રાફેલ ડીલમાં સીબીઆઈની તપાસ માટે પ્રશાંત ભૂષણ અને અરુણ શૌરીની માગ

688

રાફેલ ફાઇટર વિમાન ડીલની તપાસ માટે જાણીતા સિનિયર એડ્‌વોકેટ પ્રશાંત ભૂષણ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરીએ સીબીઆઇ સમક્ષ રાફેલ ડીલની તપાસની માગણી કરી છે.

પ્રશાંત ભૂષણ અને અરુણ શૌરીએ સીબીઆઇના ડાયરેકટર આલોક વર્મા સાથે મુલાકાત કરી હતી અને રાફેલ ફાઇટર વિમાન ડીલ સાથે સંકળાયેલ ઓફસેટ કોન્ટ્રાકટમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માગણી કરી છે.

પ્રશાંત ભૂષણ અને અરુણ શૌરીએ ભ્રષ્ટાચાર અટકાયત કાયદા હેઠળ સીબીઆઇ સમક્ષ વિસ્તૃત ફરિયાદ સાથે તપાસની જરૂરિયાતની તરફેણમાં જરૂરી દસ્તાવેજો સીબીઆઇને સુપરત કર્યા હતા.

આ ઉપરાંત કોંગ્રેસ નેતાઓએ રાફેલ ડીલમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ)ની મુલાકાત લીધી હતી અને રાફેલ ડીલનું ઓડિટ કરવા માટેની માગણી રજૂ કરી હતી. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશ અને આનંદ શર્માની આગેવાનીમાં પક્ષના પ્રતિનિધિઓએ કેગની મુલાકાત લઇને આ સમગ્ર મામલાનું ફોરેન્સિક ઓડિટ કરાવવાની પોતાની માગણીને લગતા દસ્તાવેજો સુપરત કર્યા હતા. કેગ સાથે મુલાકાત બાદ આનંદ શર્માએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના આગેવાનો રાફેલ ડીલ અંગે નવી માહિતી અનેે ખુલાસા સાથે કેગને મળ્યા હતા.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ મામલામાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાના છે. કોંગ્રેસે આ અગાઉ ૧૯ સપ્ટેમ્બરે પણ આ મુદે કેગની મુલાકાત લીધી હતી. રાફેલ ડીલની તપાસ કરાવવાને મામલે કોંગ્રેસે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનનો પણ સંપર્ક કર્યો હતો અને આ સંદર્ભમાં એફઆઇઆર દાખલ કરાવી હતી.

 

Previous articleદેશની આઝાદી માટે ભાજપ-આરએસએસ એ  બલિદાન આપ્યુ નથીઃ ખડગે
Next articleરાજકોટ ટેસ્ટ : ભારતના નવ વિકેટે ૬૪૯, કોહલી છવાયો