બારડોલીથી એકતા યાત્રાના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ કરાયો

700

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત એકતા રથ યાત્રાનો સરદાર સાહેબની કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક કર્યો છે ત્યારે એ એકતા અખંડિતતાનો ભાવ ૧૦ હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે. વિજય રૂપાણીએ આ એકતા યાત્રા ગામે-ગામ હરેક નાગરિકમાં દેશની એકતાના ભોગે કાંઇ નહિ નો સંકલ્પ સાકાર કરી દેશ હિત-રાષ્ટ્ર હિત ને જ સર્વોપરિ બનાવશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં એકતા યાત્રા લાર્જર ઇન્ટરેસ્ટ ઓફ ધ નેશનની પ્રેરક બનશે એમ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી ૩૧ ઓકટોબર સરદાર જ્યંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બની રહેશે. તેમણે આ વિરાટ પ્રતિમાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના રાષ્ટ્ર એકતાના યોગદાનને વિશ્વભરમાં પ્રચલિત કર્યુ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો. વિજય રૂપાણીએ સરદાર સાહેબે પ૬ર રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેનું સ્મરણ વંદન કરતાં જણાવ્યું કે જો સરદાર સાહેબ ન હોત તો આજે દેશનો નકશો જ જુદો હોત. રજવાડાઓ જો એક ન થયા હોત તો જૂનાગઢ કે હૈદરાબાદ જવા આજે પણ વીઝા લેવા પડતા હોત. સરદાર સાહેબની કૂનેહ-મક્કમ મનોબળ અને સમજાવટથી બધા રજવાડાઓ ભારતમાં વિલીન થયા અને કચ્છથી ગૌહતી કાશ્મીરથી કન્યાકુમારી એક-અખંડ રાષ્ટ્ર ભારત બન્યું છે.

તેમ પણ સરદાર સાહેબને આદરાંજલિ આપતાં તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, આજે સૌ કોઇમાં જાતિ-પાતિ-કોમ-ધર્મના ભેદથી ઉપર ઉઠી પહેલાં ભારતીયતાનો અને મા-ભારતીનો જયકાર કરીને રાષ્ટ્ર હિત સર્વોપરિના ભાવ સાથે આ એકતા યાત્રાના ૬૦ રથ ગામોમાં ફરશે. એકતાના સૌ સામૂહિક શપથ લેશે. વિજય રૂપાણીએ કહ્યું કે સરદાર સાહેબનું જીવન-ઇતિહાસ દુનિયા જાણે સમજે તથા આજની પેઢી સરદાર સાહેબના જીવન આદર્શોથી પરિચિત થાય તે માટે આ યાત્રા સક્ષમ માધ્યમ બનશે. તેમણે સરદાર સાહેબે સોમનાથ મંદિરનો પુનરોધ્ધાર કરાવીને અપીઝમેન્ટની રાજનીતિથી ઉપર ઉઠી સાંસ્કૃતિક એકતા ઊજાગર કરી છે તેમ પણ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે સરદાર સાહેબે ખેડૂતો માટે પોતાનું જીવન સમર્પિત કરેલું. ખેડૂતોની લગાન સામેની લડત-સત્યાગ્રહના ઐતિહાસિક નગર બારડોલીથી ગુજરાત સરકારે ખેડૂતોને ખેત ઉત્પાદન માટે સૂર્યશકિત ઊર્જા ખેતરમાં જ પેદા કરવા અને વધારાની વીજળી વેચી આવક મેળવવા સ્કાય સૂર્યશિક્ત કિસાન યોજનાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે ગૌરવ સહ કહ્યું કે, સમગ્ર ભારતમાં ખેડૂતો માટે સૂર્યશકિતથી ખેતી માટે ઊર્જા અને વધારાની વીજળીના વેચાણથી આર્થિક સમૃધ્ધિની આ સ્કાય યોજના ગુજરાતની આગવી પહેલ છે. મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને જગતનો તાત રૂવે દિન રાતની દયનીય સ્થિતિમાંથી બહાર લાવવા સંકલ્પબદ્ધ છે તેની ભૂમિકા આપી હતી. તેમણે એમ પણ જાહેર કર્યુ કે, આઝાદી પછી દેશના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર શેરડીની પણ ટેકાના ભાવે ખરીદી નવેમ્બર માસથી કરશે. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, ભૂતકાળમાં ટેકાના ભાવે કોઇ ખરીદી કોંગ્રેસ સરકારોએ કરી નહિ.

Previous articleગુજરાતમાં એકતા યાત્રા બે ચરણમાં યોજવાનો નિર્ણય : મંત્રી ચુડાસમા
Next articleજાફરાબાદ વણિકગૃપ દ્વારા નવરાત્રીની ઉજવણી