આફ્રિકન દેશ મલાવીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા લગાવવા સામે વિરોધ

788

આફ્રિકન દેશ મલાવીની આર્થિક રાજધાની બ્લાંટાયરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા લગાવવા સામે વિરોધ શરૂ થયો છે. પ્રતિમા લગાવવાની યોજનાના વિરોધમાં લગભગ ત્રણ હજાર લોકોએ એક અરજી પર હસ્તાક્ષર કર્યા છે. તેમનું કહેવું છે કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નાયકે દક્ષિણ આફ્રિકન દેશ માટે કંઈ કર્યું નથી. મલાવીમાં ગાંધીજીના નામ પર બનેલા એક માર્ગની સાથે તેમની પ્રતિમા બનાવવાનું કામ બે માસ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. મલાવીની સરકારનું કહેવું છે કે આ પ્રતિમા એક સમજૂતી હેઠળ બનાવાઈ રહી છે.

ભારત દ્વારા બ્લાંટાયરમાં એક કરોડ ડોલરના ખર્ચે એક સંમેલન કેન્દ્રનું નિર્માણ થવાનું છે. ગાંધી મસ્ટ ફૉલ સમૂહના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે મહાત્મા ગાંધીએ આઝાદી માટેના મલાવીના સંઘર્ષમાં કોઈ યોગદાન આપ્યું નથી. તેથી તેમને લાગે છે કે માલાવીના લોકો પર ગાંધીની પ્રતિમા થોપાઈ રહી છે અને આ એક વિદેશી શક્તિનું કામ છે.આ વિદેશી શક્તિ મલાવીના લોકો પર પોતાનો દબદબો અને તેમના મનમાં પોતાની સારી છબી બનાવવા ચાહે છે. અરજદારે ગાંધીજી પર રંગભેદી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

વિદેશ મંત્રાલયના મુખ્ય સચિવ ઈસાક મુનલોએ આ પ્રોજેક્ટનો બચાવ કર્યો છે. તેમણે કહ્યુ છે કે મહાત્મા ગાંધીએ સાદગી, સામાજિક બુરાઈઓ વિરુદ્ધની લડાઈ, નાગરિક અધિકારોને પ્રોત્સાહન આપ્યું હોવાનું સ્વીકારવું જોઈએ. તેમણે કહ્યુ છે કે આ વાતને ભુલાવી શકાય નહીં કે ઉપનિવેશવાદ અને દમન વિરુદ્ધ લડનારા આફ્રિકાના તમામ સ્વતંત્રતાસેનાની મહાત્મા ગાંધીથી પ્રભાવિત હતા.

Previous articleઈમરાન ખાને પણ મોદીના પગલે પાક.માં ‘સ્વચ્છતા અભિયાન’ શરૂ કર્યું
Next articleટેસ્ટમાં ભારતની ૧૦ વિકેટે જીત : ૨-૦થી ક્લિન સ્વીપ