જગતમાં જેટલું સંપત્તિનું મૂલ્ય છે  તેનાથી વધુ મૂલ્ય સાચી સંવેદનાનું હોવું જોઈએ

0
853

ગગનભેદી ઈમારતની સાતમી મંજિલ પર સોનાની ખાટ અને ચાંદીનાં સળિયે હીરામાણેકથી શોભતો હીંચકો ચાલે છે. હીંચકા પર દેવી લક્ષ્મીજી અને ખુદ પરમકૃપાળુ પરમેશ્વર વિષ્ણુ ભગવાન ઝૂલી રહ્યા છે. નવા વરઘોડિયાની માફક આજે જાણે બંને માટે  નિરાંતનો દિવસ ઉગ્યો હોય તેમ પરસ્પર મીઠો ખ્તટ્ઠેસિપ્તરંગી સંવાદ છેડાઈ રહ્યો છે. દેવી લક્ષ્મીજી એકાએક પ્રશ્ન પૂછે છેઃ ‘પ્રભુ, તમારી બનાવેલી સુંદર મજાની સૃષ્ટિમાં અસમાનતા શાં માટે?’ વિષ્ણુ ભગવાન ખડખડાટ હસી પડે છે અને બોલી ઊઠે છે : ‘દેવી એટલી સહેલી વાત તમે કેમ સમજી શકતા નથી? આકાશગંગાના પ્રત્યેક ગ્રહો, ઉપગ્રહો અને તારાઓ એકમેકના પરિપ્રેક્ષ્યમાં ગતિ કરી રહ્યા છે જે રીતે રસ્તા પર મુસાફર આગળ વધે છે તેમ આકાશગંગાના આ માર્ગમાં આ બધા આગળ ને આગળ ગતિ કરવા મથતાં રહે છે અથવા એમ કહો કે ઘૂમતા રહે છે. દરેક આગળ વધતા ગ્રહો, ઉપગ્રહો, તારાઓ કે ધૂમકેતુઓ પણ જે માર્ગ પરથી પસાર થતા રહે છે તે માર્ગમાં કાં તો અંતરાયો કે સરળતા આવતા જ હોય છે. જે રીતે સ્પર્ધક વિઘ્નદોડ સ્પર્ધામાં રાખવામાં આવેલી આડાશો પાર કરી આગળ વધી જાય છે તે જ રીતે આગળ વધવાની ઈચ્છા ધરાવનાર દરેકે વર્તવું રહ્યું. જે રીતે રાત પછી દિવસ, દુઃખ પછી સુખ, ગરમી પછી ઠંડી, અનાવૃષ્ટિ પછી વૃષ્ટિનો લાભ સૃષ્ટિને મળતો રહે છે. તેવી જ રીતે જે  જીવ અન્યના કલ્યાણ માટે કાર્યરત રહે છે તેવા પ્રત્યેક જીવ સુખરૂપી સંપત્તિને પામે છે. જે રીતે શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યા બાદ વિદ્યાર્થીઓ શું શીખ્યા છે તે જાણવા તેની કસોટી કરે છે. તેને પ્રશ્નો પૂછે છે. તેવી જ રીતે સૃષ્ટિ પર અવતાર ધારણ કરનાર પ્રત્યેક જીવની ગતિનું મૂલ્યાંકન કરી તેના આધારે સૃષ્ટિમાં અવતાર ધારણ કરનાર પ્રત્યેક જીવને સુખ કે દુઃખ આપી તેમનો ભાવિ કાર્યક્રમ ઘડી શકે તેવા હેતુથી સૃષ્ટિમાં અસમાનતા જોવા મળે છે. બધું જ બરાબર હોય તો તે તંત્ર ચાલી શકે જ નહીં. સમુદ્રમાં જ્યારે હળવું દબાણ સર્જાય છે ત્યારે જ વરસાદ માટેનું યોગ્ય વાતાવરણ ઊભું થાય છે. ખેતરમાં વાવેલા પ્રત્યેક કણ માત્ર વરસાદથી જ વિકાસ પામતા નથી પરંતુ તેને પણ સૂર્યની કઠોરતાની જરૂર પડે છે. જ્યાં સૂર્યના કિરણો પહોંચતા નથી ત્યાં વનસ્પતિનાં છોડ, ફૂલઝાડ કે અનાજ જેવા પાક લઇ શકાતા નથી. તમે જે સૃષ્ટિમાં જુઓ છો તે જ આપણું જીવ સૃષ્ટિનું સંસારરૂપી ખેતર છે. જેમાં જીવતા અને વિકાસ પામતા પ્રત્યેક  જીવ આપણું ખરું ઉત્પાદન છે. અસમનતાના કારણે જીવો-જીવો વચ્ચે સંવેદનાનો સેતુ રચાય છે. એમ કહો કે આવા સેતુ માટે બળવાન  જીવોને નબળા જીવો સાથે જોડવા હું પોતે પ્રેરણા બની એના અંતરની યાત્રા કરું છું અને એ રીતે સંસારના પ્રત્યેક જીવો વચ્ચે સંવેદનાનો સેતુ જોડાતો રહે છે. બીજી રીતે કહુ તો બેલેન્સ માટે બન્ને પલ્લાં સરખાં થાય ત્યારે યોગ્ય મૂલ્ય પ્રાપ્ત થાય છે.  જે રીતે વેપારી એક ત્રાજવામાં ગ્રાહકે માંગેલી વસ્તુ મૂકે છે અને બીજા ત્રાજવામાં વજનિયું મૂકે છે. બંનેનું વજન સમાન થાય ત્યારે જ વેપારી ગ્રાહક પાસેથી તેની કિંમત વસૂલ કરી શકે છે. આવું જ આ સંસાર રૂપી સૃષ્ટિમાં ચાલે છે. અસમાન પલ્લામાં એક બાજુ પીડિત, દુઃખી કે પડકારરૂપ વ્યક્તિઓ સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સંસારમાં જેને શોભારૂપ પદ ઈશ્વર દ્વારા મળેલી મૂલ્યવાન શક્તિનાં કારણે મળ્યું છે તેવા સમાજનાં જે વજનિયા કહેવાય છે. તેમને બેલેન્સ કરવાનો મેં પોતે પડકાર આપ્યો છે. જેઓ આ પડકાર ઝીલી શકે છે. તે જ જીવનનું ખરું મૂલ્ય પામી શકે છે.

જે જીવ બીજાના કલ્યાણ માટે ઉપયોગી કે નિરુપયોગી બાબત જોયા વિના આ માર્ગમાં યત્કિંચિત યાત્રા કરવા યત્ન કરે છે તે જ જીવ મોક્ષરૂપી ધામને પામે છે. આનાથી ઊલટું જે જીવ તેનાથી નબળા જીવને ઉતરતો સમજી તેના અસ્તિત્વને ભૂંસી નાખવા હંમેશા રચ્યો-પચ્યો રહે છે. તે જીવ આ સંસાર પર હંમેશા યાત્રા કરતો જ રહે છે. ઉપયોગી કે નિરુપયોગી બાબત પર જે સમભાવ રાખે છે, તે ખરો યોગી છે. આ સૃષ્ટિ પર તમે જે અસમાનતા જુઓ છો તે જ મારી ખરી લીલા છે. પરંતુ જે તમને સમાન લાગે છે, સરળ લાગે છે. તે ખરેખર ખતરાની ઘંટડી છે. જો કે આ બધી વાત તમને અત્યારે નહીં સમજાય. પરંતુ સંસારના જીવોનું મહાસંમેલન અંતિમ કસોટી માટે જ્યારે આપણે બોલાવશું ને ત્યારે દરેક જીવના સ્વમુખે તમને આ બધું જાણવા મળશે.

મારે આ સંસારરૂપી સૃષ્ટિમાં પૃથ્વીગ્રહ પર આવેલા એશિયા ખંડના ભારત દેશના ગુજરાત રાજ્યના દાહોદ વિસ્તારની એક વાત કરવી છે. રાજુ નામનો એક નેત્રહીન વ્યક્તિ કે જે પોતાની જીવનયાત્રા આગળ ધપાવી રહ્યો છે. થોડા સમય પહેલા તેના માતા-પિતા મૃત્યુ પામ્યાં. આ છોકરાનો પિતાનો નાનો ભાઈ એટલે રાજુનાં કાકા મોટાભાઈની ગેરહાજરીમાં રાજુની બધી સંપત્તિ હડપ કરી જાય છે. હવે રાજુ રસ્તા પર આવી જાય છે.તે એક મંદિરથી બીજા મંદિરની યાત્રા કરવા લાગે છે. આમ ફરતા-ફરતા તે રંઘોળાનાં ભવનાથ મહાદેવનાં મંદિરે આવી પહોંચે છે. ત્યાં શાળાના શિક્ષકો અને ક્લાર્ક રસિકભાઈ મેંદપરાના પરિચયમાં તે આવે છે. સંવેદનશીલ સ્ટાફ રાજુની તમામ વિગતો મેળવે છે. માહિતી એકત્રિત કરી આ અનાથ યુવાનને મદદ કરવા મનોમન સંકલ્પ કરે છે. ક્લાર્ક રસિકભાઈ ટેલિફોનનું રિસીવર ઉઠાવે છે. ફોન ઉઠાવી તેઓ કહે છે : ‘હેલો, અંધ ઉદ્યોગ શાળા?’ સામે છેડેથી ટેલિફોન રિસેપ્શનિસ્ટ પંકજભાઈ ત્રિવેદી બોલી ઊઠે છે : ‘બોલો કોનું કામ છે?’  ક્લાર્ક આગળ ઉમેરે છે : ‘હું રંઘોળાથી બોલું છું. અહીં મંદિરમાં બંને આંખે અંધ રાજુ નામનો યુવાન પોતે અનાથ છે તેવું કહે છે, તેનું કોઈ નથી. આનું કંઈ થઇ શકે?’ પંકજભાઈ ત્રિવેદી કાર્યાલયમાં ફોન ટ્રાન્સફર કરે છે. સંસ્થાના સંચાલક સાથે ક્લાર્કનો સંવાદ થાય છે. સંચાલક રાજુને ભાવનગર અંધશાળામાં મોકલી આપવા જણાવે છે. રાજુ બીજા જ દિવસે શાળાના કાર્યાલયમાં આવી પહોંચે છે. તેના પ્રમાણપત્ર અને શૈક્ષણિક અભ્યાસક્રમને ધ્યાને લઇ ઉમરગામમાં એક સંસ્થાના સંચાલક પંકજભાઈ ડગલીને રાજુની યોગ્યતા મુજબ કામ આપવા અને  પોતાના છાત્રાલયમાં રહેવાની સગવડ કરી આપવા ભલામણ કરવામાં આવે છે. પંકજભાઈનો સાનુકૂળ પ્રત્યુત્તર મળતા રાજુને તાબડતોબ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંચાલક દ્વારા ઉમરગામ મોકલી આપવામાં આવે છે.  નિરાધાર, નેત્રહીન વ્યક્તિ પ્રત્યે રસિકભાઈ મેંદપરાની જે સંવેદનાભરી દ્રષ્ટિ પડી અને તેના દિલમાં સંવેદના જાગી, જેના કારણે નિરાધાર અંધ એક છત્રછાયા પામી શક્યો. આજે જેઓ સત્તાના સિંહાસન પર બિરાજમાન છે તેવા સત્તાધીશોના દિલમાં જ્યારે રસિકભાઈ જેવી સંવેદના જાગશે ત્યારે જ અસમાન પલ્લું સંવેદનાના ભારથી તોળાઈને ઝૂકી પડશે.  સમભાવ દૃષ્ટિકોણ વડે સાચું જગત નિહાળી શકશે.  જગતમાં જેટલું સંપત્તિનું મૂલ્ય છે  તેનાથી વધુ મૂલ્ય તો સાચી સંવેદનાનું હોવું જોઈએ.  જે રીતે રસિકભાઈ મેંદપરાની સંવેદનાથી રાજુનું નવું જીવન શરૂ થયું છે તેવા જ આ માર્ગના અનેક પ્રવાસીઓ માટે શિક્ષિત લોકોએ પોતાની સાચી દૃષ્ટિ કેળવી સંવેદના જગાડવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here