શહેરમાં તસ્કરોનો તરખાટ : ચિત્રા, દેસાઈનગર, સુભાષનગરમાં ચોરી

1327

ભાવનગર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં અનેક ચોરીના બનાવો સામે આવ્યા છે. જેમાં લોકોની લાખો રૂપિયાની મુડી ચોરાવા પામી છે. જેમાં આજરોજ શહેરમાં વધુ ચાર ચોરી પોલીસ ચોપડે નોંધાવામાં આવી છે. જેમાં તસ્કરો પાંચ લાખ ઉપરાંતની રોકડ સહિતની મત્તા ઉઠાવી ગયા છે.

બનાવની મળતી વિગત મુજબ શહેરના ચિત્રા ખાતે સુખસાગર સોસાયટીમાં પ્લોટ નં.એ-૭૪માં રહેતા રાજેશભાઈ નાનજીભાઈ રાઠોડ અને તેના પાડોશમાં રહેતા ઉમેશભાઈ બાબુભાઈ બારૈયા નવરાત્રિ નિમિત્તે પોતાના મઢે નિવેદ કરવા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા તસ્કરોએ બે બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. જેમાં રાજેશભાઈ રાઠોડના મકાનમાં પ્રવેશી કબાટની તિજોરીમાંથી ૩પ હજાર રોકડા અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂા.૧ લાખ ર હજાર પ૦૦ની મત્તાની ચોરી કર્યા બાદ બાજુમાં રહેતા ઉમેશભાઈ બારૈયાના મકાનમાંથી રોકડ અને ઘરેણા મળી કુલ રૂા.૧૯,૧૦૦ની મત્તાની ચોરી થયાની બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે દેસાઈનગર પેટ્રોલપંપ પાસે રૂષિરાજનગરમાં રહેતા રાઘવભાઈ મધુસુદનભાઈ ચૌહાણ પરિવાર સાથે વલ્લભીપુર ગામે નિવેદ કરવા ગયા હતા ત્યારે તસ્કરોએ બંધ મકાનમાં પ્રવેશ કરી ટીવી, કેમેરો, ઘડીયાળ, ૭પ હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૩,૮૮,૭૦૦ની ચોરી કરી લઈ ગયાની બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે તેમજ ચોરીના ચોથા બનાવમાં સુભાષનગર ખાતે ધર્મરાજ સોસાયટી પ્લોટ નં.ર૯માં રહેતા વકીલ પ્રવિણભાઈ વમનલાલ પટેલ પરિવાર સાથે સુરત ગયા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી બાળકોએ પૈસા ભેગા કરવાના ગલ્લા અને ઘરેણા મળી કુલ રૂા.૪,૬૦૦ની ચોરી કરી લઈ ગયાની ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પાલિતાણાના બંધ મકાનમાં અને મહુવાના ઉમણીયાવદરમાં તસ્કરી

ભાવનગર તા. ૧૯

ભાવનગર જિલ્લામાં તસ્કરોને જાણે રેઢુ પડ મળ્યું હોય તેમ તંત્રના કોઈડર વગર રોજબરોજ ચોરીને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે. જેમાં આજે વધુ બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. પાલિતાણાના બંધ મકાનમાં અને મહુવાના ઉમણીયા વદર ગામે મીલમાં ચોરીના બનાવો બનવા પામ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ પાલિતાણા ખાતે રૂરલ પોલીસ મથકની પાછળ રહેતા હેમંતભાઈ ડાયાભાઈ પરમાર પોતાના મકાનને તાળુ મારી પોતાના વતન આણંદ ગયા હતાં.  ત્યારે કોઈ અજાણ્યા ઈસમો મકાના તાળા – નકુચા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોના,ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂા. ર૮,પ૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જયારે બીજા બનાવમાં મહ ુવાના ઉમણીયાવદર શિવમંદિરની પાસે રહેતા દિનેશભાઈ પીઠાભાઈ હડીયા (ઉ.વ.૩૩)એ મહુવા પોલીસમાં ફરિયાદ આપી છે કે ગણેશ મીલની દિવાલ કુદી કોઈ અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ ૩ લાખ ૮પ હજાર રોકડા, સીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ દિવાલ પંખોની ચોરી કરી લઈ ગયા છે. બનાવ અંગે મહુવા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleબજરંગ વિકાસ સમિતિ દ્વારા ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતે રાવણદહન
Next articleસિહોરના યુવાનનું સ્વાઈન ફલુથી મોત