ઓરિસ્સા-આંધ્રમાં તિતલી તોફાનથી મૃતાંક ૨૦ થયો

882

તિતલી તોફાનના પરિણામ સ્વરુપે ઓરિસ્સાના અનેક વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં ભારે નુકસાન પહોંચ્યા બાદ બંગાળમાં પણ તિતલીનો આતંક જારી રહ્યો છે. એકલા ઓરિસ્સામાં ત્રણ લાખ લોકોને અસર થઇ છે. ઓરિસ્સાના ગજપતિ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભેખડો ધસી પડવાની ઘટનામાં ૧૨ના મોત થયા છે જ્યારે ચાર લોકો લાપત્તા થયા છે. આંધ્રમાં તોફાનથી આઠના મોત થયા છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે તોફાન પ્રભાવિત લોકોને આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું છે કે, ગંજમ, ગજપતિ અને રાયગઢના જુદા જુદા વિસ્તારમાં ભારે હાલત કફોડી બની છે. ૧૫ દિવસની અંદર આર્થિક સહાયતા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, ચાર લોકોના એક પરિવારને રાહત તરીકે ૩૦૦૦થી વધુ રૂપિયા આપવામાં આવશે. બચાવ અને રાહત કામગીરી હજુ ચાલી રહી છે. ગજપતિ જિલ્લામાં શુક્રવાર સાંજથી ભારે વરસાદ થઇ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો હાલમાં રાહત છાવણીમાં છે. કેટલાક લોકો લાપત્તા પણ છે. પશ્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. બીજી બાજુ તોફાન હવે ઓરિસ્સાથી બહાર નિકળીને પશ્ચિમ બંગાળ પહોંચી ચુક્યું છે. તોફાનની તીવ્રતા ઓછી થઇ રહી છે. જો કે, આગામી ૨૪ કલાકમાં બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર વરસાદ પડવાની શંકા દેખાઈ રહી છે. તીવ્ર પવન પણ ફૂંકાશે. ગંજમમાં પણ ભારે નુકસાન થયું છે. સાવચેતીના તમામ પગલા તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે. ગજપતિ જિલ્લામાં ફુડ પેકેટ ઉપલબ્ધ કરાવવા માટે બે હેલિકોપ્ટરોની સેવા લેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અધિકારીઓ તૈનાત કરાયા છે. ગંજમમાં ૨૦૦ અને ગજપતિમાં ૧૦૦ મેટ્રિક ટન ભોજન મોકલવામાં આવ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકાશ્મીર : સઘન સુરક્ષા વચ્ચે સ્થાનિક ચૂંટણી માટે મતદાન