વિમાનનો દરવાજો બંધ કરવા જઈ રહેલ એરહોસ્ટેસ પડી જતા ગંભીર રીતે ઘાયલ

1326

એર ઇન્ડિયામાં આજે એક આશ્ચર્યજનક દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું વિમાન મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે વિમાનનો દરવાજો બંધ કરવા જઇ રહેલ એક એરહોસ્ટેસ વિમાનમાંથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તેને સારવારઅર્થે નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટનાની વિગતો એવી છે કે એર ઇન્ડિયાના ચાલકદળની પ૩ વર્ષીય મહિલા સભ્ય એર ઇન્ડિયાનું વિમાન એઆઇ-૮૬૪ મુંબઇથી દિલ્હી જવા ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે તે દરવાજો બંધ કરતી વખતે નીચે પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને આ દુર્ઘટના સર્જાઇ હતી. એર ઇન્ડિયા દ્વારા આ અંગે કોઇ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આ દુર્ઘટના વિમાનના ઉડાન ભરવાની થોડી મિનિટો પહેલાં જ ઘટી હતી. આ વિમાન આજે સવારે ૭-૦૦ વાગ્યે દિલ્હી જવા માટે ટેક ઓફ કરવાની તૈયારીમાં હતું ત્યારે મહિલા એરહોસ્ટેસ વિમાનનો દરવાજો બંધ કરી રહી હતી ત્યારે પાછળથી ધક્કો લાગવાને કારણે તે વિમાનમાંથી જમીન પર નીચે પડી ગઇ હતી. તેની હાલત અત્યારે ગંભીર હોવાનું જણાવાય છે. હાલ નાણાંવટી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

હજુ ગયા શુક્રવારે પણ એર ઇન્ડિયાની ફલાઇટ સાથે એક મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. ત્રિચીથી દુબઇ જઇ રહેલી આ ફલાઇટ એરપોર્ટની દીવાલ સાથે ટકરાઇ હતી. જેના કારણે થોડા સમય સુધી વિમાનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો અને વિમાન રડાર પરથી ગાયબ થઇ ગયું હતું ત્યારે એરપોર્ટ સત્તાવાળાઓના જીવ અદ્ધર થઇ ગયા હતા.

જોકે વિમાનનું મુંબઇમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સદનસીબે આ વિમાનના તમામ યાત્રીઓ સુરક્ષિત હતા. સત્તાવાળાઓએ આ ઘટના અંગે તપાસના આદેશ જારી કર્યા હતા.

Previous articleચીની સૈનિકો ફરી ભારતીય સરહદમાં ઘુસ્યા : તંગદિલી
Next articleકેરળ નન રેપ કેસમાં બિશપ ફ્રેન્કોને શરતી જામીન મળ્યા