ગાંધીનગર ખાતે ભારતીય વાયુદળનો ૮૬મો સ્થાપના દિવસ ઉજવાયો

797

દેશની સીમાઓની સુરક્ષાની સાથેસાથે વિવિધ કુદરતી આપત્તિ સમયે સામાજિક દાયિત્વ નિભાવવામાં પણ ભારતીય વાયુદળ હંમશા અગ્રેસર રહ્યું છે, તેમ સ્વાક, ગાંધીનગર ખાતે ભારતીય વાયુદળના ૮૬મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું.

ભારતીય વાયુદળના ૮૬મા સ્થાપના દિવસે વાયુદળના તમામ વાયુયોદ્ધાઓને શુભેચ્છા આપતાં કોહલીએ કહ્યું હતું કે, ભારતીય વાયુદળ ઉપર આપણને ગૌરવ છે. આજે ભારતીય વાયુદળ વિશ્વના શ્રેષ્ઠ વાયુદળમાંથી એક છે. ચાલુ વર્ષે ભારતીય વાયુદળે ગગનશક્તિ સફળ અભ્યાસ દ્વારા યુદ્ધ કૌશલ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ યુદ્ધ અભ્યાસે વાયુદળને નવી ઉંચાઇ અપાવી છે. ગગનશક્તિ અભ્યાસમાં સ્વાકનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. સ્વાક, ગાંધીનગરે યુદ્ધ સમયે જ નહીં પણ સ્વચ્છ ભારત અભિયાન, સોલાર એનર્જી, વૃક્ષારોપણ-પર્યાવરણ જતન અને યોગનો વિકાસ થકી સામાજિક જવાબદારી પણ ઉત્તમ રીતે નિભાવી છે. ભારતીય વાયુદળ વિશ્વમાં સફળતાની સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે પાઠવી હતી. સાઉથ વેસ્ટન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એચ.એસ. અરોરાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, તા.૮ ઓકટોબર-૧૯૩૨ના રોજ ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાથી અત્યાર સુધી વાયુદળ તમામ પ્રકારના ઓપરેશન માટે સક્ષમ છે. દેશમાં કુદરતી આપત્તિ સમયે દેશવાસીઓની મદદ માટે વાયુદળ હંમેશા તત્પર રહે છે. શ્રી અરોરાએ વાયુદળના ૮૬મા સ્થાપના દિવસ નિમિત્તે તમામને શુભેચ્છાઓ આપી હતી. આ ઉજવણી પ્રસંગે ભારત નાટ્યમ, ગુજરાતી ગરબા, સોલો સોન્ગ, લોકનૃત્ય તેમજ મહિલા સશક્તિકરણ અંગે નૃત્ય સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, વાયુદળના ઉચ્ચ અધિકારીઓ, જવાનો સહિત તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleહિંમતનગર ન.પા.ની પેટાચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
Next articleગેરકાયદે બાંધકામ અને દબાણ મુદ્દે વણકહી મુદત