થળ માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મુંબઇમાં ગાંધીજયંતી પર સફાઇગીરી એવોર્ડના કાર્યક્રમમાં જમ્મુના આ સુપ્રસિદ્ધ સ્થળને સર્વાધિક સ્વચ્છ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું.

કેેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઇઓ ધીરજ ગુપ્તાને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર વડા પ્રધાન કાર્યાલયમાં કામ કરતા રાજ્યપ્રધાન ડો.જિતેન્દ્રસિંહના ઉધમપુર-ડોડા સંસદીય મતક્ષેત્રમાં આવે છે. તેમણે સોશિયલ સાઇટ ટિ્‌વટર પર શ્રી માતા વૈષ્ણોદેવી ધાર્મિક સ્થળને આ સ્વચ્છતા પારિતોષિક મળવાની પ્રશંસા કરી હતી.

ડો.જિતેન્દ્રસિંહે શ્રી માતા વૈષ્ણોદેવી ધાર્મિક સ્થળને મળેલા સ્વચ્છતાના પુરસ્કારની પ્રશંસા કરવા ઉપરાંત અંકુશરેખાની જેમ આંતરરાષ્ટ્રીય સરહદ પર વસતા લાખો લોકોને અનામત આપવાની મંજૂરી આપવાના નિર્ણયની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયને પગલે મારા સંસદીય ક્ષેત્ર કઠુઆમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા ૩૦૦ ગામમાં વસતા ત્રણ લાખ લોકોને ફાયદો થશે. આ નિર્ણયથી તેમની સાથેના ભેદભાવનું પ્રકરણ હવે સમાપ્ત થઇ ગયું છે.

Previous articleનરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા ૧૦ દિવસીય મહાયજ્ઞ..!!
Next articleવિજ્ઞાનીઓને સૌરમંડળની બહાર પહેલો ચંદ્ર મળ્યો