આફ્રિકાના યુવા અબજોપતિનું તાન્ઝાનિયામાં અપહરણ

694

તાન્ઝાનિયાના મુખ્ય શહેર દાર એ સલામમાં કેટલાક બૂરખાધારીઓએ બંદૂકની અણીએ આફ્રિકાના સૌથી યુવા અબજોપતિ બિઝનેસમેનનું અપહરણ કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે ગુરુવારે આ વાતની માહિતી આપી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ ૪૩ વર્ષીય મોહમ્મદ દેવજીનું એક હોટેલના જીમની બહારથી અપહરણ કરાયું હતું.

દેવજી પોતાના સવારના રૂટિન મુજબ જીમમાં કસરત કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમનું અપહરણ કરાયું હતું. અપહણકર્તાઓએ અબજોપતિને પોતાની સાથે લઈ જતા પૂર્વે હવામાં ગોળીબાર કર્યા હતા. દેવજી સાથે તે સમયે કોઈ સુરક્ષાગાર્ડ હાજર નહતા. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટનામાં સંદિગ્ધ ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બે અપહરણકર્તાઓ વિદેશી હોવાનું જણાયું છે.

ફોર્બ્સની યાદીમાં મોહમ્મદ દેવજીની સંપત્તિ ૧.૫ અબજ ડોલર હોવાનું જણાવાયું છે અને તે તાન્ઝાનિયાના એકમાત્ર અબજોપતિ છે. ૨૦૧૭ના રિપોર્ટ મુજબ ફોર્બ્સે જણાવ્યું હતું કે દેવજી આફ્રિકાના સૌથી યુવા અબજોપતિ છે. ૨૦૧૬માં દેવજીએ પરોપકારી કાર્યો પાછળ પોતાની અડધો અડધ સંપત્તિ દાન કરવાનું જણાવ્યું હતું. પર્યાવરણ મંત્રી જેનવરી મકામ્બાએ જણાવ્યું કે દેવજીના પિતા અને તેના પરિવાર સાથે વાત થઈ છે અને તેમનું અપહરણ થયું હોવાની ખાતરી થઈ છે.

Previous articleઢુંઢર અને સુરત બળાત્કાર કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે
Next articleભાજપ સમાજમાં સેવા માટે નહીં પણ અહીં રાજનીતિ કરવા માટે છે : અનંતકુમાર હેગડે