એન્જિનિયરીંગમાં પાસ થવા માટે ૪૦ માર્કસ જરૂરી રહેશે

971

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એન્જિનિયરીંગની પરીક્ષાના પાસિંગ માર્ક્સમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકેડેમિક કાઉન્સિલ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, હવેથી લેખિત પરીક્ષામાં પાસિંગ માર્ક્સ ર૩ના બદલે ૨૮ રહેશે. તેમજ ઇન્ટર્નલ પરીક્ષામાં કુલ ૩૦માંથી પાસ થવા ૧ર માર્કસ લાવવા પડશે. આમ, એન્જિનીયરીંગમાં હવે પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ માર્કસ વિદ્યાર્થીઓએ લાવવા પડશે. જેનો અમલ નવા શૈક્ષણિક સત્ર ર૦૧૯-ર૦થી અમલ કરવામાં આવશે. જીટીયુની તાજેતરમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં અલગ-અલગ ફેકલ્ટીના અભ્યાસક્રમ અને પરીક્ષા સંબંધિત બાબતો અંગે વિચારણા કરવામાં આવી હતી, જેમાં અભ્યાસક્રમમાં ફેરફારની સાથે ખાસ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસિંગ માર્ક્સ અંગે મહત્ત્વની ભલામણ બોર્ડ ઓફ ગવર્નરને કરવામાં આવી હતી. આ બેઠકમાં કમિટીના અમુક સભ્યોએ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ૪૦ માર્ક્સ લાવવાની દરખાસ્ત મૂકી હતી ત્યારે આ બેઠકમાં અમુક મેમ્બર્સે વિરોધ પણ કર્યો હતો, વિદ્યાર્થીઓ માંડ-માંડ પાસ થઇ રહ્યા હોય તો તેવા સંજોગોમાં પાસિંગ માર્ક્સ વધારી દેવામાં આવે તો વિદ્યાર્થીઓની હાલત કફોડી થશે તે માટે વિરોધ પણ એનએસયુઆઇએ કર્યો હતો.

એકેડેમિક કાઉન્સિલમાં આ મતલબનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતની જુદા જુદા કોર્સમાં કુલ બે પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે, જેમાં કોલેજની ઇન્ટર્નલ પરીક્ષામાં કુલ ૩૦માંથી પાસ થવા માટે ૧ર માર્ક્સ લાવવા પડે છે. આ માર્ક્સની ગણતરી કરીએ તો ૪૦ ટકા પૂરા થઇ જાય છે. જોકે હાલ તો એકેડેમિક કાઉન્સિલે નિર્ણયનો અમલ કરી દીધો છે, પરંતુ અમુક સભ્યના વિરોધના કારણે બોર્ડ ઓફ ગવર્નર પર નિર્ણય છોડવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીઓની કવોલીટી સુધરે તે માટે બોર્ડ ઓફ ગવર્નર પણ નિયમનો અમલ કરશે તેમ લાગી રહ્યું છે. કાઉન્સીલના નવા નિર્ણયને લઇ વિદ્યાર્થીઓમાં પણ અલગ-અલગ પ્રતિભાવો સાંપડી રહ્યા છે.

Previous articleભારે વિરોધ વચ્ચે સ્કુલોમાં નવરાત્રિ વેકેશનનો પ્રારંભ
Next articleનવરાત્રી ઉત્સવની ભવ્ય શરૂઆત : ખેલૈયાઓ તૈયાર