ગાંધીનગર જિલ્લામાં વાયબ્રન્ટના કરોડોના ૬૧૪ MOU પડતાં મુકાયા

973

રાજ્ય સરકાર દ્વારા દર બે વર્ષે કરવામાં આવતી વાયબ્રન્ટ સમિટમાં કરોડો રૃપિયાના રોકાણો માટે ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવતા હોય છે પરંતુ   જમીની હકીકત ઉપર કેટલા રોકાણ થતાં જ નથી.

જિલ્લામાં વર્ષ ર૦૧૧-૧૩-૧પ-૧૭ની વાયબ્રન્ટ સમિટ અંતર્ગત કરોડો રૃપિયાના મુડીરોકાણનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્રમાણે મુડી રોકાણ થયા નથી અને વર્ષ ર૦૧૧ની સમિટમાં એમઓયુ કરનાર ર૩૧ તો વર્ષ ર૦૧૩માં ૧પ૧ અને વર્ષ ર૦૧૫માં ૧૧૪ તેમજ ૨૦૧૭ની સમિટમાં એમઓયુ કરનાર ૮૮ રોકાણકારોએ પ્રોજેકટ પડતાં મુકી દેતાં કુલ ૬૧૪ જેટલા એમઓયુ હવે શરૃ નહીં થાય એટલે આ સમિટમાં ખાલી ખાધુ.. પીધુ.. અને મજા કરવાનો ઘાટ ઘડાયો છે.

ગુજરાતમાં વિદેશી રોકાણકારોની સાથે અન્ય રાજયોના ઉદ્યોગકારો પોતાનું મુડી રોકાણ કરે તે હેતુથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટ શરૃ કરી હતી. ગાંધીનગરમાં દર બે વર્ષે મસમોટો તાયફો કરવામાં આવતો હતો જેમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓને બોલાવીને લાલ જાજમ બિછાવવામાંઆવતી હતી પરંતુ એમઓયુ કર્યા બાદ આ ઉદ્યોગકારો પાછુ વળીને જોવા માટે ગુજરાતમાં આવતા નહોતા. જે પ્રોજેકટ શરૃ થતાં તે આમ પણ ગુજરાતમાં વિસ્તરણના રૃપે હાથ ધરાતાં હતા.

નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પછી પણ વર્ષ ર૦૧૫ અને ૧૭માં એમ બે વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી હતી પરંતુ તેમાં પણ જોઈએ તેવી સફળતા સરકારને મળી નથી. રાજ્યમાં દરેક જિલ્લાઓમાં કરોડો રૃપિયાના મુડી રોકાણનો દાવો આ સમિટ પછી કરવામાં આવતો હતો. પરંતુ જમીની હકીકત તેનાથી અલગ જોવા મળતી હતી. છેલ્લા ચાર વાયબ્રન્ટ સમિટના ચિતાર ઉપર નજર કરીએ તો ગાંધીનગર જિલ્લામાં કરોડો રૃપિયાના મુડી રોકાણ માટે વર્ષ ર૦૧૧થી વાયબ્રન્ટ સમિટમાં કુલ ૪૦૦ એમઓયુ થયા હતા જે પૈકી ર૩૧ પડતા મુકાઈ ગયા છે. જેમાંથી ૧પ૭ પ્રોજેકટ શરૃ થયા છે. આ જ પ્રકારે વર્ષ ર૦૧૩ની વાયબ્રન્ટ સમિટમાં ૬૬૯ જેટલા એમઓયુ ગાંધીનગર જિલ્લા માટે થયા હતા. જે પૈકી ૧પ૧ પ્રોજેકટ પડતા મુકાયા છે. આ જ પ્રકારે વર્ષ ર૦૧૫ની સમિટમાં ૮૩૩ એમઓયુ થયા હતા અને ૧૪૪ પ્રોજેકટને પડતાં મુકાયાછે. જ્યારે વર્ષ ર૦૧૭ની ગત વાયબ્રન્ટ સમિટમાં અધધ.. ૧૦૦૪ જેટલા એમઓયુ થયા હતા જે પૈકી પ૩૯ કાર્યરત છે જ્યારે ૮૮ પ્રોજેકટ પડતાં મુકાયા છે તો બાકીનામાં કામ શરૃ થયું હોવાનો દાવો સરકાર કરી રહી છે. ખરેખર જો વાયબ્રન્ટ સમિટ અંતર્ગત રોકાણ થયા હોય તો જિલ્લામાં બેરોજગારીનો આંકડો હજારો સુધી પહોંચી ના શકત. પરંતુ આ સમિટમાં માત્ર ખાધું.. પીધું અને મજા કર્યાનો ઘાટ ઘડાતો જોવા મળતો હોય છે.

Previous articleમાર્કેટોમાંથી ૧૩૬ કિલો પ્લાસ્ટિક ઝડપી પાડ્‌યું
Next articleસંત રાજિન્દર સિંહમહારાજનો અમદાવાદમાં સત્સંગ કાર્યક્રમ