શહેરમાં છ માસ પહેલાં જ બનાવેલા સેકટરોનાં  આંતરિક માર્ગો પર ગાબડાં

840

ગાંધીનગરનાં માર્ગોને સારા રાખવા સરકારનાં માર્ગ મકાન વિભાગ દ્વારા ખાનગી કોન્ટ્રાકટરોને કોન્ટ્રાક્ટ આપીને કામગીરી કરાવવામાં આવે છે. સેકટરોનાં આંતરીક માર્ગોની કામગીરી પણ માર્ગ મકાન વિભાગ મારફતે જ થાય છે. ત્યારે મહાનગર પાલિકાનાં મેયર પ્રવિણભાઇ પટેલ દ્વારા માર્ગ મકાન વિભાગનાં સચિવને પત્ર લખીને જણાવવામાં આવ્યુ છે કે પાટનગર યોજના મારફતે સેકટર ૨૨, વોર્ડ નં ૩ અને સમગ્ર ગાંધીનગરનાં સોસાયટીઓનાં આંતરીક માર્ગોનું રીસરર્ફેસીંગ ૬ માસ પહેલા જ કરવામાં આવ્યુ છે.

માર્ગો અંગે વારંવાર મૌખીક ફરીયાદો આવતા વોર્ડનાં કોર્પોરેટર અને મેયર તરીકે મે રૂબરૂમાં જઇને ચેકીંગ કરતા સ્પષ્ટ જણાઇ આવે છે કે સોસાયટીઓનાં આંતરીક માર્ગોની કામગીરીમાં ડામર તથા કપચીની ગુણવતા યોગ્ય ન હોવાનાં કારણે કાંકરી ઉડી રહી છે. માર્ગોની જાડાઇ તથા પહોળાઇની આપની કક્ષાએથી તપાસ કરવામાં આવશે તો રસ્તાનાં કામમાં ઘણી બધી ગેરરીતી માલુમ પડશે. ઇજારાદાર દ્વારા ટેન્ડરની શરતો અનુસાર કામગીરી ન થઇ હોવાનું પ્રથમ નજરે જ દેખાઇ આવે છે. જેનાં કારણે રસ્તાઓની કામગીરી જોતા હાલમાં રસ્તાઓ પર કાંકરી ઉડી રહી છે. રસ્તાઓ તુટી ગયા છે. આંતરીક રસ્તાઓ માટે કરોડો રૂપીયા પાટનગર યોજનામાં મહાનગર પાલિકા દ્વારા જમા કરાવ્યા છે. તો પણ રસ્તાની કામગીરી તદન હલકી અને નબળી ગુણવતા સામે તપાસ કરાવવી, તો સ્થિતી આપના પણ ધ્યાનમાં આવશે.

શહેરમાં છ માસ પહેલાં જ બનાવેલા આંતરિક માર્ગો પર ગાબડાં પડી જતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. પાટનગર યોજના વિભાગને મકાનો તથા માર્ગો બનાવવા તથા જાળવણી માટે અબજો રૂપીયા અપાય છે. પરંતુ કામમાં કોઇ ઠેકાણા હોતા નથી. મેયર જ લખે છે કે કાર્યપાલક ઇજનેર સાથે ચર્ચા છતા કોઇ કાર્યવાહી થઇ નથી. ખુદ કોર્પોરેશનનાં વડાનું ઇજનેરો ન સાંભળતા હોય તો નાગરીકોની શું વિસાત, વિભાગની મનમાની સામે રાવ ઉઠતી રહે છે.  મેયર દ્વારા પત્રમાં જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફરીયાદો બાબતે કાર્યપાલક ઇજનેર રાવત સાથે અમારી હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી. બિસ્માર રસ્તાઓની ટુંક સમયમાં જ તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ. પરંતુ આજદીન સુધી તેમણે આ બાબતે ઉદાસીનતા દર્શાવી છે.

Previous articleરાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિમગ દ્વારા ઈડીઓઈ ભાટ ખાતે ઔદ્યોગિક રોજગાર સર્જન કાર્યશાળા યોજાઈ
Next articleઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણી ઓછુ