રાફેલ ડીલ : અમે સ્વયં રિલાયન્સની પસંદગી કરી હતી : દસોલ્ટનો નવો ખુલાસો

690

રાફેલ ડીલમાં ફ્રાન્સની ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ મીડિયા પાર્ટના નવા ખુલાસા બાદ ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિયેશનની પ્રતિક્રિયા સામે આવી છે. ભારતને રાફેલ વિમાન આપનારી આ કંપનીએ વેબસાઇટના રિપોર્ટને ફગાવી દેતાં જણાવ્યું છે કે તેણે જોઇન્ટ વેન્ચરના પાર્ટનર તરીકે પોતે જ રિલાયન્સ કંપનીની પસંદગી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નવા ખુલાસામાં ફ્રાન્સની વેબસાઇટે એવો દાવો કર્યો હતો કે દસોલ્ટ એવિયેશનને રિલાયન્સ ડિફેન્સ સાથે સમજૂતી કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ જ નહોતો. દસોલ્ટ એવિયેશને જણાવ્યું હતું કે ભારતીય નિયમો (સંરક્ષણ ખરીદી પ્રક્રિયા)ના પાલન માટે તેને પ૦ ટકાનો ઓફસેટ કોન્ટ્રાકટ કરવાનો હતો. દસોલ્ટ એવિયેશને આ માટે એક જોઇન્ટ વેન્ચરની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે દસોલ્ટ એવિયેશને સ્વતંત્ર રીતે તેના માટે રિલાયન્સ ગ્રૂપની પસંદગી કરી હતી. ૧૦ ફેબ્રુઆરી, ર૦૧૭ના રોજ જોઇન્ટ વેન્ચર દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિ. (ડીઆરએએલ)ની રચના કરવામાં આવી હતી. દસોલ્ટ એવિયેશને જણાવ્યું હતું કે બીટીએસએલ, ડીઇએફએસવાયએસ, કાઇનેટિક, મહિન્દ્રા, સેમટેલ જેવી કંપનીઓ સાથે પણ અન્ય ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે.

આ ઉપરાંત ૧૦૦ અન્ય સંભવિત ભાગીદારો સાથે વાતચીત ચાલી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં ફ્રેન્ચ રેગ્યુલેશનનો સંપૂર્ણ અમલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂ.પ૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ ફાઇટર પ્લેનના સોદામાં રિલાયન્સ દસોલ્ટની મુખ્ય ઓફસેટ પાર્ટનર છે.

ફ્રાન્સની ઇન્વેસ્ટિગેટિવ વેબસાઇટ મીડિયા પાર્ટે આ ડીલને લઇને નવો રિપોર્ટ જારી કર્યો છે, તેેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વેબસાઇટ પાસે ઉપલબ્ધ દસોલ્ટના કહેવાતા ડોકયુમેન્ટ એ વાતને સમર્થન આપે છે કે તેની પાસે રિલાયન્સને પાર્ટનર તરીકે પસંદ કરવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નહોતો.

Previous articleજાતીય શોષણનો આરોપ લગાવનારી મહિલાઓની વાત સાંભળવી જોઈએ : મેલેનિયા
Next articleજિંદગી ખાતર બેટિંગ કરવા મોકલવાનો થાય તો હું સચિનની પસંદગી કરીશ : શેન વૉર્ન