આજથી ચોમાસુ દેશના મોટા ભાગના વિસ્તારોમાંથી વિદાય લેશે

736

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યનું ચોમાસું શનિવારે દેશના તમામ ભાગોમાંથી વિદાય લેશે. ભારતીય દ્વીપકલ્પમાં ચોમાસુ બેસવા સાનુકુળ સ્થિતિ સજર્જાઈ છે અને હવે અહી ઓકટોબર-ડિસેમ્બરમાં વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પૂર્વ ચોમાસાને પગલે દક્ષિણ દ્વીપકલ્પમાં કુલ વરસાદનો ૩૦ ટકા હિસ્સો ઓકટોબર-ડિસેમ્બર સીઝનમાં આવે છે. ખાસ કરીને તામિલનાડુમાં ૪૮ ટકા વરસાદ આ ગાળામાં પડે છે. ઈન્ડિયન મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ જણાવ્યું હતું કે, ૨૦ ઓકટોબર ૨૦૧૮થી સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું ખેંચાવા માટે સાનુકુળ સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ પહેલી સપ્ટેમ્બરથી પાછું ખેંચાવાની શરૂઆત થાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ૭૦ ટકા વરસાદ જૂન-સપ્ટેમ્બરના ગાળામાં પડે છે. ચાલુ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ૯ ટકા ઓછો રહ્યો છે. આઈએમડીના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર વરસાદ પાછો ખેંચાવાની પ્રક્રિયા નિર્ધારિત સમયથી લગભગ એક મહિનો મોડી શરૂ થઈ છે અને તેને લીધે એકંદર વરસાદ પર પણ અસર થઈ છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ વરસાદની ઘટ ૨૨ ટકા રહી છે. આઈએમડીના નેશનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના હેડ કે સતી દેવીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે દેશના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાથી અમે ચોમાસુ પાછું ખેંચાવાની આગાહી કરી શકયા ન હતાં.

Previous articleમુખ્ય પૂજારી : મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો તો અમે તાળું મારી દઈશું
Next articleદેશમાં ૯૨ ટકા મહિલાઓનો મહિનાનો પગાર ૧૦ હજારથી પણ ઓછો : રિપોર્ટ