ગાંધીનગર આરટીઓમાં ઓનલાઈનને લીધે સગવડને બદલે અગવડ વધી

820

ગાંધીનગર આરટીઓમાં પહેલી ઓક્ટોબરથી રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગરમાં તમામ કામગીરી ઓનલાઈન કરી દેવાઈ છે. લાઇસન્સ અને વાહન રજિસ્ટ્રેશનને લગતી તમામ અરજીઓની ફી/ટેક્ષ ઓનલાઇન જ સ્વીકારાય છે. જોકે, કચેરીમાં ઓનલાઈન સેવા માટે કોઈ કાઉન્ટર કે હેલ્પડેસ્ક ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.

દિલ્હી ઇર્‌ંમાં પણ ૧ ઓક્ટોબરથી દરેક સેવાઓ ઓનલાઈન કરાઈ છે. જોકે, ત્યાં હેલ્પડેસ્ક સરકારે નક્કી કરેલી ફીમાં કચેરીમાં જ લોકોને અરજી કરી આપે છે. ત્યારે દિલ્હીનું આ મોડેલ અપનાવવાથી ગાંધીનગરના અરજદારોની મુશ્કેલી દૂર થાય તેમ છે .

ગાંધીનગર આરટીઓમાં હેલ્પડેસ્ક ન હોવાથી દૂર-દૂરથી આવેલા લોકોને બહાર પ્રાઈવેટ લોકો પાસેથી ઓનલાઈન કામગીરી કરાવવી પડે છે. જેમાં પ્રાઈવેટ વ્યક્તિઓ દ્વારા વધુ પૈસા લેવાતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે લોકોના સમય અને પૈસા બંનેનો બગાડ અટકાવવા ગાંધીનગર આરટીઓમાં હેલ્પ ડેસ્કની માંગ ઉઠી છે. હાલ અરજદારોની પડી રહેલી મુશ્કેલીને જોતા આરટીઓ તંત્ર દ્વારા જો હેલ્પડેસ્ક બનાવાય તો બંને ફાયદો થાય તેમ છે. ઘણા લેભાગુ તત્વો અરજદારોને ગેરમાર્ગે દોરીને વધુ પૈસા પડાવે છે જે બંધ થઈ જશે. તો બીજી તરફ હેલ્પડેસ્ક સરકાર દ્વારા નક્કી કરેલી ફીમાં અરજી કરશે તો આરટીઓ તંત્રને પણ કમાણી થશે.

ઓનલાઈન કામગીરી અંગે લોકોને પડી રહેલી તકલીફો અંગે ઈન્ચાર્જ એઆરટીઓ ડી. એમ. પટેલને પૂછતા તેમણે કહ્યું હતું કે, ‘અમારા સ્ટાફ તરફથી અરજદારોને સંપૂર્ણ સહયોગ કરાય છે. જ્યાં સુધી હેલ્પડેસ્કની વાત રહી તો આ અંગે અમે કચેરીમાં તમામ ઓનલાઈન સેવાઓ માટે હેલ્પ ડેસ્ક માટે વાહન વ્યવહાર કમિશનર પાસે મંજૂરી માંગી છે. જેની મંજૂરી બાદ હાલના જ ઓપરેટર્સના સ્ટાફ અને કચેરીમાં પડેલા સામાનથી ત્રણ જેટલા હેલ્પડેસ્ક બની શકે તેમ છે.’લાઇસન્સ અને વાહન રજિસ્ટ્રેશનને લગતી તમામ અરજીઓની ફી/ટેક્ષ ઓનલાઇન જ સ્વીકારાય છે તેથી લોકોને મુસીબત પડે છે.

Previous articleકડી વિશ્વવિદ્યાલયમાં સર્વ નેતૃત્વનાં પૂર્વ તાલીમાર્થીઓનો કાર્યક્રમ યોજાયો
Next articleગુડાએ બનાવેલી તમામ દુકાનો બિલ્ડરોના લાભાર્થે નહી વેચી કોણે મલાઈ તારવી?